આંખ કોરી ને ભીનો રૂમાલ રાખે,

આંખ કોરી ને ભીનો રૂમાલ રાખે,
રામ જાણે દોસ્ત કેવું વહાલ રાખે.

હું ના છોડી જાઉં એનો ખ્યાલ રાખે,
દ્વાર સાથે ઘર, સદા દીવાલ રાખે.

ક્યાં ખુશી ચપટી ભરી ગુલાલ છાંટે,
કોક દી અવસર છતાં કંગાલ રાખે.

એક ઉત્તર શોધતાં થાકી જઉં ત્યાં,
જિંદગી ઊભો નવો સવાલ રાખે.

હાથ પર ઘડિયાળ બાંધી હું ફરું પણ,
કાળ મારા હાથમાં ક્યાં કાલ રાખે.

– વજેસિંહ પારગી