આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;– ભગવતીકુમાર શર્મા

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો.

ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર, અનાહત તમાશાથી થાક્યો.

બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો.

ન છૂટી શકાતું, ન બંધાયલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો.

સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો.

ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો.

મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

-ભગવતીકુમાર શર્મા

મોસમની આવ-જાનો અનુભવ થતો નથી;

મોસમની આવ-જાનો અનુભવ થતો નથી;
ઉપવનમાં ભરવસંતેય કલરવ થતો નથી.

ક્ષણની ગતિવિધિઓમાં વિપ્લવ થતો નથી;
કેમે કરીને પૂરો હજી ભવ થતો નથી.

ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?

દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.

પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.

– ભગવતીકુમાર શર્મા

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

ભગવતીકુમાર શર્મા

તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,

તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,
વચન બનીશ તો નાછૂટકે પળાઈ જઈશ.

હરેક છત્રીમાં વાદળ શો અંધરાઈ જઈશ,
હરેક ચશ્માંને વીંધીને ઝરમરાઈ જઈશ.

આ છાંયડાના કસુંબાઓ ઘટઘટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.

નથી હું સૂર કે રૂંધી શકો તમે મુજને,
હું બૂમ છું ને કોઈ કંઠથી પડાઈ જઈશ.

હવે તો વેલને ફૂલોનો બોજ લાગે છે,
હું મારા શ્વાસની દીવાલથી દબાઈ જઈશ.

કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને,
કે જિર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ.

પછી ભૂંસાઈ જશે મારી સર્વ અંગતતા,
ગઝલરૂપે હું રચાયો છું તો ગવાઈ જઈશ.

– ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

– ભગવતીકુમાર શર્મા

અશબ્દવાવ છું-પડઘાથી ગૂંગળાઈ જઈશ,

અશબ્દ વાવ છું-પડઘાથી  ગૂંગળાઈ  જઈશ,
ખમો  હે વર્તુળો, પથ્થરથી હું ઘવાઈ જઈશ.

કરો   મને   તમે   આજ    સિન્દૂરી   થાપા,
હું પાળિયો છું- પછી  ધૂળથી છવાઈ જઈશ.

નથી   હું  રાતનો   ઓથાર  કે    બહું  પીડું,
પ્રભાતકાળનું  સ્વપ્ન છું   હુ ભુલાઈ જઈશ.

હું ચૈત્ર  છું, મને  ઝંખો  નહીં     અષાઢરૂપે,
ગગનથી નીચે વરસતામાં  હું સુકાઈ જઈશ.

લખું  છું   નામ  તમારું    હથેળીમાં    આજે,
ને હિમખંડથી, સંભવ છે, હું   ગળાઈ જઈશ.

સમયના જળનો આ જન્માન્તરો જૂનો ભરડો,
નદીકિનારાની  ભેખડ છું   હું -ઘસાઈ  જઈશ.

-ભગવતીકુમાર શર્મા

પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ;

પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ;
છાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ.

એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએ;
તે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ.

સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયું;
સૂર્યને માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ;

માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?
પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ.

છે ઘણી રેખા વિરહની હાથમાં એ છે કબૂલ ;
પણ નવી રેખાઓ ચીરીનેય મળવું જોઈએ.

માત્ર શબવત જિંદગી જીવી ગયાનો અર્થ શો ?
છે રગોમાં લોહી તો લોહી ઊકળવું જોઈએ.

આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;
ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.

– ભગવતીકુમાર શર્મા

હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં;

હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ માઢ, મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસે;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

કંકું ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કોળી ઊઠે;
હું પાંદ પાંદ વિખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

શ્ર્વાસનો પાંખાળા અશ્ર્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યા;
હું જેટ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

ગઈ કાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

-ભગવતી કુમાર શર્મા 

‘કોઈ નથી’ની ભીડમાં ઠેલાઉં છું સતત;

‘કોઈ નથી’ની ભીડમાં ઠેલાઉં છું સતત;
પથ્થરની શૂન્યતામાં હું ફેલાઉં છું સતત.

તેજીલો અશ્વ થાકથી રસ્તે ઢળી પડ્યો;
કોરી ગતિના મુખમાં ફિણોટાઉં છું સતત.

ભૂલું પડ્યું છે પંખી સમયની ભૂરાશમાં;
એનાં ખરેલ પિચ્છમાં ચકરાઉં છું સતત.

જન્માન્તરોની બારીઓ ખુલ્લી રહી ગઈ;
‘ક્યારેક’ની ઝડીમાં હું ભીંજાઉં છું સતત.

કોને ખબર કે ક્યારે હું વરસીશ ધોધમાર ?
પ્રાગૈતિહાસિક કાળથી તોળાઉં છું સતત.

ટહુકો ભલે આ નીડ ત્યજી ઓગળી ગયો;
ટુકડો બનીને નભનો હિલોળાઉં છું સતત.

પીડાયો છું હંમેશા હું મારા અભાવથી;
સાંનિધ્યમાં તમારા હું ફણગાઉં છું સતત.

– ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;-ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!