જાગ પ્યારા ! રંગનો સંદેશ લઇ આવી સવાર,

જાગ પ્યારા ! રંગનો સંદેશ લઇ આવી સવાર,
બે ઘડી માટે ફનાની કુંજ પર છાઇ બહાર;
ભર કસુંબલ રંગની તું યે બિલોરી જામમાં,
જોતજોતામાં ઊડી જાશે આ જીવનનું તુષાર.
*
હર પ્રભાતે ચેતવે છે કુર્કટો કેરી પુકાર,
જો ઊષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન ! કે એક રાત ઓછી થઇ ગઇ,
આયખું એમ જ ઘટી જાશે, કદી કીધો વિચાર ?
*
ધાર કે સંસારનો છે દોર સૌ તુજ હાથમાં,
ધાર કે તું વ્યોમને ભીડી શકે છે બાથમાં;
ધાર કે સોંપ્યા કુબેરોએ તને ભંડાર પણ,
આવશે કિંતુ કશું ના આખરે સંગાથમાં.
*
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઇ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
*
હોય તુજ આયુ સદી કે બે સદી અથવા હજાર !
એક દિવસ તો જવું પડશે તજી સૌ કારભાર;
તું ભિખારી હો કે રાજા, ફેર કૈં પડશે નહીં,
અંતમાં તો બેઉનો સરખો જ બોલાશે બજાર.

ઉમર ખૈયામ ( શૂન્ય પાલનપુરી  )         

આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય

આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)

હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.

– બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા)
    (અનુવાદ: જયા મહેતા)

http://krishnanoaadhar.wordpress.com