ભુલ

ભુલને એનો ભરમ ના સમજાય રે કદી;

ભુલને એનો મરમ ના સમજાય રે કદી.

ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ?

પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.

 ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો,

મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી.

 મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે

હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.

 ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે,

ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !

 ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી,

આપણી તો એ શરમ, ના સમજાય રે કદી.

 આંગળી ચીંધી એક, બતાવી ભુલ બીજાની;

આપણી સામે ત્રયમ્, ના સમજાય રે કદી !

 – જુગલકીશોર.

https://jjkishor.wordpress.com/

 

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે, અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળુ પસાર થાશે

પંખીની જેમ હું પણ બેસીશ એની માથે
સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે

કુલદીપ કારિયા

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

– હેમંત

ટચલી આંગલડીનો નખ

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ

– વિનોદ જોશી

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !-રામુ ડરણકર

ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !
આખાયે આકાશનો એ બદલે જાણે રંગ.

ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય,
પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય.

લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર;
કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર !

પૂંછડી બાંધી ચગાવું તો થાતો પૂછડીવાળો;
ખેંચમ ખેંચી કરતા મિત્રો થઈ જાતો ગોટાળો.

કદી ખેંચથી કાપું કદી મૂકી દઉં હું ઢીલ;
નાની મુન્ની હસી પડતી કેવું ખિલ….ખિલ !

દોરી મૂકું છુટ્ટી તો જાતો એ આકાશ;
એના મનમાં જાણે પહોંચું પ્રભુજીની પાસ.

રામુ ડરણકર

મજા જિંદગી છે હસો ને હસાવો,

મજા જિંદગી છે હસો ને હસાવો,
પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,
લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
બધાં બંધનો એહ દૂરે ફગાવો.

જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
જિગર-બીન એવું તમેયે બજાવો.

ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
અરે મોતને પણ હસીને હસાવો.

–  ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં-યુગ શાહ

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં
હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં

જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન
હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં

ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને
આંખોથી ધીરે ધીરે દલડુ મારું તે છોલે છેં

સજનીના સ્નેહનો આ તો કેવો છેં ચમત્કાર
અમારી આંખો પણ મદનાં પ્યાલા ઢોળે છે

તને ખોટું જો લાગે તો હું શું કરું?- હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

 

આપની ખુશ્બુ ભળે જ્યારે પવનમાં,

આપની ખુશ્બુ ભળે જ્યારે પવનમાં,
ફેરફારો થઇ પડે ત્યારે શ્વસનમાં.

શબ્દ ને વાક્યો વગરની મેહ્ફીલોમાં,
ગુઢ સાંકેતીકરણ હોતું નયનમાં.

મન પ્રવાહી થઇ ઢળી જાશે કદીક તો?
કાળજી રાખી નથી દિલના જતનમાં.

ભેજ કાગળને નરમ કરતો રહે છે,
એટલે લખતો થયો છું હું અગનમાં.

લાગણીનાં “વિપ્લાવો”નું સત્ય છે આ,
કે ગઝલ માં પ્રાણ આવે છે પતનમાં.

-ચિન્મય શાસ્ત્રી “વિપ્લવ”

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું

ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.

કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.

મારામાં આથમી અને ઊગી શકે બધું
હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.

– મધુમતી મહેતા

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,-અમૃત ઘાયલ

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.

નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા,
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.

મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.

વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ –
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.

ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની,
જીવન સફર માં ઠગારા ય કમ નથી મળતા.

હમેશા ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી!
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતા.

સુખોની સાથે સરી જાય છે બધા સ્નેહી,
પડે છે ભીડ તો ખાવા કસમ નથી મળતા.

સિલકમાં હોય ભલે પૂરતી છતાં “ઘાયલ”
ચડતી રાજાના સહેજે હુકુમ નથી મળતા

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે.
કોઇએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઇને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

-હર્ષદ ત્રિવેદી

પ્રહાર પહેલાં કરે છે ને સારવાર પછી,

પ્રહાર પહેલાં કરે છે ને સારવાર પછી,
દયા એ ક્રૂરને આવે છે અત્યાચાર પછી.

