તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

તુષાર શુક્લ

ના તને ખબર પડી, ના મને ખબર પડી,

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.

-તુષાર શુક્લ

ના તને ખબર પડી, ના મને ખબર પડી,

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.

-તુષાર શુક્લ

આંખોમાં બેઠેલા ચાતક કહે છે,

આંખોમાં બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું,
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં,
માટીની ગંધ રહી જામી.
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં,
આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને,
હવે ભીંજાવું એતો આભાસ છે.

કોરપની વેદના તે કેમ સહેવાય નહી?
રૂંવેરૂંવેથી મને વાગે,
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું,
રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે,
આ તે કેવો અષાઢી ઉલ્લાસ છે?

– તુષાર શુક્લ

ચાલ, લઈ લઈએ થોડા અબોલા

ચાલ, લઈ લઈએ થોડા અબોલા
બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ
આપણને લાગવાના પોલા –

આપણને શબ્દોનો મહિમા સમજાય
એથી મૌનને જ બોલવા દઈએ
હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ
કહેવું હોય એ ય તે ન કહીએ
અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ
મોતી શા શબ્દો અમોલા –

બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?
મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું
દલડું સાંભળશે એક કાને
ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં
જેવાં લપાઈ રહે હોલાં –

– તુષાર શુક્લ

તું પૂછે પ્રેમનું કારણ

તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.

પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
ચાહીએ એને ચાહતા
રહીએ
ભૂલી સઘળા વ્હેમ.

હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના
ઋણાનુબંધ?

ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

– તુષાર શુક્લ

એમ પૂછીને થાય નહીં પ્રેમ.-તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.