નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

– હેમંત

ટચલી આંગલડીનો નખ

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ

– વિનોદ જોશી

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !-રામુ ડરણકર

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.

ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.

લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !

પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.

કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !

દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.

રામુ ડરણકર

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં-યુગ શાહ

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં
હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં

જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન
હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં

ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને
આંખોથી ધીરે ધીરે દલડુ મારું તે છોલે છેં

સજનીના સ્નેહનો આ તો કેવો છેં ચમત્કાર
અમારી આંખો પણ મદનાં પ્યાલા ઢોળે છે

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !- કૃષ્ણ દવે

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમૂ થાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યેાલ મને તારામાં ગોતી દે એકાદી લીલીછમૂ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….

 

તું નાનો, હું મોટો

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો….

પ્રેમશંકર ભટ્ટ.

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,- શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

 

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

– નર્મદ

ભક્તિ કરતા છુટૅ મારા પ્રભુ એવુ માગુ છુ-જૈન સ્તવન,

પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ,-કેરોલિન ક્રિશ્ચિયન

પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ,

ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે પ્રેમ…!

આમ તો હજારો મળે ઠોકર આપી જનારા,

પણ ભરતોફાને હાથ આપે તે પ્રેમ…!

લાંબા હશે શ્વાસ, ક્યાં છે એટલો વિશ્વાસ ?

જે શ્વાસે શ્વાસે વિશ્વાસ આપે તે પ્રેમ…!

વિરોધનો વાવટો તો હર કોઈ લહેરાવે,

જે સાથ સાથે સહકાર આપે તે પ્રેમ…!

આંખોને જળ તો ઘણાં આપી જાય,

જે સ્નેહનું ઝરણું વહાવે તે પ્રેમ…!

જિંદગાનીની ભરબપોરે, જાય પડછાયો પગતળે,

પણ ભરબપોરે શીતલ છાંય આપે તે પ્રેમ…!

સપનાને સંજોગતા તો રાત વીતી જાય,

પણ સપનાંના સાકારની સવાર આપે તે પ્રેમ…!

એમ શબ્દોના સહારે તો હર કોઈ મંજીલ તારે,

જે મૌન કેરી ભાષાએ સંવાદ સાધે તે પ્રેમ…!

એમ લખવા બેસું તો ઘણું લખાઈ જાય,

પણ જે શબ્દોમાં પણ ના સમાય તે પ્રેમ…!

પ્રેમમાં છે આખી સૃષ્ટિ, પ્રેમ વિના જીવવું હવે કેમ ?

કે પ્રેમમાં વસું છું હું હરદમ, ને મુજમાં વસે છે પ્રેમ…!

http://theindians.co/profiles/blogs/3499594:BlogPost:965213

અળગી રહી કઈક સળગી રહી

અળગી રહી કઈક સળગી રહી
પણ ઝીંદગી મને વળગી રહી

સુકી ધરતી પર મહોરતી રહી
ઝીંદગી મારી ધીરી કોરતી રહી

સ્થિર હવા થોડી વિસ્તરતી રહી
ઝીંદગી મારી જરી પમરતી રહી

ખુશી જીવન માં ફરી ભળતી રહી
ઝીંદગી અશ્રુઓ ને સંઘરતી રહી

ઉગી ખરી અને આથમતી રહી
ઝીંદગી અવતાર રૂપે મળતી રહી
 

-કુશ

રિટાયર થવાનો સમય થઈ ગયો,-અઝીઝ ટંકારવી

રિટાયર થવાનો સમય થઈ ગયો,
બરાબર થવાનો સમય થઈ ગયો.

શરીરે સુવાસો લગાવી ઘણી,
ખુદ અત્તર થવાનો સમય થઈ ગયો.

તમે છો ને ઈશ્વર હતા જગ મહીં,
લ્યો પત્થર થવાનો સમય થઈ ગયો.

હજી સત્ય પર આવરણ ક્યાં લગી,
ઉજાગર થવાનો સમય થઈ ગયો.

હવે બાંધ બિસ્તર જવાનું છે દૂર,
મુસાફર થવાનો સમય થઈ ગયો.

રમી લીધું ઘર-ઘર રમતમાં ઘણું,
હવે ઘર જવાનો સમય થઈ ગયો.