આ વિરહ-રાતની થૈ તો જશે સવાર પછી.
શરૂ થઇ જશે સંધ્યાનો ઈન્તેઝાર પછી.

કરો છો હમણાં તમે કોલ ને કરાર પછી,
અનુભવ એનો મળે છે શું થાશે ત્યાર પછી.

કરી લઇશ હું ખોટી કસમ ઉપર વિશ્ર્વાસ,
ફરેબ ખાવો સ્વાભાવિક છે એક વાર પછી.

મને ચમનમાં જવાની મળી છે તક કિંતું,
કદી બહારથી પહેલાં – કદી બહાર પછી.

અમારાં કેટલાં દુઃખ છે એ કેમ સાંભળશો ?
ગવારા કરશો તમે ? એક બે કે ચાર પછી ?

થઇ છે મ્હાત મને અશ્ક મહેરબાનોથી,
ભળું નહીં વિજય-ઉત્સવમાં કેમ હાર પછી.

 અશ્ક માણાવદરી

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,

કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો

વનેવન ઘૂમ્યો.

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,

શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો

ઘૂમટો તાણ્યો.

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,

નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી

આવી દિગનારી.

તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,

જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે

ફરી દ્વારે દ્વારે.

રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,

કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં

સમણાં ઢોળ્યાં.

~ નિનુ મઝુમદાર

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

-કવિ શ્રી મણિલાલ દેસાઇ

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

– કિરણકુમાર ચૌહાણ

કલમને લાગ્યો કાટ બાલમા

કલમને લાગ્યો કાટ બાલમા
લાગણી વાળે દાટ બાલમા

ઊભી રહીને ભિજાવું રસ્તે
ભાવો જુવે ત્યાં વાટ બાલમા

મનડુ મુંજાય કરતું ધખારા
કોણ સમજે સીધું સાટ બાલમા

દઈને બેઠા એને દિલના દાન
હવે કહેતું’કે પડો પાટ બાલમા

કેમ રે કરવું ને કેમ રહેવું મારે
વાંછું પ્રેમની એક છાંટ બાલમા

હેમલ દવે

બહાર ખખડે પાનખર ને ભીતર ખાલીપો રે-હેમલ દવે

બહાર ખખડે પાનખર ને ભીતર ખાલીપો રે
સુખદુખનો દીધા કરે જિંદગી જાણે થપ્પો..રે

મનમા મુંજવે માયલો બહાર ખેલે અંજપો રે
ભીડાય છે સંજોગોને ગ્રહી રહે આ સંતાપો રે

ભુલો ભરેલો રસ્તો દેખાય આકરો તપતો રે
કોસો દુર દેખાય સુખનો ડુંગરો મલપતો રે

મળ્યો નહિ એક શબ્દ ગગને ઉછાળાતો રે
પ્રેમના ઠાલા વચનો નો જાણે ગુલદસ્તો રે

લકીરોનો જમેલો આમ રચાઇને ફેલાતો રે
ફુટી ગયો ફટ ફરીને જુઠનો આ પરપોટો રે

નામ વગરનો સંબંધ રહે આમ દબાતો રે
જાણી જોઇને કબરમા જીવતો જ દટાતો રે

આ સળવળાટ સતત મારામા સમાતો રે
રેલો એક ફર્યા કરે રહે “હેમ”થી સંતાતો રે

તું બને વરસાદ તો ઈચ્છાઓ જામગરી બને

તું બને વરસાદ તો ઈચ્છાઓ જામગરી બને
ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને
.
કોઈના હોવા ન હોવાથી બને છે કયાં કશું?
ને બને તો બસ કવિતા એક-બે નકરી બને.

