અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો

અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો છાનો છપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયાતા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનો છપનો

સંબોધન જાણે કે દરિયાના મોજાઓ આવી આવી ને જાય તૂટી
સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે કાગળમાં એક ચીજ ખુટી
નામજાપ કરવાની માળા લૈ બેઠાને પહેલો મણકો જ ના ફરેલો ..છાનો છપનો

પહેલા ફકરાની એ પહેલી લીટી તો અમે જાણી બુજીને લખી ખાલી
બીજામાં પગરણ જયાં માંડ્યા તો લજ્જાએ પાચે આંગળીઓને જાલી
કોરો કટ્ટાક મારો કગળ વહી જાય બેક લાગણીના ટીપા તરસેલો…છાનો છપનો

ત્રીજામા એમ થયુ લાવ લખી નાખીએ અહિયાં મજામાં સહુ ઠીક છે
તો અદરથી ચૂંટી ખણીને કોઇ બોલ્યુ કે સાચુ લખવામા શુ બીક છે
હોઠ ઊપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની ચોકિયાત એક ત્યા ઉભેલો…છાનો છપનો

લખિતંગ લખવાની જગ્યાઅએ ઓચિંતુ આંખેથી ટપક્યુ રે બિંદુ
પળમા તો કાગળ પર માય નહી એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ
મોગરનુ ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બિડેલો. છાનો છપનો

– મુકેશ જોષી

હું જ છું, અસ્તિત્વ મારું

હું જ છું, અસ્તિત્વ મારું
હું જ છું પડછાયો
અન્ય ના પડછાયા છાંયે
વળી વળી ને મૂંઝાયો 
દેખી ને દર્પણ મા મુજને
કેમ કરી ને હું જાણું ખુદ ને?
દર્પણ મા થી બાર નીકળતાં
જીવન નો અર્થ સમજાયો

 – જનક દેસાઈ

રુપને તારા નઝરથી પી ગયો,

રુપને તારા નઝરથી પી ગયો,
દર્દ,સમઝીને દવા હું પી ગયો.

જ્યાં કદમ તારાં હતાં,ખુશ્બૂ હતી,
શ્વાસમાં લઈ એ હવા હું પી ગયો.

જીક્ર મેં તારી ઈનાયતનો કર્યો,
બેવફાઈ બેવફા હું પી ગયો.

નહીં તો ક્યાં છે કાલની કોને ખબર,
આજ તો આવી મઝા હું પી ગયો.

બેખબર જ્યારે હતી જગની નઝર,
મસ્ત નઝરોની અદા હું પી ગયો.

ઈશ્કમાં રુસવાઈ તો ઇનામ છે,
એમ સમઝી ને સદા હું પી ગયો.

જયસુખ પારેખ ‘સુમન ‘

ઈશ્કમાં તો ભલભલા બદનામ છે.

ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે,
ઈશ્કમાં તો ભલભલા બદનામ છે.

પ્રીત છે એક પુષ્પ નાજુકીભર્યું,
મૂલવોના શ્વેત છે કે શ્યામ છે.

દિલની બારીને ઉઘાડી રાખજો,
કો’ક દિ વસ્તીમાં નિકળે રામ છે.

એક ટીપું પણ હવે બાકી નથી,
દિલ લૂટાવું પ્રેમમાં એ હામ છે.

દિવ્ય મસ્તી ઉમ્રભર રહી યાદની,
એક પળના કામનું શું કામ છે.

સાવ મામુલી ‘સુમન’ તું આદમી,
કૈક હસ્તી એ બગાડ્યાં નામ છે.

જયસુખ પારેખ ‘સુમન’

પરાઇ…….

મા કહે તુ દિકરી મારી, પૂરજે ઇચ્છા મારી…….,

બાપ કહે તુ લાડલી મારી, વધારજે ઇજ્જત મારી,

ભાઇ કહે તુ બેનડી મારી, બનજે ખુબ ડાહી…!!

બહેન કહે તુ વ્હાલી મુજને, માનજે વાત મારી..!

સગા કહે તુ સગી અમારી, મર્યાદા મા સારી…..!!!!!

સમાજ કહે તુ સભ્ય અમારી, નિયમોમા બન્ધાણી..!!

પતિ કહે તુ પત્નિ મારી, મારી ઇચ્છા જ તારી……,

સાસરુ કહે તુ વહુ અમારી, ફરજે તુ બન્ધાણી…….!!