-અઝીઝ ટંકારવી

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

મરતા નથી હોતા બધા લોકો મોતથી,

મરતા નથી હોતા બધા લોકો મોતથી,
કોઈને જિંદગીનો માર લાગે છે.
અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.
લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,
નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.
ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,
તકદીરની તલવાર ધારદાર લાગે છે.
મુશ્કેલ બને છે જીવવું જ્યારે,
મોત સહેલું, જીવન પડકાર લાગે છે.
માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,
એને તો આવતાય કેટલી વાર લાગે છે.

– અજ્ઞાત

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?-દુલા ભાયા કાગ

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
-નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી

મુરારિ કહે છે મુખથી માજી…
તારે હુકમે ભણે છે હાજી હાજી…
બાપુ બધાનો તારો બેટો રે…
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક

ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણી… રે.માતાજી0 1

કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રે…માતાજી0 2

જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે …માતાજી0 3

બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે …માતાજી0 4

’કાગ’ તારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રે…માતાજી0 5

આંખોના દ્વાર ખોલીને શમણા સુધી ગયા,

આંખોના દ્વાર ખોલીને શમણા સુધી ગયા,
હોવા પણાનો ડર લઈ, ઘટના સુધી ગયા.

એમાં નવાઈ શું , જો નિરાશાઓ સાંપડે!
મીઠપની આશે કાં , અમે દરિયા સુધી ગયા?

પાગલપણાથી પર હશે ના, એની જિંદગી
ઈચ્છા જે ફૂલની લઈ સહરા સુધી ગયા?

મરવાની ઈચ્છા એટલે ‘મન્સુર’ ફળી નહીં
ડૂબી જવાની આશ લઈ, તરણા સુધી ગયા.

-મન્સુર કિસ્મત કુરેશી

તબક્કે-તબક્કે તફાવત નડે છે

તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને,માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે,એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે,એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ,કશુંક વારસાગત નડે છે !

– ડૉ. મહેશ રાવલ

આપી આપીને તમે પીંછું આપો

આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપી ને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોષી

લીલું ને સુકું બળશે ક્યારેક,

લીલું ને સુકું બળશે ક્યારેક,
આંખોથી આંખો મળશે ક્યારેક.

હ્રદયની છતમાં તિરાડ પડી,
આંખોથી પાણી ગળશે ક્યારેક.

પાલવ તમારો લાલ કસુંબલ,
જીર્ણ થઇને ઝળશે ક્યારેક.

હસ્તરેખાની અણકથ વેદના,
કોઇ નજૂમી કળશે ક્યારેક.

મારી સફળતાનો દિવસ પણ,
સાંજ બનીને ઢળશે ક્યારેક.

વિનોદ નગદિયા (આનંદ)

ગમે ત્યારે એ અનરાધાર વરસે,-રશીદ મીર

ગમે ત્યારે એ અનરાધાર વરસે,
ગમે ત્યારે એ મારી જાય તરસે.

બહુ શરમાળ છે બોલે છે ઓછું,
તમે બોલાવશો તો વાત કરશે.

બને તો સાંજના રોકાઈ જજો,
ઘણાં વરસે સદનનું ભાગ્ય ફરશે.

દુવા દરવેશની શેરીમાં ગૂંજી,
ભલું કરનારની આંતરડી ઠરશે.

હઠીલી આ હવાને વારવી શી ?
ભલે બે-ચાર સૂક્કાં પર્ણ ખરશે.

ઉદાસી સાંજની બોલી રહી છે,
ઠરે જો રાત તો દીવાઓ ઠરશે.

ચલો, આ શૂન્યને હમણાં ભરી દઉં,
અમારી પૂર્વવતતા કોણ ભરશે ?

સરળ છે વાળવી મુઠ્ઠી પરંતુ,
એ મુઠ્ઠીમાંથી પાછી રેત સરશે.

પચાવે ‘મીર’ છો બીજું બધું પણ,
ગઝલના ઝેરથી એ ખાસ મરશે.

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે– અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

ઘરમાં ઊભા જડની માફક

ઘરમાં ઊભા જડની માફક
દર્પણની એક તડની માફક

ડાળ બટકતી જોયા કરીએ
સમય ઊભો છે થડની માફક

હું જ મને અથડાતો રહેતો
ઘરમાં છું સાંકડની માફક

આડેધડ ઊગી નીકળ્યા છે
સ્મરણો તારાં ખડની માફક

મારી ધરતી પર ફેલાયા
શબ્દો કબીર-વડની માફક

– મનોજ ખંડેરિયા

દીકરો પરદેશ જો દોડી ગયો,

દીકરો પરદેશ જો દોડી ગયો,
એક સ્મરણ પાછળ સખત છોડી ગયો.

