આપી આપીને તમે પીંછું આપો

આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપી ને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોષી

સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો

સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં……

એક તો માઝમ રાતની રજાઇ
ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાહ્યબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર ફેરવા દોડી જાઉં……

એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઇ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાહ્યબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં…..

– વિનોદ જોષી

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક
હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક
હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

– વિનોદ જોષી