અકળ…..

બંધ શ્વાસો ના ધબકારા કદી સાંભળ્યા છે ?
વસંત માં પાન ખરતાં કદી જોયાં છે ?

ઠરી ગયેલ અંગાર માં તણખા કદી જોયા છે ?
કોરી આંખો માં આંસુ કદી જોયાં છે ?

મૌન માં શબ્દો ને કદી સાંભળ્યા છે ?
પડઘાઓ ને પર્વતો માં ખોવાઇ જતા જોયા છે ?

લાગણીઓ ના અફાટ રણ કદી જોયાં છે ?

ગણશો કદાચ પાગલ મને તમો સૌ….,પણ,
જવાબ આવડતા હોય એવા પ્રશ્નો કદી જોયા છે ?

ચૈતન્ય મારૂ
૧૫/૦૫/૨૦૧૦

તું કેમ કોરો ?

રંગો ની આ મહેફિલ માં પુછે છે સઘળા લોકો મને,
ગુલાલ ની તો ડમરી ઉડે છે, છતાં તું કેમ કોરો ?

કદાચ, મારામાં જ હશે કઇંક ખામી, કારણ
રંગમય થવાનું તો બહુ જ મન છે, છતાં પણ છું હું કોરો.

દોડી ને કહું છું તેમને, રંગો મને, રંગો મને,રંગો મને,
પ્રતિસાદ આપે છે એ, તું તો લાયક જ છે રહેવા ને કોરો.

…કરું શું હું બનવા લાયક, કે તે રંગે મને,

હા, પ્રગટાવો મને હવે, પછી છાંટશે એ ગુલાલ નું પાણી,
ઠારશે મને અને કહેશે, લે બસ, તું હવે નથી કોરો નથી કોરો.

ચૈતન્ય મારુ

વાળ નો વૈભવ

જેમને નથી અને જેમને જઈ રહ્યા છે,એમને માટે ની કવિતા….

પી.એસ.; મારે પણ નથી…!!!!!!!!

           

                       વાળ નો વૈભવ
જે નથી દેખાતું તે જોવા ની મજા ઓર છે, અને…
પામ્યા પછી ગુમાવવા ની મજા કઇં ઓર છે.

હતા, ત્યારે  વૈભવ માણી લીધો, પણ…હવે,
મહા-અભિનિષ્ક્રમણ ક ર્યા ની મજા ઓર છે.

હોય, તો, વાળે વાળ પાપ થી ભરેલ છે એમ કહેવાય,
ન હોવા થી, પૂર્ણશાળી કહેવાવા ની મજા ઓર છે.

હોય, અને અડપલું કરો, તો તમાચો પડે,
          ન હોવા ને કારણે …
“કાકા” બની, અડપલું કરી લેવા ની મજા ઓર છે.

ચૈતન્ય મારુ.

શરદપૂનમ…

તમારી યાદો એ બાંધ્યાં છે તોરણ મારી પાંપણો પર,
વધાવવા તલસી રહી છે આંખો, આવો ને તમે અભિસારિકા.

શિરાઓ માં લોહી થયું છે ઉતાવળું તમને પોંખવા,
આવોને  એનો ચાંદલો કરવા તમે, અભિસારિકા.

ઢોલ ધડુકે  છે હૃદયમાં સતત તમારા નામનો,
આવોને  એની ઉપર થાપ દેવા તમે,અભિસારિકા.
ચંદ્ર પણ પડી ગયો છે એકલો તમારા વગર,
ચાલોને ઉજવીએ આ શરદપુનમ સાથે,અભિસારિકા.

ચૈતન્ય મારુ

ગેરહાજરી

તમારી ગેરહાજરી માં તમારી હાજરી ની નોંધ લેવાય છે,
તમે નથી, તો પણ,હવે, તમારા નામ ના ગીતો ગવાય છે.

હાજર હો અને તમારો ઉલ્લેખ થાય, એ  સ્વાભાવિક છે,
અહીં તો, તમારી ગેરહાજરી વિષે કવિતા ઓ લખાય છે.

હાજર હો તો, તમે પણ “ઘણા બધા” માં ગણાઇ જાવ,
ગેરહાજરી ને કારણે,હવે, તમારી કિંમત સમજાય છે.

