જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,- ‘આદિલ’ મન્સૂરી

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં…

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં…

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં…

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં…

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં…

 

બંધ સૌ થયા છે બજારો પણ

બંધ સૌ થયા છે બજારો પણ
લો ઉઠાવો હવે પથારો પણ

ચારે બાજુ પરિચિતો જ હતા
ચોતરફથી થયા પ્રહારો પણ

હાથ મૂકો હ્રદય ઉપર આવી
દિલમાં ભડભડતી આગ ઠારો પણ

ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
પાનખર… ને પછી બહારો પણ

ચોપડી છે બધે સ્મશાનની રાખ
જિંદગીનો જુઓ ઠઠારો પણ

રોશનીથી ભરી ગયો સઘળું
આભથી તૂટતો સિતારો પણ

ચાલુ બસમાં ગઝલ લખી આદિલ
જો સુધારી શકો સુધારો પણ.

આદિલ મન્સૂરી

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,

સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.

ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.

સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.

સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.

ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.

કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.

સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.

– આદિલ મન્સૂરી

પથ્થરોને ચાંદની ડસતી રહી,

પથ્થરોને ચાંદની ડસતી રહી,
રાત ખૂણામાં ઉભી હસતી રહી.

શ્વાન તો પોઢી ગયા મધરાતના,
ને ગલી એકાંન્તની ભસતી રહી.

મન, જે એના સ્પર્શને ઝંખી રહ્યું.
આંખ એના હેમને કસતી રહી.

આંખ તો કયારેય સુકાઈ નહીં.
ને હ્યદયમાં ભેખડો ધસતી રહી.

મારા પડછાયાને હું ધકકેલતો,
એની છાયા લઈને એ ખસતી રહી.

સેંકડો આવ્યા અને ચાલ્યા ગયા,
તોય દુનિયામાં ઘણી વસ્તી રહી.

અંતકાળે લેશ પણ પીડા નથી.
જિંદગીભર મોતની મસ્તી રહી.

આદિલ મન્સૂરી

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે
કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.

ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ
કે વાતવાતમાં એનેય નાક લાગે છે.

બધાય પંથ વળી જાય છે તમારી તરફ
તમારા પંથે બધાયે વળાંક લાગે છે.

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ
મિલનની પૂનમે તો ફૂલફટાક લાગે છે.

હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.

-આદિલ મન્સૂરી

કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !

કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !

કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

– આદિલ મન્સૂરી

ડગલું ભરવાની પળ આવી,

ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.

પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.

ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.

આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.

મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.

જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.

દરિયા તો સૂકાઈ ચાલ્યા,
મૃગજળ તરવાની પળ આવી.

છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.

– આદિલ મન્સૂરી

હા કબૂલ્યું ગુપ્તચર છું હું,

હા કબૂલ્યું ગુપ્તચર છું હું,
નામ બદલી
મૌનના કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છગ્નવેશે.
છંદના ખંડેરમાં બેસું કદી
બાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.
હાઈકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારે દઉં ગઝલના કાનમાં.
એકેક ચપટા શબ્દના પોલાણને,
અંદર જઈ જોઉં તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઈને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.
હા કબૂલ્યું ગુપ્તચર છું હું.

-’આદિલ’ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

– આદિલ મન્સૂરી

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,-આદિલ મન્સૂરી

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,

સેંકડો  જન્મોની  છાયા  જિંદગીના  રણ  સુધી.

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,

બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

બ્હાર  ઘટનાઓના  સૂરજની  ધજા  ફરકે  અને,

સ્વપ્નના  જંગલનું  અંધારું  રહે  પાંપણ  સુધી.

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,

મારો ચ્હેરો સાથ ના આપે  મને  દર્પણ  સુધી.

કાંકરી  પૃથ્વીની  ખૂંચે છે  પગે પગ  ક્યારની,

આભની સીમાઓ  પૂરી થાય છે  ગોફણ સુધી.

કાળનું કરવું કે ત્યાં  આદિલ સમય થંભી ગયો,

જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?

દૂર  ઝંઝા  પુકારે,  તો  હું  શું  કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,

તું જ એ રૂપ ધારે, તો  હું  શું  કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,

નાવ ડૂબે  કિનારે,  તો  હું  શું  કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં

કોઈ પાલવ પ્રસારે, તો હું શું  કરું?

તારી ઝૂલ્ફોમાં  ટાંકી દઉં  તારલાં,

પણ તું આવે સવારે, તો હું શું કરું?