ને કવિતા થાય તો દરિયાથી પાછા આવવા
ઘર સુધી જાણે સડક એકાદ અધકચરી બને
.
છાતી આ અકબંધ રહેશે તો કશું પણ ના થશે
જેના ટુકડા થાય છે તેની જ તો ગઠરી બને.

રામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર
શર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને.

– મુકુલ ચોકસી

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો-દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રડું છેક તો રાખતું કોણ છાનો

મને દુખી દેખી દુખી કોણ થાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે

પીડા પામું પંડે તજે સ્વાદ તો તે

મને સુખ માટે કટુ કોણ ખાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

લઈ છાતી સાથે બચી કોણ લેતું

તજી તાજું ખાજું મને કોણ દેતું

મને કોણ મીઠા મુખે ગીત ગાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી

પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી

પછી કોણ પોતાતણું દૂધ પાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ,-કેરોલિન ક્રિશ્ચિયન

પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ,

ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે પ્રેમ…!

આમ તો હજારો મળે ઠોકર આપી જનારા,

પણ ભરતોફાને હાથ આપે તે પ્રેમ…!

લાંબા હશે શ્વાસ, ક્યાં છે એટલો વિશ્વાસ ?

જે શ્વાસે શ્વાસે વિશ્વાસ આપે તે પ્રેમ…!

વિરોધનો વાવટો તો હર કોઈ લહેરાવે,

જે સાથ સાથે સહકાર આપે તે પ્રેમ…!

આંખોને જળ તો ઘણાં આપી જાય,

જે સ્નેહનું ઝરણું વહાવે તે પ્રેમ…!

જિંદગાનીની ભરબપોરે, જાય પડછાયો પગતળે,

પણ ભરબપોરે શીતલ છાંય આપે તે પ્રેમ…!

સપનાને સંજોગતા તો રાત વીતી જાય,

પણ સપનાંના સાકારની સવાર આપે તે પ્રેમ…!

એમ શબ્દોના સહારે તો હર કોઈ મંજીલ તારે,

જે મૌન કેરી ભાષાએ સંવાદ સાધે તે પ્રેમ…!

એમ લખવા બેસું તો ઘણું લખાઈ જાય,

પણ જે શબ્દોમાં પણ ના સમાય તે પ્રેમ…!

પ્રેમમાં છે આખી સૃષ્ટિ, પ્રેમ વિના જીવવું હવે કેમ ?

કે પ્રેમમાં વસું છું હું હરદમ, ને મુજમાં વસે છે પ્રેમ…!

http://theindians.co/profiles/blogs/3499594:BlogPost:965213

ઉત્સાહનો એક શબ્દ કહેતાં

ઉત્સાહનો એક શબ્દ કહેતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

ઝરતા આંસુને લૂછવા માટે
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મદદ માટે હાથ લંબાવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

સમજવાનો પ્રયત્ન કરવા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મિત્ર મેળવતાં ને તેને જાળવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇ ભાંગેલા હૈયાને સાંધતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇનો દિવસ ઉજાળતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

તો પછી, આ જ ક્ષણને જડી દ્યો
… તે સરકી જાય તે પહેલાં.

– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)

પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ?

પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?

આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો.

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો.

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો.

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે ‘પ્રેમ’નો,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો ?

જિગર જોષી ‘પ્રેમ’

શબ્દો ઓછા પડશે, મૌનનો તું અનુવાદ ન કર;

શબ્દો ઓછા પડશે, મૌનનો તું અનુવાદ ન કર;
નજરો જો વાત કરે તો ઠાલા તું સંવાદ ન કર.

સુખના હોય એક દુઃખના એ ખારા જ હોય છે;
વહેવા દે, વહેતા આંસુઓનો તું સ્વાદ ન કર.

સૂતો છે, સુવા દે ભગવાનને નિરાંતે મંદિરમાં;
મંદિરે વારે વારે સવાર સાંજ તું ઘંટનાદ ન કર.

