હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે,

હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે,
મારા ભોજનીયા જમવાને વહેલી આવજે…
મહાકાળી, તું પાવાવાળી…

ખાજા કરીને જલેબી-પુરી છે, માતાજી ઓ માતાજી !
બરફી, પેંડા ને હલવો મેસુર છે, માતાજી ઓ માતાજી !
બાજઠ મુકી… બાજઠ મુકી થાળી કીધી જળ જમનાનાં લાવી…
મહાકાળી, તું પાવાવાળી…

કંસાર ઘીની વેઠમી બનાવી, માતાજી ઓ માતાજી !
દાળભાત શાક રસ રોટલી બનાવી, માતાજી ઓ માતાજી !
ચટણી પાપડ… ચટણી પાપડ લીંબુ અથાણા- જે જોઈએ તે લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

પકવાન પુરી ને દહીંતરા શ્રીખંડ છે, માતાજી ઓ માતાજી !
પાતરા કચોરીને ભજીયા ગરમ છે, માતાજી ઓ માતાજી !
દહીંને ભાંગી… દહીંને ભાંગી છાશ બનાવી ફડકો મારી લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

ચોસઠ પાનનાં બીડલાં બનાવ્યાં, માતાજી ઓ માતાજી !
લવિંગ સોપારી ને એલચી મંગાવ્યાં, માતાજી ઓ માતાજી !
અત્તર ખુશ્બુ… અત્તર ખુશ્બુ તેલ સુગંધી રૂમાલ માંગી લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

દાસ દલપત તારો થાળ ધરાવે, માતાજી ઓ માતાજી !
દાસ દલપત તારો થાળ ગવડાવે, માતાજી ઓ માતાજી !
ભાવે જમજો… ભાવે જમજો ગરબે રમજો ભૂલની માફી દેજો…
મહાકાળી, તું પાવાવાળી…

-દલપત પઢિયાર