દિકરી કહે તુ મા મારી, કર મારી રખવાળી……..,

દિકરો કહે તુ જનની મારી, જીદ પૂરજે મારી….!!!!!!

જમાઇ કહે તુ સાસુ મારી, થોડી આઘી સારી….!!!!!!

વહુ કહે તુ સાસુ મારી, બહેરી-મુંગી સારી……….!!!!

સંભળાયો એક નાદ ઉઁડેથી,’ વાત સાંભળ મારી;…,

“પછી પછી કહી મને દબાવી ન થઇ શકી તુ તારી”…!!!!!!!!

મૌસમી મકવાણા-‘સખી’

હેપી વેલન્ટાઇન ડૅ- જયકાંત જાની (USA)

શરમાતા શરમાતા રાઘાએ ક્રુષ્ણને કહેલુ
હેપી વેલન્ટાઇન ડૅ
હસતા હસતા ક્રુષ્ણએ કહેલુ
ઓલ ડે ઇસ વેલન્ટાઇન ડૅ ફોર મી

શરમાતા શરમાતા રાઘાએ ક્રુષ્ણને કહેલુ
કે.વી આઈ લવ યુ
હસતા હસતા ક્રુષ્ણએ કહેલુ
ઓલ ઇસ લવેલેબલ ફોર મી

gujarati

મહા માટલુ

સાસુની વાત કાંઇ સોસાયટીમા કરાય નહી
લોકો ખોટી કાન ભ્ંભેરણી કરી રજ નુ ગજ કરી મુકે

સસરાની વાત વાત કાઇ સાસુ ને કહેવાય નહી
સાસુ ઉઠીને સસરાને ઉઘડા લઇ નાખે

ન્ંણદી ની નબળાઇઓ કાંઇ દિઅરને કહેવાય નહી
દિઅર કાલે ઉઠીને મોટો હોબાળો મચાવે

દિઅર ના દખ કાંઇ પરણ્યાને કહેવાય નહી
પરણ્યો દિઅર ને પુછે તો આબરૂ ના ઘજાગરા થાય

સાસરીયા ના દુખો કાંઇ પિયરમા ગવાય નહી
પિયરીયા ખોટી ચિંતા કરી અડ્ઘા થ ઇ જાય

મહામાટલા જેવા પેટ્મા બઘી વાતો સ્ંઘરવી
આ નાની વાત સમજતા મને વીસ વર્ષ થયા

જયકાંત જાની (USA)

જ્યોર્જ વોશિંગટ્ન ના અઢાર જીવન સુત્રો

(૧)પ્રત્યેક કાર્ય હાજર વ્યક્તિઓ પ્રત્યે આદર દર્શાવી ને કરવુ.
(૨)ખુશમત ખોર કદી બનવુ નહી.
(૩)બઘાની સાથે સમુહમા બેઠા હોઇએ ત્યારે છાપુ કે પુસ્તક વાંચવુ નહી.
(૪)કોઇ લખવાબેઠુ હોય તો તેના કાગળ કે પુસ્તક પાસે જવુ નહી.
(૫)ચહેરો હ્ંમેશા હસમુખો રાખવો પર્ંતુ કોઇ ગ્ંભીર પ્રસ્ંગે ગ્ંભીરતા ઘારણ કરવી.
(૬)બીજાની સાથે કામની વાતો ટુંકામા પતાવવી , નિર્થક લ્ંબાણ ન કર્વુ.
(૭)બીજાને પહેલા બોલવા દેવુ એ સારી રીતભાત છે.
(૮)કોઇ વ્યક્તિ પોતાનાથી બનતુ કરી છુટી હોય અને તેને સફળતા ન મળે તો ઠપકો ન આપવો.
(૯)કોઇના સલાહ સુચનો નો આભાર પુર્વક સ્વીકાર કરવો.
(૧૦)કોઇના વિષે નુકશાન કારક ગપાટા સાંભળીએ તો એકદમ માની લેવા નહી.
(૧૧) કપડા હ્ંમેશા સાદા તથા પોતાની સ્થિતિને છાજે તેવા પહેરવા.
(૧૨) મોર ની પેઠે પોતાની જાતને (જોઇ) નિહાળી ફુલાવુ નહી.
(૧૩) ખરાબ સોબતમા રહેવા કરતા એકલા ર હે વુ સારૂ.
(૧૪)કોઇની સાથે વાત ચીત કરીએ તો ઇર્ષા અને દ્વેષ થી મુક્ત રાખવી.
(૧૫)આપણા કોઇ મિત્રને બીજાની કોઇ છુપી વાત શોઘી કાઢવા માટે કદી દબાણ કરવુ નહિ.
(૧૬)કોઇને ગમ્મતમા મજા ન પડતી હોયતો તે ઠેકાણે ગમ્મત કરવી નહી.
(૧૭)બીજાના દોષ જોવા નહી.
(૧૮)કોઇ બોલતુ હોયતો તેની વાત ધ્યાન પુર્વક સાંભળવી

