જેને ખબર નથી કે સુરા શું ને જામ શું

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?

સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?

અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?

મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?

– શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,- શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

 

પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની-‘શૂન્ય’ પાલનપુરી

પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની.

અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર
ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની.

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબનપર
કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની.

તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યોની લૂંટો ચાલે છે:
ફૂલો તો બિચારા શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે-શૂન્ય’ પાલનપુરી,

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે

અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે

નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં

વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે

કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે

જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે

સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા

અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે

વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં

ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.

કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ?

અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક

હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક

તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

– શૂન્ય પાલનપુરી

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી

મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદર ના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી

તને એક માંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

શૂન્ય પાલનપુરી

એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર

એક દી સર્જકને આવ્યો કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાયે જગત એવું કરું સર્જન ધરાર

ફૂલની લીધી સુંવાળપ શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી બાગથી લીધી મહક

મેરૂએ આપી અડગતા ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પતા ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો મોજના સંસારથી

પ્રેમ સારસનો ઉપાડ્યો પારેવાનો ફડફડાટ
કાગથી ચાતુર્ય લીધું કાબરોથી કલબલાટ

ખંત લીધી કીડીઓથી મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું
આમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું

દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી

‘શૂન્ય’ પાલનપુરી

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’! હિંમત બોલી ‘અલ્લા બેલી’!

નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી.

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી.

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી!

આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.

શૂન્ય પાલનપુરી

પડઘાતી એક શબ્દની અણબૂઝ વાત છું,

પડઘાતી એક શબ્દની અણબૂઝ વાત છું,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું.

અંજાઓ આજ આપ ભલે સૂર્ય ચન્દ્રથી,
જેને ગ્રહણ નથી એ સિતારાની જાત છું.

ખસતો નથી હું લેશ કદી મારા સ્થાનથી,
દુનિયા ભલે ટકોર કરે કે પછાત છું.

નૌકાઓનાં નસીબ કે હમણાં છું ગેલમાં,
છંછેડશે કોઈ તો પછી ઝંઝાવાત છું.

બે ર6ગ થાઉં એવું નથી પોત ઓ સમય,
નીરખી લે ગર્વથી કે પટોળાંની ભાત છું.

ઈશ્વર નથી કે શબ્દથી જકડી શકે મને,
નિર્મોહી ‘શૂન્ય’ છું તે પણ અજાત છું.

– શૂન્ય પાલનપુરી

રુબાઈ – ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.

*

ડંખ દિલ પર કાળ-કંટકના સહન કીધા વગર,
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર;
કાંસકીને જો કે એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રુયાની જુલ્ફ પર.

*

એમ લાગે છે કે આ કુંજો પણ ખરો પ્રેમી હશે,
કો સનમની રેશમી જુલ્ફોનો એ કેદી હશે;
હાથ આ રીતે વળે ના ડોક પર કારણ વિના,
યારની ગરદનનો મારી જેમ એ ભોગી હશે.

*

અ સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.

-હકીમ ઉમર ખૈયામ નીશાપુરી

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.

અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,
નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે.

સમજી શક્યું ન કોઇ મને એનો ગમ નથી,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
જાણે મને કોઇના ઇરાદાની જાણ છે !

લઇ જાઓ, આવો ઊર્મિઓ ! એકેક અશ્રુને,
આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે.

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.

– શૂન્ય પાલનપુરી