બહેરો છે ફોજદાર ને સાવ આંધળો ન્યાયાધીશ;
કોણ કરશે હવે ન્યાય? ખોટી તું ફરિયાદ ન કર.

ક્યાં કદી એ જવાબ આપે છે કે તને આપશે એ;
આયના સાથે તન્હાઈમાં તું વાદ વિવાદ ન કર.

વીસરી જવાનું કહી નીસરી ગયા નટવર એ તો;
વીસરી જે ગયા, એને નિશદિન તું યાદ ન કર.

નટવર મહેતા

મારી મહોબ્બતનો આ તે કેવો અંજામ આવ્યો?

મારી મહોબ્બતનો આ તે કેવો અંજામ આવ્યો?
બેઠો છું મયખાને, હાથમાં ગળતો જામ આવ્યો.

ચાલતા ચાલતા થઈ ગયા રાહ જુદા બન્નેના;
જિંદગીની સફરમાં આ તે કેવો મુકામ આવ્યો?

નામ મારું ગૂંથીને આપ્યો હતો એમણે રૂમાલ;
આજ એ જ આંસુ લૂંછવાને મને કામ આવ્યો.

રાહ જોતો રહ્યો ભવોભવથી હું જેની દોસ્ત હું;
લો,એનો ન આવવાનો આજ પયગામ આવ્યો.

ભલે ન આવવા દીધો એની જિંદગીમાં મને;
એના સપનાંઓમાં હું રોજ સરેઆમ આવ્યો.

હાય રે! યદા યદા હી કહી એ ય વીસરી ગયો;
ધરતી પર ન તો ફરી કદી ઘનશ્યામ આવ્યો.

જીવતેજીવ ન છૂટ્યો જિંદગીની હાયવોયમાંથી;
સુતો જ્યારે હું કબરમાં,થોડો તો આરામ આવ્યો.

પરદેશની આબોહવાએ બદલ્યો એવો નટવરને;
કોઈએ ન ઓળખ્યો,જ્યારે એ એના ગામ આવ્યો.

નટવર મહેતા

સળગ્યા રાખે છે મારા દિલમાં એક તાપણું;

સળગ્યા રાખે છે મારા દિલમાં એક તાપણું;
કેવી રીતે જાણું?કોણ પરાયું, કોણ આપણું?

ખોવાયો ગયો છું હું એના ખયાલોમાં એવો;
મારા ગામમાં મને જડતું નથી મારું આંગણું.

ક્યારે આવે, ક્યાંથી આવે મોત કોને ખબર;
લો,મેં તો ભાઈ ખુલ્લું રાખ્યું છે મારું બારણું.

નથી બીજી કોઈ મનમોહિની એના જેવી;
ઘડી એને પ્રભુએ તો ફેંકી દીધું હતું ટાંકણું.

જાગતી રાતો ને આવતી એની આ યાદો;
કોણ ઝુલાવ્યા કરે છે એની યાદોનું પારણું?

સમજદારોને તો એક ઇશારો પૂરતો હોય છે;
એક ઇશારાથી કહેવાય જાય થોડામાં ઘણું.

શાકી બે બુંદ રેડી દે મારા ગળતા જામમાં;
શરાબ વિના આ જીવવું લાગે અળખામણું.

નટવરના સપનામાં આવે બોલાવ્યા વિના;
રૂબરૂ આવી જીવનમાં બનાવ એ સોહામણું.

નટવર મહેતા

હવે આ અસીમ ઉદાસીને હરદમ સાથે રાખવાની છે;

હવે આ અસીમ ઉદાસીને હરદમ સાથે રાખવાની છે;

ને બેસ્વાદ એકલતાને અમૃતની જેમ ચાખવાની છે. 

તારા વિના જિંદગી કેવી હશે કોને ખબર કે તને કહું;

થોડા શ્વાસ લઈ ઉચ્છવાસ છોડી વેડફી નાખવાની છે.

 એક પલ્લામાં આંસુ, એક પલ્લામાં થોડી મુસ્કુરાહટ;

એ બે ચીજ મારે તો એક જ ત્રાજવામાં જોખવાની છે.

