કદી તલવારની ધમકી ! કદી કર માંહી ખંજર છે;

ગઝલમાં જીવ આશકનો ડગે ડગ દિલમહીં ડર છે !

ઘડીમાં જીવ જોખમમાં ઘડીમાં જિંદગી ભયમાં;

પડ્યું પરહાથ દિલ આ આજ આંખો શૂળી ઉપર છે !

ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે;

પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે !

જિગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે;

સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે !

તમો ધનવાન છો તો મુજ સમા લાખો ભિખારી છે;

કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે !

હ્રદય ચાહે સદા જેને દયા આવે નહીં તેને;

બળ્યું એ જીવવું એના થકી મરવું જ બહેતર છે !

નહીં ભૂલું અમૂલું મુખ કદી ડૂલું થયું તો શું?

કપાઈ સર સરાસર બોલશે, બસ ! તું જ સરવર છે !

ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જીહિદ તણી બાંગો;

અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.

ન કર અમૃત ! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ;

હ્રદય તુજ મીણનું રાખ્યાથી તારો હાલ અબતર છે !

અમૃત કેશવ નાયક

દૂર દિલથી સહું સંસાર કરું કે ન કરું ?

દૂર દિલથી સહું સંસાર કરું કે ન કરું ?

હ્રદયમાં આપનું આગાર કરું કે ન કરું ?

તમે કરશો કે જફા મારી વફાને બદલે ?

કહોને, અય સનમ ! હું પ્યાર કરું કે ના કરું ?

સામો આવું છું તો પરદામાં મુખ છુપાવો છો,

દાર પર થાય, તો દિદાર કરું કે ન કરું ?

નાક તકફૂલ કમલ મુખ ને આંખ નરગિસની

બધું લઈને ગળે હાર કરું કે ન કરું ?

હાથ તલવાર ધરી, શીશ આશકે નામ્યું :

પછી વિચાર વળી, વાર કરું કે ન કરું ?

કઓલ પહેલાં મને માગ્યા વિના આપી બેઠાં :

હવે ખિયાલ એ, દરકાર કરું કે ન કરું ?

બૂતો બેકદ્ર છે : લાખોને કર્યા છે પા’માલ;

દિલ હું આપીને ઈતબાર કરું કે ન કરું ?

મારું દિલ છીનવી, ના કહે છે આપવા પાછું;

તોછડું લાગશે, તકરાર કરું કે ન કરું ?

બહુ તરસાવી બગલગીર થયો છે ઐયાર :

બોસા લાખો લઈ બેઝાર કરું કે ન કરું ?

કોટિ સર દાર પર જેણે ચઢાવ્યાં છે અમૃત !

બેરહમ તેને હું સરદાર કરું કે ન કરું ?

અમૃત કેશવ નાયક

આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે;

આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે;

ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે !

તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું ?

જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે !

ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;

ફિર્યાદ કરું છું તો જિહ્વા અધર બળે છે !

મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે;

વર્ના તમાશો જોશે કે કેમ નર બળે છે !

અમૃત કેશવ નાયક