લઈ ગયો આશિષ માતાની ભલે,
નામના બંધન બધાં તોડી ગયો.

ભાલને ચમકાવવાના લોભમાં,
ઘર તરફ જાતી નજર મોડી ગયો.

લાગણીની દોર તોડી નાખી, ને-
તાર દૂરસંચારના જોડી ગયો.

રાતભર ખટકો રહે છે આંખમાં,
એક તણખલું કેવું એ ખોડી ગયો.

‘મા’ હવે માખણને ક્યાં સંતાડશે,
કાનજી ઘરને જ તરછોડી ગયો.

હસતે મુખ ‘નાશાદ’ કીધું આવજે,
બાકી એક એક શ્વાસ ઝંઝોડી ગયો.

ગુલામ અબ્બાસ ‘નાશાદ’

એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,

એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

– વિપિન પરીખ

મા ભોમ ગુર્જરી નમો નમો

મા ભોમ ગુર્જરી નમો નમો
હે વિશ્વ મધુરી નમો નમો

તવ રગ રગ રેવા ધસમસતી
તવ ખોલે તાપી ઊછળતી
તવ જલધિતરંગે હેત ભરી
અમૃતની ઝરણી નીતરતી
હે વિશ્વમંજરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…

તવ મસ્તક પાવા ઈડરિયો
ગઢ ગિરનારી ટોપી ઝગતી
તું શત્રુંજય સાપુતારા
ગિરિમાળાના શિખરે રમતી
હે વિશ્વનિર્ઝરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…

તું કૃષ્ણની કર્મભૂમિ થઈને
તું મુકુટસમી જગમાં દીસતી
તું ગાંધીની જનની મીઠી
તવચરણે દુનિયા સહુ નમતી
હે વિશ્વવલ્લરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…

તવ મુખમાં નર્મદ – નરસિંહની
કોઈ પંક્તિ રસવંતી વહેતી
તું શૌર્યભરી, તું સ્નેહ ભરી
તું દયારામ – ગરબે ઘૂમતી
હે વિશ્વબંસરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…

તું પ્રેમમયી તું પ્રાણમયી
તવ બાળને માથે કર ધરતી
હું શ્રાવણી તું જનની મોરી
તવ ચરણે શીશ ધરી નમતી
હે વિશ્વદુલારી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…

– ઈંદિરાબેટીજી

ખારાશ આખ્ખા ગામની બાઝી પડી મને

ખારાશ આખ્ખા ગામની બાઝી પડી મને
દરિયો થવાની ખેવના કેવી નડી મને

તાજી જ ધાર કાઢેલા ચપ્પુની અણી જેમ
માથા ફરેલ શ્હેરની સંધ્યા અડી મને

વસ્ત્રો હતાં નહીં ને હું ટીંગાઈ ના શક્યો
ખીંટી કોઈ જ રીતથી ના પરવડી મને

કટ્ટરપણાની હદ સુધી જેણે હણ્યાં ફૂલો
શીખવે છે એ જ પ્રેમની બારાખડી મને

નારાજગીનો એટલે વિસ્તાર થઈ ગયો
સાચી છબી ના ઉમ્રભર મારી જડી મને.

-ચંદ્રેશ મકવાણા

છોકરી સમણાંમાં આવીને છોકરાની નીંદર બગાડે,-સાજીદ સૈયદ

છોકરી સમણાંમાં આવીને છોકરાની નીંદર બગાડે,

પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે?

હાવ સાચી હકીકત છે ના છોકરીયુ માઠું લગાડે.

સ્માઈલમાં સળગી ગયાના છોકરાંના કેટલાય દાખલા,

બિચ્ચારા ગાય બની જાય છે જુઓને ભૂરાંટા આખલા.

આંખોને પાથરીને ઉભા રહે છે એતો છોકરીને આવતી ભાળે,

પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે?

ઈમ્પ્રેસ પેલીને કરવા કેવા કરતબ કરે છે એતો જુઓ,

બાઈક રમાડે છે એમ જાણે હો બાપાનો પેટ્રોલનો કૂવો.

ભાઈ કોણે અંદરથી જોઈ છે, કોણ ઘુસ્યું છે ક્યારેય નિશાળે?

પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે?

આપણે રેડી શીએ બસ ખાલી છોકરી હોવી જોઈ’ રેડી,

આપણે ક્યાં ટેન્સન છે બેસીશું સધ્ધર છે બાપાની પેઢી

બીજું બધુ તો હમજ્યા ભાઈ જીત ઘણી અઘરી પ્રેમને અખાડે,

પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે?

