એ નહીં આવે કદી વરસાદમાં,

એ નહીં આવે કદી વરસાદમાં,
આગ લાગી ગઈ સખી વરસાદમાં…

કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં…

એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં…

દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં…

છે તગ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’,
શાયરી દુલ્હન બની વરસાદમાં…

-‘અદી’ મિરઝા

સમયની આંધીઓ એને ઝૂકાવે તો મને કહેજે,- અદી મિર્ઝા

સમયની આંધીઓ એને ઝૂકાવે તો મને કહેજે,
કદી પણ સાચને જો આંચ આવે તો મને કહેજે…

શિખામણ આપનારા ચાલ મારી સાથે મયખાને,
તને પણ જીંદગી માફક ન આવે તો મને કહેજે…

મુસિબતમાં બધું ભૂલી ગયો છે માનવી આજે,
હવે એને ખુદા પણ યાદ આવે તો મને કહેજે…

જે તારા દોસ્તો તારા સુખોની નોંધ રાખે છે,
તને એ તારા દુ:ખમાં કામ આવે તો મને કહેજે…

 

આ દોસ્તોની લગનને તો જોઇ લેવા દે

આ દોસ્તોની લગનને તો જોઇ લેવા દે
મરું એ પહેલાં કફનને તો જોઇ લેવા દે.

પછી નજરમાં કોઇ ફૂલ પણ ખટકશે મને,
બસ એક વાર ચમનને તો જોઇ લેવા દે.

ઓ મારા મોત, ઘડી બે ઘડી તો થોભી જા!
જરા ફરીને વતનને તો જોઇ લેવા દે.

નથી, મેં જોયું કદી એને આંખ ઉઠાવીને,
ઓ દિલ, હવે આ જીવનને તો જોઇ લેવા દે.

નકાબ ઓઢી હતી જેને ઉમ્રભર તારી
ઓ પ્રેમ, એના વદન ને તો જોઇ લેવા દે.

– અદી મિરઝાં

તું જો આજે મારી સાથે જાગશે,

તું જો આજે મારી સાથે જાગશે,
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે!

કોણ તારી વાત સાંભળશે, હૃદય!
એક પથ્થર કોને કોને વાગશે!

તું અમારો છે તો, ધરતીના ખુદા!
તું અમારા જેવો ક્યારે લાગશે?

જીંદગી શું એટલી નિર્દય હશે?
એ મને શું એક પળમાં ત્યાગશે?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!

એણે માંગી છે દુઆ તારી, અદી!
તું ખુદા પાસે હવે શું માંગશે?

– અદી મિર્ઝા