દિવસ તો જેમ તેમ વીતી જાય સનમ તારી યાદમાં;

રાત હવે મારે તારા સુહાના સપનાથી પોંખવાની છે.

 તારી ગલીને ઈદગાહ સમજી હર નમાજ અદા કરી છે;

બસ, હવે અલ્લાહે મારી સારી તકદીર ભાખવાની છે.

 આ લખવાનું ક્યારે પૂરું થશે નટવર એ કેવી રીતે કહે;

હજુ તો કેટલી ય વેદના આ શબ્દોમાં આલેખવાની છે.

 

ખુશખુશાલ થઈ ગઈ હતી એ વૃક્ષની ડાળો;

ખુશખુશાલ થઈ ગઈ હતી એ વૃક્ષની ડાળો;
જ્યારે બાંધ્યો હતો ત્યાં પંખીએ એક માળો.

તડકો તપી તપી સુવર્ણ બની અહિં છવાયો.
દોસ્ત! કેવો ખીલી ઊઠ્યો તાપમાં ગરમાળો.

તું જો સાથ આપશે તો પુષ્પો પથરાય જશે;
પ્રેમપંથ આપણો ભલેને હશે ભારે પથરાળો.

દાખલો લાગણીનો સાવ ખોટો ગણતો રહ્યો;
કરવાની હતી બાદબાકી, કર્યો મેં સરવાળો.

મેળવે બે દિલને ને કરી દે અલગ તડપવા;
પ્રભુ! તું પણ કરે છે કેમ આવો અટકચાળો?

કંઈ થયું નથી,એક અમસ્તું દિલ તૂટ્યું મારું;
શેને થયો દુનિયામાં એનો આટલો હોબાળો?

કફન ઓઢી સૂતો ત્યારે મળવા આવી મને;
કેમ સુઈ ગયા?કર્યો સવાલ મને અણિયાળો.

કોણ કોનું ક્યારે છે એ ક્યારે ય ન સમજાય;
લાગણીનાં તાણાવાણામાં છે ભારે ગુંચવાળો.

એ જ સંબંધ આ દુનિયાને કેમ ખૂંચે છે વધારે?
દોસ્ત હોય છે જે સંબંધ લીસ્સો, સાવ સુંવાળો.

હું તો ખુદને માનતો રહ્યો નટવર જિંદગીભર;
ભવની ભવાઈ ભજવતા થઈ ગયો તરગાળો

નટવર મહેતા

જ્યાં મરીને જ જવાય એવી જન્નત શું કામની?

જ્યાં મરીને જ જવાય એવી જન્નત શું કામની?
જે કદી ય પુરી ન થાય એવી મન્નત શું કામની?

જા, હવે નથી રમવું મારે તારી સાથે સનમ કદી;
હું હારું,તું જ કાયમ જીતે એવી રમત શું કામની?

થતા થતા થઈ જાય ઇશ્ક ને જિંદગીભર રોવાનું;
રડતા રડતા જ માણવાની એ ગમ્મત શું કામની?

જે દિલમાં કદી પ્યાર પ્રગટ્યો હતો કોઈના કાજ;
હવે એ જ ઘાયલ દિલમાં આ નફરત શું કામની?

નથી એનો કોઈ સાચો જવાબ કોણ કોને વધુ ચાહે;
જેનો ન હોય ઉત્તર એ પ્રશ્નની મમત શું કામની?

આઈનો ય વાંચી લે છે હર ચહેરા પાછળનો ચહેરો;
કદી ય જે ન છુપાવી શકાય એ વિગત શું કામની?

મહેફિલમાં આવી ગેરની નજમ પર વાહ વાહ કરે;
નટવર,હવે એ જાલિમ સનમની સંગત શું કામની

નટવર મહેતા

પ્રેમ રોગ એવો જેનું કોઈ નિવારણ નથી;-નટવર મહેતા

પ્રેમ રોગ એવો જેનું કોઈ નિવારણ નથી;
લાગણી છે એક જેનું કોઈ બંધારણ નથી.