તમે હાજર હો તો, ઘણી વાર યાદ પણ ના આવો,
ગેરહાજરી ને કારણે,૧૦૮ મણકાઓ બની જવાય છે.

ચૈતન્ય મારુ

મારી મુંઝવણો……

મારી મુંઝવણો……

થયું, લાવ,થોડું પાછળ જોઇ લઉં,
અવકાશ હોય, તો,ક્ષણોને મુલવી લઉં.

ઘણી વાર એમ થાય છે કે,શું ઉણપ છે
અળગો અળગો કેમ લાગું છું લોકોથી
આવડતું નથી મને ચહેરો પહેરતાંકે,
પારદર્શક બનવાથી દેખાતો નથી

મને પણ ઉ ત્સાહ એટલો જ હોય,
કદાચ લોકોને બીજાનો વધારે લાગતો હશે,
કે, દેખાડો નથી કરી શકતો એટલે

મને સીન્થેટિક બનતાં નથી આવડતું,
કદાચ,માતા-પિતા હશે જવાબદાર એને માટે,
હોય એવા દેખાવું,એવું હમેશાં કહેતા બન્ને,
પણ,આ જમાનામાં, કોટન કોણ પહેરે છે

હા,ગુસ્સો છે મારી મોટી નબળાઇ,
પણ,
ખોટી ખુશામત કરવા અસમર્થ છું.

હાં…….હવે મળ્યું કારણ, મારી મુંઝવણનું,
મારી પાસે મુખવટાઓ નો સ્ટોક જ નથી !!!!

-ચૈતન્ય મારુ

કવિતા

કોરી ડાયરીમાંથી વંચાય એ કહેવાય કવિતા,
વાંચ્યા વગર સમજાય એ કહેવાય કવિતા.

કોરી આંખોથી વંચાય,એ કહેવાય કવિતા,
વાંચીને આંખો ભીંજાય,એ કહેવાય કવિતા.

અક્ષરોથી લાગણી વ્યક્ત કરો તો એ કવિતા,
પણ,આંખોમાં જે વંચાય,એ જ સાચી કવિતા.

મબલખ વાસંતી ફૂલોથી સજાવો,તો એ કવિતા,
પણ,પાનખરને પણ પ્રેમ કરાવે,એ જ સાચી કવિતા.

સાગરનાં મોજાંને જોઇને યાદ આવે એ કવિતા,
પણ,મૃગજળને જોઇને આશ અપાવે એ જ કવિતા.

અફાટ રણમાં ડુમરી ઉડતી જોઇ,યાદ આવે એ કવિતા,
પણ,હ્રદય રણમાં,મીઠો વિરડો ગાળે, એ જ સાચી કવિતા.

ચૈતન્ય મારુ

તરસ

              બધાંને ખબર છે કે, ત્યાં કદી નહીં પહોંચાય,
              હું જ અમથો રેતીમાં હલેસાં મારતો રહ્યો...

         રણ તો છે એક અમાપ દરિયો,કિનારાઓનું ઝાંઝવું,
         છતાં પણ તેને પામવા,હું જ અમથો,હોડીને સઢ બાંધતો રહ્યો.

            અફાટ રણમાં પણ મળે તો ક્યાંક બાવળનું વન મળે,
            હું જ અમથો એ બાવળ નીચે છાંયડો શોધતો રહ્યો. 

         ખબર તો હતી કે રણમાં જો ઉગે,તો ફક્ત ઝાંઝવાનાં વન,
         અમથો હું એ વનમાં,મારી અભિસારિકાને,શોધતો રહ્યો.

             થાક્યો છું હવે, રેતના દળદળમાં હલેસાં મારીને,
             અમથો હું પાગલ,રણમાં દિવાદાંડી શોધતો રહ્યો.

         રણમાં જો તરસ લાગેને,તો કદાચ મૃગજળ પણ મળે,
         ગાંડો,હું જ અમથો ખારાપાટમાં,વિરડો ગાળતો રહ્યો.

                    ચૈતન્ય મારુ

આવો ને…..

                 
       સુગંધ બનીને સમાઈ જવાનું મન થાય છે,
       તમે મોગરો બનીને કેમ નથી આવતાં????