તમારી યાદના સૂરજ- આદિલ મન્સૂરી

બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;

બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

– મનોજ ખંડેરિયા

દુનિયા કે સિતમ યાદ ના અપનીહી વફા યાદ-જિગર મુરાદાબાદી

દુનિયા કે સિતમ યાદ ના અપનીહી વફા યાદ
અબ મુઝકો નહીં કુછભી મુહબ્બત કે સિવા યાદ

મૈં શિકવા-બ-લબ થા મુઝે યે ભી ના રહા યાદ
શાયદ કે મેરે ભુલાનેવાલેને કિયા યાદ

જબ કોઈ હંસી હોતા હૈ સરગર્મ્-એ-નવાજીશ
ઉસ વક્ત વો કુછ ઔર ભી આતે હૈં સિવા યાદ

મુદ્દત હુઈ ઇક હાદસા-એ-ઇશ્ક કો લેકિન
અબ તક હૈ તેરે દિલ કે ધડકને કી સદા યાદ

હાં હાં તિઝે ક્યા કામ મેરે શિદ્દત-એ-ગમ સે
હાં હાં નહીં મુઝકો તેરે દામન કી હવા યાદ

મૈં તર્ક-એ-રહ-ઓ-રસ્મ-એ-જુનૂં કર હી ચુકા થા
ક્યું આ ગઈ ઐસે મેં તેરી લગઝિશ-એ-પા યાદ

ક્યા લુત્ફ કી મૈં અપના પતા આપ બતાઊં
કીજે કોઈ ભૂલી હુઈ ખાસ અપની અદા યાદ

અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમે અમદાવાદી… અમે અમદાવાદી…

જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડિવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…

ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

– અવિનાશ વ્યાસ

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

– દલપતરામ

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

-બરકત વિરાણી ‘બેફામ’

પ્રણયમાં પ્રાણની બાજી લગાવીને હસી લઈશું,

પ્રણયમાં પ્રાણની બાજી લગાવીને હસી લઈશું,
અમારી હારથી તમને હરાવીને હસી લઈશું.

ખુશી જો કોઈ સાંપડશે અમારા શુષ્ક જીવનમાં,
તો આંખોમાં અમે અશ્રુઓ લાવીને હસી લઈશું.

વિધાતાએ લખેલા દુઃખ અમે કઈ એમ સહેવાના,
કે એ દુઃખથી વિધાતાને રડાવીને હસી લઈશું.

દિલાસો કે દવા નહિ તો ભલે, પણ દ્રષ્ટી તો કરજો,
તમારા દર્દ ખુદ તમને બતાવીને હસી લઈશું.

અહીં જાહેરમાં હસવું દીવાનાનો તમાશો છે,
જો હસવું આવશે તો મુખ છુપાવીને હસી લઈશું.

શમાની જેમ સળગી રાતભર રડવું નથી ગમતું,
અમે એથી બધા દીપક બુઝાવીને હસી લઈશું.

ન રડ,ઓ દિલ ભલેને પ્રેમમાં મંઝીલ નથી મળતી,
અમે ખુદ પ્રેમને મંઝીલ બનાવીને હસી લઈશું.

પગે અથડાઈને અમને ના પછાડે એટલા માટે,
અમે સૌ પાપને મસ્તક પર ઊઠાવીને હસી લઈશું.

-જયંત શેઠ

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહી તો સૂર્ય રાજીનામું આપે.

અમે ચારે તરફ પૂછી વળ્યા પણ,
હવા ક્યાં ખુશ્બુનું સરનામું આપે?

તું પહેલા વેંત નીચો તો નમી જો,
તને એ બેઠો કરવા માથું આપે.

ખરી ઈશ્વર કૃપા એને ગણી લ્યો,
કદી કોઈના માટે આંસુ આપે.

આ પડછાયો દિવસમાં ભુસીયે ચાલ,
પછી તો રાત પણ અજવાળું આપે.

– ગૌરાંગ ઠાકર

આવો તોયે સારુ, ન આવો તોયે સારુ,

પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઈમાં,
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઈમાં.

આવો તોયે સારુ, ન આવો તોયે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ.

આવો ને જાઓ તમે ઘડી અહીં ઘડી તહીં,
યાદ તો તમારી મીઠી અહીંની અહીં રહી;
મોંઘું તમારાથી સપનું તમારું,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ.

મિલનમાં મજા શું ? મજા ઝુરવામાં…
બળીને શમાના પતંગો થવામાં;
માને ના મનાવ્યુ મારું હૈયું નઠારું,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ.