દર્દ દિલમાં વસાવ્યું છે એક મનગમતું;
દરદ-એ-દિલનું દોસ્ત, કોઈ મારણ નથી.

આંખ ક્યારેક છલકાય છે અમસ્તી દોસ્ત;
બાકી આમ તો રડવાનું કોઈ કારણ નથી.

યાદ કરતો રહું હું તો એમને નિશદિન;
દોસ્ત, જેને મારું જરા ય સંભારણ નથી.

ક્યારેક તો પાંગરશે પ્યાર એને મારા માટે;
દિલ છે એનું, કોઈ અફાટ કોરું રણ નથી.

બુકાની બાંધીને મળ્યા રાખે સૌ જાણીતા;
તારા આ શહેરમાં કોઈ અજાણ્યું જણ નથી.

બંધ મૂઠ્ઠીએ આવ્યો હતો હું આ જગતમાં;
ખાલી હાથે જઈશ, મારે કોઈ ભારણ નથી.

ક્યાં સુધી લખતો રહેશે નટવર તું નાહક?
સમાય શબ્દોમાં એવું જિંદગીનું તારણ નથી

હું રોજ તોડું છું પત્તું વધી જતી વયનું, દુ:સ્વપન તોય નિવારી શકું નહિ …… એસ. એસ. રાહી

હું રોજ તોડું છું પત્તું વધી જતી વયનું,
દુ:સ્વપન તોય નિવારી શકું નહિ ક્ષયનું.

હા, એમાં રઝ્ળું છું ભૂલો પડું છું ભટ્કું છું,
ઘણું ફળ્યું છે મને આ નગર પરિચયનું.

ધધખતી રેત પરે એ વિચારે નિંદ કરું,
કદાચ આવે સપન સોનેરી જળાશયનું.

રખે સૂકાઈ જશે તારી પ્રતિક્ષાની નદી,
કિનારે કેમ વસે ગામ કોઇ આશયનું.

એસ. એસ. રાહી

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

– મુકેશ જોષી

કોઈક તો એવું જોઈએ-રેણુકા દવે

કોઈક તો એવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ
આમ તો નર્યાં સપનાંઓને આંબવા લાગી હોડ
એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ
સપનાંઓને બાજુએ મૂકી
શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી,
તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું
કોઈક તો હોવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ

આમ તો નર્યાં ઝાંઝવાભર્યું રણ છે જીવનવાટ
પ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય આરો ના ઘાટ
ઝાંઝવાઓમાં નેજવાં જેવું
મઝધારે એક નાવનું હોવું
આમ ન કોઈ નામ ને તોયે મનમાં તો ભગવાનના જેવું
કોઈક તો હોવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

– ‘અગમ’ પાલનપુરી

પ્રિયતમ તું નાહક આમ તેમ ફર્યા કરે છે,

પ્રિયતમ તું નાહક આમ તેમ ફર્યા કરે છે,
યાદમાં તું અશ્રુ બની સદા સર્યા કરે છે.

દુર છો મારા થી હજારો જોજન વાલમ તું,
મૃગજળ બની આંખ સમક્ષ તર્યા કરે છે.

દિલની લાગણીથી નખશીખ ભીંજાણી આથી,
સદાય મન નું ધાર્યું તારું જ કર્યાં કરે છે.

આંખોમાં તારી સમાણી સદાય ફક્ત હું,
વાલમના નભ માંથી તારા ખર્યા કરે છે.

તમારા પ્રેમ નું મારે શું કહેવું પ્રિયતમ?
અવિરત સ્નેહ નું ઝરણું ઝર્યા કરે છે.