-આદિલ મન્સૂરી

નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં

નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં
કે શ્વાસ મુક્તિનાં લઈ શકું છું ગઝલનાં ઘરમાં

આ મૌન વચ્ચે જો શબ્દ કોઇ સરી પડે તો
હું એના પડઘાઓ સાંભળું છું ગઝલના ઘરમાં

આ મત્લા મક્તા રદીફને કાફિયાઓ વચ્ચે
હું ખુદથી વાતો કર્યા કરું છું ગઝલના ઘરમાં

તમારા ચહેરાનું નૂર જેમાં હજીએ ઝળકે
એ શેર હું ગણગણ્યા કરું છું ગઝલના ઘરમાં

આ જૂના લીંપણની પોપડીઓ ઉખડવા આવી
હું એને સરખી કર્યા કરું છું ગઝલના ઘરમાં

હું નામ કોઇનું ક્યાં લઉં છું કદીય ‘આદિલ’
સભાની આમન્યા જાળવું છું ગઝલના ઘરમાં

આદિલ મન્સૂરી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.

એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?

એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.

થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.

સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી

અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ,”આદિલ’ ” બહારથી.

આદિલ મન્સૂરી

કેમ પડતું નથી બદન હેઠું,

કેમ   પડતું  નથી  બદન  હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય   બીજું  કોઈ  જઈ   પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ  આ  રાખથી  થતું  બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું   ઠીકરું   અને   એઠું.

– આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

– આદિલ મન્સૂરી

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.

” આદિલ મન્સૂરી “

સર્વ કળીઓના ખ્વાબમાં આવી

સર્વ કળીઓના ખ્વાબમાં આવી
તારી ખુશ્બૂ ગુલાબમાં આવી.

આંખ પ્યાલીમાં ઓગળી ગઇ છે,
કોની છાયા શરાબમાં આવી !

તારા હૈયે જે વાત ઘૂંટાઇ,
જો એ મારી કિતાબમાં આવી.

એણે જ્યારે નજર કરી ઊંચી,
રોશની આફતાબમાં આવી.

લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.

પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.

– આદિલ મન્સૂરી

હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,-આદિલ મન્સૂરી

હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય. 

સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.

સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.

મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.

કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.

– આદિલ મન્સૂરી

કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં

કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં !
મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઇ ચાંદની વરસાદમાં !

કોઇ આવે છે ન કોઇ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઇ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

આદિલ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,-આદિલ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

આદિલ મન્સૂરી

ખુદા છે તો એને સ્મરી જોઈએ.

ખુદા છે તો એને સ્મરી જોઈએ.
દુઆની યે કોશિશ કરી જોઈએ.

એ સુરજ બનીને ભલે વિસ્તરે,
કોઇવાર દર્પણ ધરી જોઈએ.

વહાણો ડૂબ્યાંની ન ચિંતા કરો,
ઊઠો તરણું લઇને તરી જોઈએ.

વિકસવાની પ્રક્રિયા અટકી ગઈ,
ચલો ડાળ પરથી ખરી જોઈએ.

સમય પાછો થંભી ગયો દોસ્તો,
ફરી પાછી પ્યાલી ભરી જોઈએ.

નિરસ થઈ રહ્યું જીવવાનું અહીં,
હવે એક દિવસ મરી જોઈએ.

આદિલ મનસુરી

આપનું મુખ જોઇ મનમાં થાય છે,

આપનું મુખ જોઇ મનમાં થાય છે,

ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.

આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,

આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,

આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા

તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,

ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

– આદિલ મન્સૂરી

સૂર્યની આંખોથી છલકાતી ગઝલ,

સૂર્યની આંખોથી છલકાતી ગઝલ,
ચાંદની સર્વત્ર પથરાતી ગઝલ.

લીલી પીળી વાદળી રાતી ગઝલ,
છેવટે તો શ્વેત થઈ જાતી ગઝલ.

ક્ષણમાં સિદ્ધિનાં શીખર પર જઈ ચડે,
એજ સદીઓથી ઉવેખાતી ગઝલ.

સુક્ષ્મત્તમ થી સુક્ષ્મત્તમથી સુક્ષ્મત્તમ,
કે નરી આંખે ન દેખાતી ગઝલ.

મૌન વચ્ચે, મૌન વચ્ચે બૂમ થઈ,
મનનાં ઉંડાણોમાં પડઘાતી ગઝલ.

કોણ કોને કેમ ક્યારે કેટલી,
કઈરીતે કેટલી સમજાતી ગઝલ.

વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે,
એક બિંદુમાં સમેટાતી ગઝલ.

મૂક થઈ જોયા જ કરવાનું હવે,
શબ્દ વચ્ચેથી સરી જાતી ગઝલ.

વહી જતી પત્થર ઉપરથી વહી જતી,
કાળજે પાણીનાં કોરાતી ગઝલ.

જ્યારે ‘આદિલ’ શ્વાસ પણ ડૂબી જતો,
ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ.

જીહાં ‘આદિલ’ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતી ગઝલ.

– આદિલ મન્સૂરી

 

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.

– આદિલ મન્સૂરી