સ્ંકલિત -જયકાંત જાની (USA)

દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે
અમેરીકાના વળતા છે પાણી
કરશે જીવન ઘુળ ઘાણી
દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

ઘી મે ઘી મે જોબ કેરા કલાકો કપાણા
લાખો લોકોને જોબમા લે- ઓફ અપાંણા
મ્ંદી એ કર્યા રે બેકાર, માથે દેવા કેરો ભાર
દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

ઓબામા ક્યારે કાયદા સુઘારે
કોણ જાણૅ ક્યારે જોબ તક વઘારે
જીવ ભલે રે બળે, અહીં રહે કાઇ નહી વળે
દિકરા હાલોરે હવે, ડોલરીયા નહી રે મળે

– જયકાંત જાની (USA)

અમેરીકા ન આવતો કાના

અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના
અહી બાવન સ્ટેટ પણ તારા માટે સ્ટેટ્સ વીનાના
વેઘર અહીના વ્ંઠીલા કાના તારે ગોકુળ વ્રુન્દાવન મજા
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

વેરણ થઇ ગઇ જ્યા નીંદરૂ અમારી
કાના તને કોણ અહી ઝુલાવી ને સુવડાવે
અભક્ષ ભોજન કરતા હોઇ જ્યા અમે
કાના તને કોણ માખણ મિસરી ખવડાવે
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

રાસ લીલાની રમઝટ માટે અહી નહી મળે બ્રીજબાલા
ડીસ્કો દાંડીયા લેવા પડશે તારે ગોવિંદા આલા
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

હાઇ-વે પર ગાડી ચલાવવા લેવી પડ્શે પરમીટ્
પોલીસ ક્લીઅરન્સ ગોકુળ થી લાવી આપવી પડશે ક્લીન ચીટ
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

ટ્રાફીક રુલ્સનો ભંગ કરીશતો ભરવા પડ્શે તારે દ્ંડ
ડગલે પગલે તને હડ્ઘુત કરિને તોડશે તારો ઘ્ંમ્ંડ્
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

મોરલી તારી ંમેડેમુકીને શીખવા પડશે રેપ સ્ંગીત
ગોકુળીયા ગીતોને સાવ ભુલીને ગાવા પડશે ઇગ્લીશ ગીત
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

– જયકાંત જાની (USA)

ગુજરાતી માંથી

ધુમ્મસ – રમેશ પટેલ ‘ આકાશદીપ’

વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ
ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ

દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા તમે રાજ?
કુદરતનું કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ

વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે
મગરુર ધુમ્મસ છાનું હરખે, હસતી નીયતિ રે નીરખે

પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ
ભાનુના ઉભર્યા રે વહાલ, વરસાવે ઉર્જાની લ્હાણ

કિધા અલોપ રે ધુમ્મસ, દર્શન રમતા ચોપાસ
ભૂધરનો ભાળ્યો અહેસાસ, અંતરે પ્રગટ્યો ઉજાસ

સન્મુખ છે પરમેશ્વર રાય,કર્મ-ધુમ્મસના છાયા અંતરાય
રમતા રામ ના પરખાય, અંધારે આલમ અટવાય

જાજો રવિ સંતને ચરણ, ઝીલજો ગ્યાનના અવતરણ
ઝબકારે થાશે રે દશન, મળશે અવિનાશીનું શરણ

રમેશ પટેલ ‘આકાશદીપ’

તું કેમ કોરો ?

રંગો ની આ મહેફિલ માં પુછે છે સઘળા લોકો મને,
ગુલાલ ની તો ડમરી ઉડે છે, છતાં તું કેમ કોરો ?

કદાચ, મારામાં જ હશે કઇંક ખામી, કારણ
રંગમય થવાનું તો બહુ જ મન છે, છતાં પણ છું હું કોરો.

દોડી ને કહું છું તેમને, રંગો મને, રંગો મને,રંગો મને,
પ્રતિસાદ આપે છે એ, તું તો લાયક જ છે રહેવા ને કોરો.

