ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

–ભગવતીકુમાર શર્મા–

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

ચાલ, લઈ લઈએ થોડા અબોલા

ચાલ, લઈ લઈએ થોડા અબોલા
બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ
આપણને લાગવાના પોલા –

આપણને શબ્દોનો મહિમા સમજાય
એથી મૌનને જ બોલવા દઈએ
હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ
કહેવું હોય એ ય તે ન કહીએ
અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ
મોતી શા શબ્દો અમોલા –

બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?
મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું
દલડું સાંભળશે એક કાને
ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં
જેવાં લપાઈ રહે હોલાં –

– તુષાર શુક્લ

વરસાદની મોસમ – હરીન્દ્ર દવે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ.

આપણે કયાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઇએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.

તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.