       પ્રભાત નો કુણો તડકો ઉઠાડે છે જ્યારે મને,
       ગુલાબી ઉષા બનીને કેમ નથી આવતાં???

       જ્યારે જ્યારે યાદ આવો છો,ત્યારે હું ચુકી જઉં છું,
       હ્રદયનો એ ધબકારો બનીને કેમ નથી આવતાં??

       કહે છે સપનાંઓ સાચાં પડતાં હોય છે કોઇ વાર,
       મારી ખુલ્લી આંખોનું સપનું બનીને કેમ નથી આવતાં???

       આંખો બંધ કરું છું ને દેખાવ છો તમે એક અભિસારિકા,
       તો,ખુલ્લી આંખોની પાંપણે,ઝુલવા કેમ નથી આવતાં???

       શ્વાસોછશ્વાસ એ જીવતા જીવનની નિશાની છે……..
       મારા માટે પ્રાણવાયુ બનીને કેમ નથી આવતાં????

                 તમે કહેશો…….

       કેવો ગાંડો છે “ચેતન”,કેવાં ગાંડાઘેલાં કાઢે છે,
       તો, એ જડમાં, ચેતન પુરવા કેમ નથી આવતાં????

                    ચૈતન્ય મારુ

કહોને એમને……

 કહોને એમને……

                   કહોને એમને, સનમ બની ને આવે,
                   આંખો છે કોરી ભઠ્ઠ,આંસુ બની ને આવે.

                   શરદ ગઈ હવે,હ્રદય બાગ છે ઉજ્જડ,
                   કહોને એમને, વસંત બની ને આવે.

                   હ્રદય ભરાઈ ગયું છે છલોછલ……
                   કહોને એમને,ડુસકું બની ને આવે.

                   નયનો હવે મીંચાય છે જ્યારે……
                   કહોને એમને,છેલ્લો શ્વાસ બની ને આવે…

                          ચૈતન્ય મારુ…

શું લખું ?????

                       શું લખું ?????

         તમારા વિષે લખવા બેસું તૉ,કદાચ શબ્દૉ ખુટી પડૅ   
         અને જો પ્રેમ કરવા બેસું તો,કદાચ આયખું ખુટી પડે.

         તમને એ ખબર નથી કે,તમે મારા માટે શું છો….
         એ જો કહેવા બેસું તો,કદાચ શ્વાસો ખુટી પડે……

         તમને તમારી સ્વપ્નીલ,મીઠડી, આંખોના સમ છે,
         પલકારો ના મારશો,કદાચ,મારું સપનું તુટી પડે..

         જ્યારે નજર સમક્ષ હો છો,ત્યારે બેકાબુ બની જવાય છે,
         ખુબજ ડરી જાઉં છું હું,કદાચ મારો સંયમ ના તુટી પડે.    

         તમારો સ્વર જ ફકત પૂરતો છે,મને વિહવળ બનાવવા માટે,
         કહોને એ સ્વરોને,  વહ્યા કરે, રખેને મારું જીવન ખુટી પડે.

                         છેલ્લે……..
 
         મને ખબર નથી શું શું થશે,હવે જો નહીં મળો તો……..
         એવું ના બને,કે,આ ‘કોડીયા’ નું “ચેતન” ખુટી પડે..

                      ચૈતન્ય મારુ…

ખરો છું ને હું,

ખરો છું ને હું,ઍક ટીપાં ને વરસાદ માની બેઠો,
મ્રુગજ્ળ નૉ ખોબો ભરી,તરસ છીપાવવા બેઠૉ.

અમસ્તૉ યે છું હું,અક્ષર જ્ઞાન માં સાવ કાચૉ,
ઘેલૉ હું,કૉઇની આંખમાં,પ્રેમ જેવું વાંચી બેઠૉ.

મને થયું, અંતર હવે ઑછું થયું છે આપણી વચ્ચે,
પાગલ હું,પ્રતિબિંબને તમારા,નઝદીકી સમજી બેઠૉ.

સત્ કડવું હૉય છે,ઍવું સાંભળ્યું હ્તુ પહેલાં “ચેતને”
છ્તાં પણ મુર્ખ પાગલ ઍ,ઝેરનાં પારખાં કરી બેઠૉ.

ચૈતન્ય મારુ.