…કરું શું હું બનવા લાયક, કે તે રંગે મને,

હા, પ્રગટાવો મને હવે, પછી છાંટશે એ ગુલાલ નું પાણી,
ઠારશે મને અને કહેશે, લે બસ, તું હવે નથી કોરો નથી કોરો.

ચૈતન્ય મારુ

ઝટ જાઓ ચંદનહાર લાવો

ઝટ જાઓ ચંદનહાર
..ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

હે નહિ ચડે ચુલે રોટલી….
ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે…
હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે
ઘુઘુંટ નહિ ખોલુ હું….
ઝટ જાઓ ચંદનહાર લાવો…

નાણાં ના નખરા બધા….
ને નાણાં ના સહુ નાદ…. સમજી ને..
માંગવાનુ તુ નહિ મૂકે હે મને મુકાવીશ તું અમદાવાદ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….
ઝટ જાઓ ચંદનહાર લાવો….

હે વડોદરી લાહવો લઉ ને કરું સુરતમાં લેહર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શહેર રે
ઘુંઘટ નહિ ખોલુ હું…
ઝટ જાઓ ચંદનહાર લાવો….

અરે ભાવનગર ભાગી જઇશ….
કે રખડીશ હું રાજકોટ…. કહિ દઉ છું હા…
પણ તારી સાથે નહિ રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….

ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

ચીમનલાલ જોશી

સુવિચાર-30 દિવસમાં તંદુરસ્તી

30 દિવસમાં તંદુરસ્તી

30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.

* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

* સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.

* સમય ન વેડફો – મહામૂલી જણસ છે.

* અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

* દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.

* શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.

* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.

* વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.

* ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.

* મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

* ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.

* અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.

* સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.

* હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.

* તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

* ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.

* રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

Radha_Krishna[1][1]

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

તેનો નાદ ગગનમાં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…

વૃંદા તે વનને મારગડે જાતાં,
દાણ દહીંના માગે છે. વૃંદાવન…

વૃંદા તે વનની કુંજગલીમાં,
રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન…

પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો સાજે છે. વૃંદાવન…

કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલાના મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવન…

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન…

અમે સૂતાં’તાં ભર નિદ્રામાં,
નણદલ વેરણ જાગે છે. વૃંદાવન…

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન…

મીરાંબાઈ

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે

989KrsnaBalbutter

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે

જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો

વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લા
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો

હું વેરાગણ કા’ના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
કાનુડે બાળીને કીધાં ખાખ, કે ઉડી ખરરરર રે- કાનુડો

મીરા બાઈ

તારા વિના શ્યામ મને એકલડું લાગે,

image002

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

લોક્ગીત

રુક્મિણી નો પત્ર શ્રી કુષ્ણ ને( કવિતા રૂપે)

શ્રોતા તણા શ્રવણ દ્વારથી શ્યામ પેસી,

પ્રત્યંગના સકળ તાપ હરો ગુણોથી;

ને દર્શને સકલ મંગળ સિધ્ધ હેતુ ,

આવી જજો છુપી રીતે લૈઇ સૈન્ય સાથે

માની પતિ મનથકી વરી આપને હું,

આત્મા સમર્પણ હરે કરી હું ચુકી છું;

રે, સિંહ ભાગ શિશુપાલ સમો શૃગાલ,

સ્પર્શી ન જાય ધરજો કમલાક્ષ ખ્યાલ.

કીધેલ હોય નિયમે વૃત પુન્ય લેશ,

પૂજેલ હોય ગુરૂદેવ દ્વિજ પરેશ;

તો આવી આંહિ ગ્રહજો મુજ પાણિ કૃષ્ણ,

થાજો ન આપ વિણ રે, શિશુપાલ સ્પર્શ.

શ્રીમદ્ ભાગવત

ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ મા

ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ મા
ધીમો વગાડ મા, નોરતાની રાતનો,
જો જે રંગ જાયના…………(2)
ધ્રુજે ના ધરતી તો રમઝટ કહેવાય ના,
નોરતાની રાતનો જો જે રંગ જાયના…….ઢોલીડા
બજ્યો છે રાસને મચાવે શોર,
થનગનતાં હૈયામાં નાચે છે મોર,
પૂનમની રાતના દર્શન ભૂલાયના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના…….ઢોલીડા
વાઘની સવારી ને હાથ હજારનાં,
મોગરાની માળાને ફૂલડાંનો હાર,
સોળે શણગાર ને દર્શન ભૂલાય ના…….ઢોલીડા
ગરબે રમે છે માડી નર ને નાર,
રૂદિયો ખોલીને કરું છું પોકાર,
ઘાયલ રૂદિયાને રોક્યું રોકાય ના……..ઢોલીડા
ગાવું ગવરાવવું એવી આશમાં,
દાસ દોડીને આવે છે પાસમાં,
દર્શન દઈને મા પાછા જવાય ના,
ઢોલે રમતાં માડી રાત વીતી જાય ના……ઢોલીડા

