ભુલ

ભુલને એનો ભરમ ના સમજાય રે કદી;

ભુલને એનો મરમ ના સમજાય રે કદી.

ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ?

પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.

 ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો,

મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી.

 મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે

હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.

 ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે,

ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !

 ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી,

આપણી તો એ શરમ, ના સમજાય રે કદી.

 આંગળી ચીંધી એક, બતાવી ભુલ બીજાની;

આપણી સામે ત્રયમ્, ના સમજાય રે કદી !

 – જુગલકીશોર.

https://jjkishor.wordpress.com/

 

‘માતાની ભાષા’નું મુલ્ય છે.

bhasha

આપણા પ્રખર ભાષાવીજ્ઞાની યોગેન્દ્રભાઈ વ્યાસ કહે છે તેમ, એક જ ફ્રીક્વન્સી ઉપર બાજુબાજુનાં બે સ્ટેશનો રેડીયો પર સંભળાય ને જેવો અનુભવ થાય તેવો જ અનુભવ, અનેકગણો વધીને બાળકને થાય છે.

બીજી ભાષાને એક વીષય તરીકે શીખવામાં બાળકને બહુ જોર ન પડે પણ એ જ “બીજી ભાષા દ્વારા” બધું શીખવામાં પડે !! બીજી ભાષા વીષય તરીકે અને માધ્યમ તરીકે સાવ જુદો જ અનેક પ્રશ્નો સહીતનો અનુભવ કરાવે છે.

ગર્ભથી માંડીને જન્મ પછીનાં વર્ષો સુધી જે બોલી–ભાષાએ બાળક–કીશોરને બધું પીરસ્યાં કર્યું છે, ખવડાવ્યાં કર્યું છે તેમાં માહીતી અને જ્ઞાન જ નહીં, પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરા, સંસ્કૃતી અને એવું કેટલુંય સુક્ષ્મ સમાવીષ્ટ હોય તે સહજ છે. આ બધું માતૃભાષામાં પીરસાતું રહે છે ત્યાં સુધી ‘સહજ’ બની રહે છે. એને ગળે ઉતારવાનું સરળ હોય છે. પરંતુ બીજી ભાષા દ્વારા આઠમા કે પાંચમા ધોરણથી આપો કે આરંભના પ્રથમ ધોરણથી જ આપો, તે ‘સહજ’ બની શકતું નથી.

ભાષા દ્વારા માહીતી કે જ્ઞાન એક બાજુ “મળે છે” તો બીજી બાજુ પરીક્ષા કે ઈન્ટર્વ્યુ જેવા પ્રસંગે તે જ માહીતી કે જ્ઞાનને “પ્રગટ કરવાનું” પણ બાળક–કીશોર–યુવાનને ભાગે આવે છે. પોતે જે જાણે છે તેને બતાવવાનું (અને તે સાચું છે તે સાબીત કરવાનું પણ) અનીવાર્ય બની રહે છે ! જે ભાષા મેળવી આપે છે તે જ ભાષા પ્રગટ કરવામાંય મદદરુપ હોય છે, બલ્કે એ જ તો માધ્યમ હોય છે. (વીજ્ઞાન કે ટેકનીકલ વીષયોના પ્રયોગોમાં પણ “બોલીને’ સમજાવવાનું તો હોય છે જ.)

માતૃભાષા સીવાયની ભાષા દ્વારા જ્ઞાન મેળવવાનું અને મળેલા જ્ઞાનને પ્રગટ કરવાનું એમ બંને બાબતોમાં સહજતા આવતી નથી. હમણાંથી ગુજરાતનાં માધ્યમીક શીક્ષણનાં પરીણામો જોવા મળે છે તે બતાવી આપે છે કે આગલી હરોળમાં ગુજરાતી માધ્યમના વીદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમનાં વીદ્યાર્થીઓ કરતાં વધુ હોય છે !!

સૌ જાણે છે છતાં અંગ્રેજી માધ્યમનો મોહ વધતો જાય છે. હવે તો ગામડાંમાંય અંગ્રેજી માધ્યમમાં ભણવા જતાં બાળકો ગળે ટાઈ લબડાવતાં શીખી ગયાં છે. આ ટાઈ અને બુટ–મોજાં “પારકી મા”ના પ્રતીક જેવાં બની ગયાં છે. કાન–નાક વીંધાવવાનું અનીવાર્ય ન હોવા છતાં પારકી મા કને જ કાન–નાક વીંધાવવાનું સૌને કોઠે પડતું થયું છે.

કોઈપણ ભાષા ગમે તે ઉંમરે શીખી શકાય છે. ટુંકાગાળામાં શીખી શકાય છે. એક ‘જ્ઞાનભાષા’ તરીકે જરુર ઉભી થાય ત્યારે (અને તો જ) તેને શીખવવાનું શક્ય છે જ. તો પછી સાવ બાળપણથી જ બાળકોનાં મગજમાં બે રેડીયો સ્ટેશનોનો ઘોંઘાટ એકી સાથે ઉભો કરી દેવાનું શા માટે ?
‘ભાષાનું માતૃત્વ’ નહીં, ‘માતાની ભાષા’નું મુલ્ય છે. એ જ રીતે ગાંધીજીએ કહેલું તે, “અંગ્રેજો નહીં, અંગ્રેજી ભલે જાય” તે પણ મુલ્યવાન બાબત હતી. આપણે રાજકીય રીતે, સામાજીક રીતે કે અન્યથા પણ એમની કોઈ વાત માની નથી. અંગ્રેજીનું વળગણ પણ આવી જ એક નાફરમાની છે.

– જુગલકીશોર.
.(ધવલભાઇ નવનીતના સગ્રહ માંથી)