પ્રશાંત સોમાણી

દુખના ગાભામાંથી શોધ્યુ સુખનુ ચીંદરડૂ

દુખના ગાભામાંથી શોધ્યુ સુખનુ ચીંદરડૂ
હતૂ નાનકુ લીરુ પણ મહેક્તુ હતુ ચીંદરડુ

ક્યારેક હતુ એ જાહોજહાલીમાં ઉછરેલુ
હતા સારાવાના ત્યારે પુજાતુ’તુ ચીંદરડુ

સુખદુખથી દુર જોજનો સુધી ફેંકાયેલુ
તાણાવાણામાં ગુંથાઇ ભટ્કેલુ’તુ ચીદરડુ

ગમોના વાયરાઓ થકી હતુ ફંટાયેલુ
રાખીને મલાજો જગતનો બેઠુ’તુ ચીંદરડુ

નાની જીંદગીમા અનેક હાથોમા ફરેલુ
ક્યાક્યા કેવા હાથોમાંચુંથાયેલુ’તુ ચીંદરડુ

ધુંરધરોના મનના મેલોથી અભડાયેલુ
ક્યાંક હશે કોઇને શરમ માનતુ’તુ ચીંદરડુ

હશે હવે આવુ જ નસીબમાં મંડાયેલુ
તકદીરની રમતને સ્વીકારતુ’તુ ચીંદરડુ

એના ક્ષ્વાસોની કીંમતની રાહે બેઠેલુ
દેશે કોઇ હિંમત ચાહ લઇ બેઠુ’તુ ચીંદરડુ

હેમલ દવે

સરસ વાત કરવાનો મોકો મળ્યો,

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ

નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,

નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.

રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.

જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.

અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.

એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.

– ગુણવંત ઉપાધ્યાય

હું હિમાલય જેવો અડગ છું

હું હિમાલય જેવો અડગ છું
એમ કઈ હું કોઈથી ડગું નહિ.
સુરજ ના કિરણો થી હું કદી
બરફ બની પીગળું નહિ.
સમય ની થપાટ ઉર પર લઇ
હું કદી રતીભાર પણ બટકું નહિ.
નદીયું છે મારા પર જ નિર્ભર
રડીને કદી એને છલકાવું નહિ.
ભડભાદર થઇ ને પડ્યો છું
અંતર ને કદી ગણકારું નહિ.
હું સફેદ ને દુધે મઢેલો
રંગો ને કદી પહેચાનું નહિ.
પવન માથા પછાડે કેટલા
તસુભાર પણ હું હલું નહિ.
હું છું પ્રકૃતિ નો આધાર
કોઈ ને નિરાધાર કરું નહિ.
કાવાદાવા જોયા નજરું સામે
માનવ કદી હું થાવ નહિ.
એકલો છું પણ અખૂટ છું
તાબે કોઈ ના થાવ નહિ.
સંત જેવો જીવ છે મારો
મોહતાજ કોઈ નો થાવ નહિ.
મહાદેવ નો વાસ છે જ્યાં
નહિ તો હું કદી નમું નહિ.
-કુશ

અળગી રહી કઈક સળગી રહી

અળગી રહી કઈક સળગી રહી
પણ ઝીંદગી મને વળગી રહી

સુકી ધરતી પર મહોરતી રહી
ઝીંદગી મારી ધીરી કોરતી રહી

સ્થિર હવા થોડી વિસ્તરતી રહી
ઝીંદગી મારી જરી પમરતી રહી

ખુશી જીવન માં ફરી ભળતી રહી
ઝીંદગી અશ્રુઓ ને સંઘરતી રહી

ઉગી ખરી અને આથમતી રહી
ઝીંદગી અવતાર રૂપે મળતી રહી
 

-કુશ

વિના મસાણે લીધી મેં આગ અંજલી

વિના મસાણે લીધી મેં આગ અંજલી
આજ મારી મને જ આપું શ્રદ્ધાંજલિ

દુખિયો ના દુખ હું કદી જોઈ ના શકું
રોઈ રોઈ આંખ થઇ છે મારી સૂજેલી

ઈચ્છું છતાં જરાપણ દુર ના કરી શકું
આ તો કેવી બની રહી છે જીદ્દી પહેલી

માણસ છું માણસની મદદ ના કરી શકું
પૂજાવા ખુદ પ્રભુએ બાજી કેવી છે રમેલી

વાંઝિયું વ્રુક્ષ ખુદને ફળદ્રુપ ના કરી શકું
જન્મજાત ડાળિયું મારી છે બધી કાપેલી
 

-કુશ

થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,

થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,
અફસોસ થયો એવો, કેટલા વર્ષો ખોયા !

