કોઈ દી સાંભરે નઇ

કોઈ દી સાંભરે નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ…

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લઈ લઈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લઈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગઇ

કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરી નઇ.

-ઝવેરચંદ મેઘાણી

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી           

લાગ્યો કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ –

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;

ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ

વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..

નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ..

પીડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ

શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ

બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ ..

ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ

દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ ..

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –

લાગ્યો કસુંબીનો રંગ !

ઝવેરચંદ મેઘાણી           

હજારો વર્ષની જૂની અમારી વેદના;

હજારો વર્ષની જૂની અમારી વેદના;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!

અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!

પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું –
અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુએલું!
દુવા માગી રહ્યું,જો, સૈન્ય અમ તત્પર ઊભેલું!

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

જુઓ આ,તાત!ખુલ્લાં મૂકિયાં અંતર અમારાં,
જુઓ, હર જખ્મથી ઝરતી હજારો રક્તધારા,
જુઓ, છાના જલે અન્યાયના અગ્નિ-ધખારા:
સમર્પણ હો, સમર્પણ હો તને એ સર્વ, પ્યારા!

ભલે હો રાત કાળી – આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી-આપ છેલ્લાં નીર પાજો!
લડન્તાને મહા રણખંજરીના ઘોષ ગાજો!
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો!

તૂટે છે આભઊંચા આપણા આશામિનારા,
હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા,
સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા.

ઝવેરચંદ મેઘાણી           

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ

-ઝવેરચંદ કાળીદાસ મેઘાણી