હું નથી – એ વાતને અપનાવવા દેતા નથી

હું નથી – એ વાતને અપનાવવા દેતા નથી
કેમ મારી લાશને દફનાવવા દેતા નથી ?

કેમ મારા મનને ભ્રમની જાળમાં રાખો સતત,
કેમ સાચી વાતને સમજાવવા દેતા નથી ?

નાના-નાના માણસોના મન બહુ પ્રેમાળ છે,
મોટા-મોટા માણસો, પણ ફાવવા દેતા નથી.

સોળ આની પાક ઊતરે, શક નથી એમાં મને,
કેમ લોકો પ્રેમને અહીં વાવવા દેતા નથી ?

એક તો પોતે જ આઘા થઈ ગયા મુજથી ‘પ્રણય’,
કોઈને મારી નજીક પણ આવવા દેતા નથી.

– ‘પ્રણય’ જામનગરી