આવો તોયે સારુ, ન આવો તોયે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારુ.

Unknown

તમારી એ આંખોની હરકત નથી ને ?

તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

-યામિની ગૌરાંગ વ્યાસ

વેલફેર ના નામે ફેરવેલ કરનારા

વેલફેર ના નામે ફેરવેલ કરનારા
પાખંડીઓ ક્યાં ઓછા છે બજારમાં

નિશાચર કહો કે રક્ત ચુસણા
નરાધમો ક્યાં ઓછા છે જાહેર માં

સેવા ના નામે ચરી ખાનારાઓ
NGO ક્યાં ઓછા છે સરકાર માં

વાયદાઓ ઠેકી ઠેકી ને ભરપેટ આપે
નેતાઓ આવા ક્યાં ઓછા છે ચુંટણી માં

લોકશાહી દેશ ના નામ નો ક્રૂર મજાક
આવો બસ એક ભારત દેશ છે, દુનિયામાં
 

-કુશ

એક ચેહરો અહી પડઘાય છે ‘ને તું નથી

એક ચેહરો અહી પડઘાય છે ‘ને તું નથી
સાંજ કેવી જોને શરમાય છે ‘ને તું નથી
ધુમ્રશેરોમાં ફોરમતા તારી યાદના વલયો
‘ને શ્વાસ મહીં કંઈ ધરબાય છે ‘ને તું નથી
ક્ષિતિજ ને તો શું ફરક પડવાનો એમ તો
અંધારા રાતા અકળાય છે ‘ને તું નથી
આમ એટલો સારાંશ નીકળે આ દ્વિધા નો
‘કિરણ’ તું હોય ને વિટળાય છે ‘ને તું નથી
ચલ ઓ મન આ ભેદ ભરમ છોડી દે હવે
આ ચેહરો,આ સાંજ કરમાય છે ‘ને તું નથી
દેવાનંદ જાદવ “કિરણ”

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

લોકગીત

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ- – મુકુલ ચોક્સી

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં…. સુખ દુઃખ મનમાં…

હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી,

વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી…. સુખ દુઃખ મનમાં…

નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી,

અડધા વસ્‍ત્રે વન ભોગવ્‍યાં, ના મળે અન્ન કે પાણી….સુખ દુઃખ મનમાં…

પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રો૫દી રાણી,

બાર રે વરસ વન ભોગવ્‍યાં, નયને નિદ્રા ના આણી….સુખ દુઃખ મનમાં…

સીતા રે સરખી સતી નહી, જેના રામજી સ્‍વામી,

તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી…. સુખ દુઃખ મનમાં…

રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી,

દશ મસ્તક તો છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી…. સુખ દુઃખ મનમાં…

શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી,

ભિલડીએ તેમને ભોડવીયા, ત૫માં ખામી કહેવાણી….સુખ દુઃખ મનમાં…

સર્વે દેવોને જ્યારે ભીડ ૫ડી, સમર્યા અંતર્યામી,

ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસિંહના સ્‍વામી…. સુખ દુઃખ મનમાં…

-નરસિંહ મહેતા

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.

કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.

ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્સાફ કરતો રહ્યો.

જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને મારી ખિલાફ કરતો રહ્યો.

ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.

જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.

ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.

વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સંતાપ કરતો રહ્યો.

બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.

મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો.

–મૃગાંક શાહ

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા
– મનોજ ખંડેરિયા

પગલું

પગલું મેં માંડ માંડ દીધુતું માંડવા

ને તે તો લંબાવી દીધી કેડી !

આંખો માં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તે

નજરુંની બાંધી દીધી બેડી !

હૈયાના દ્વાર હજી ખુલ્ય – અધખૂલ્યા ત્યાં

અણબોલી વાણી તે જાણી ,

અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં

પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂણી લાગણીની પ્યાલીમાં

આયુષની અમીધાર રેડી,

પગલું મેં માંડ માંડ દીધુતું માંડવા

ને તે તો લંબાવી દીધી કેડી !

**** ગીતા પરીખ ….

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી

મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી

નદી જેમ ઉંચેથી પટકાઉ પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી

તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી

હતાં સાત પરદા થવા રૂબરુ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી

-ચીનુ મોદી

તું કહે છે કે હવે હું જાઉં છું,

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

-ચિનુ મોદી

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

– રમેશ પારેખ

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…

– અજ્ઞાત

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.

પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.

ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.

શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?

ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ !

રાજેન બ્રહ્મભટ્ટ