થોડા વીખરાયા, થોડી જાતને સંભાળી,
લડતાં-ઝધડતાં આપણે કેટલાં સપના જોયા !

મુકામો કેટલાં ને વિસામા પણ કેટલાં?
નીતરતી આંખોએ કેટલા અવગુણ ધોયા !

ચાલ આજથી ક્ષણો બધી ભરી દઉં-
તારી સુગંધથી, કાળના લેખ કોણે જોયા?

ઉજ્જવલ ધોળકીયા

અબોલા લઈને બેઠા છે પરસ્પરબોલવા લાગે,-અઝીઝ કાદરી

અબોલા લઈને બેઠા છે પરસ્પર બોલવા લાગે,
મિલન મજલિસો જામે ને બે ઘર બોલવા લાગે.

સવાકો થાય અવાકો દેહ નશ્વર બોલવા લાગે,
તમે બોલો તો સાથો સાથ પથ્થર બોલવા લાગે.

તમારા રૂપની ચર્ચા શરૂ થઈ જાય તો ચોક્કસ,
ધરા બોલે, ગગન બોલે, ને સાગર બોલવા લાગે.

ગયું છે બાગમાં કોણ અશ્રુભીની આંખો લઈ,
મળે વાચા તો ફૂલો ડાળ ઉપર બોલવા લાગે.

કુવો જાગી ઉઠે પાણીનું હૈયુ થનગની ઉઠે,
પરોઢે જ્યારે પણિહારીના ઝાંઝર બોલવા લાગે.

મિલનની વેળાની મસ્તી જીભ પર આવી નથી શકતી,
નવોઢા ચુપ રહે ફૂલોની ચાદર બોલવા લાગે.

નજર પાસે જો સમૃદ્ધિની મૂડી હોય તો મિત્રો,
ઈમારત કેટલી સધ્ધર છે ચણતર બોલવા લાગે.

સમજદારી વધે તો બોલવાની ટેવ છૂટે છે,
ખૂલે ના જીભ જેની એનું અંતર બોલવા લાગે.

‘અઝીઝે’ ક્યાં હજી બારાખડી પણ સાચી સીખી છે,
સભા વચ્ચે ભલા ક્યાંથી બરાબર બોલવા લાગે?

રિટાયર થવાનો સમય થઈ ગયો,-અઝીઝ ટંકારવી

રિટાયર થવાનો સમય થઈ ગયો,
બરાબર થવાનો સમય થઈ ગયો.

શરીરે સુવાસો લગાવી ઘણી,
ખુદ અત્તર થવાનો સમય થઈ ગયો.

તમે છો ને ઈશ્વર હતા જગ મહીં,
લ્યો પત્થર થવાનો સમય થઈ ગયો.

હજી સત્ય પર આવરણ ક્યાં લગી,
ઉજાગર થવાનો સમય થઈ ગયો.

હવે બાંધ બિસ્તર જવાનું છે દૂર,
મુસાફર થવાનો સમય થઈ ગયો.

રમી લીધું ઘર-ઘર રમતમાં ઘણું,
હવે ઘર જવાનો સમય થઈ ગયો.

-અઝીઝ ટંકારવી

આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?

આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?
પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?

ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,
ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?

નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,
તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ?

ઈમાનદારી છોડવાનો છે સમય હવે
આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ?

અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,
ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ ?

લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?

“જલન માતરી”

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે;
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

– ‘જલન’ માતરી

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.

-અનિલ ચાવડા