-લોકગીત

વા વાયા ને વાદળ ઊમટ્યા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે મળવા ન આવો શા માટે
તમે મળવા ન આવો શા માટે
ન આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓના ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

મેતા નરશીના સ્વામી શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદિરવર શામળિયા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

અજ્ઞાત

હો કાન ક્યાં રમી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

નાકની નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા
માળા તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા
કંગન તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પગનાં ઝાંઝરા ક્યાં મૂકી આવ્યા
સાંકળા તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પીળુ પીતાંબર ક્યાં મૂકી આવ્યા
સાળુ તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

કાનના કુંડળ ક્યાં મૂકી આવ્યા
એરિંગ તે કોના ચોરી લાવ્ચા
હો કાન ક્યાં રમી આવ્યા

મુખની મોરલી ક્યાં મૂકી આવ્યા
ખંજરી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મનડું તમારું ક્યાં મૂકી આવ્યા
સુધબુધ તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

અજ્ઞાત

આ નભ ઝુક્યું તે કાનજી

આ નભ ઝુક્યું તે કાનજી

ને ચાંદની તે રાઘા રે,

આ સરવર જલ તે કાનજી

ને પોયણી તે રાઘા રે,

આ બાગ ખીલ્યો તે કાનજી

ને લ્હેરી જતી તે રાઘા રે,

આ પરવત શિખર તે કાનજી

ને કેડી ચડે તે રાઘા રે,

આ ચાલ્યાં ચરણ તે કાનજી

ને પગલી પડે તે રાઘા રે,

આ કેશ ગુંથ્યા તે કાનજી

ને સેંથી પુરી તે રાઘા રે,

આ દીપ જલે તે કાનજી

ને આરતી તે રાઘા રે,

આ લોચન મારાં કાનજી

ને નજરું જુવે તે રાઘા રે,

પ્રિયકાન્ત મણિયાર

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે.. મારે દાણ દેવા, નઇ લેવા,
મૈયારા રે… ગોકુળ ગામના..

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે.. મારે જાગી જોવું ને જાવું,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દી એ હજાર નંદજીનો લાલો
હે.. મારે દુ:ખ સહેવા, નઇ કેહવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

નરસિંહ મેહતા

ચક્રવાત

.તાજેતરમાં અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એટલન્ટા અને જેક્શનવીલની
આસપાસ ટોર્નેડોની ચેતવણી વેધર ચેનલો પર ધમધમી ઉઠી.અંધારપટ
વૃક્ષોનું ધરાસાયી અને ઉડતાં છાપરાનાં દૃશ્યો જાણે વિનાશની આંધી.
અમારા ધરની પાછળ,તળાવ કિનારે નવજાત બચ્ચાંને લઈને
કુદરતના કોપથી અજાણ માતા ફરી રહી હતી.
અમને સૌને દૂરદર્શન ઘરના સૌથી નીચેના ભાગમાં ઈમર્જીન્સી
કીટ સાથે આશ્રય લેવા માહિતી આપી રહ્યું હ્તું….શું થશે? પણ
વ્યથાનો સારો અંત એટલે ‘ચક્રવાત’

ચક્રવાત
કલમ ઉપાડી કવિ નીકળ્યા
બસ કુદરત ખોળે રમશું
નર્તન કરતી જોઈ વનરાજી
ટહૂંકે ટહૂંકે ભમશું
જળચર પંખી સરવર ર્તીરે,
ચણ દઈ બોલાવશું
રેશમ પીંછે સ્પર્શ કરીને,
બાળા પંખી રમાડશું
મસ્ત ઘટાઓ છાયી ગગને
હરખે કવિ મસ્તાના
વાહ! કુદરત તારી કરીશ્મા
પાવન તારા શરણા
ત્યાંતો ચેતવણીના સૂરો ગૂંજ્યા
ચક્રવાત ધાયે વિકરાળા
ઉડશે છાપરા અંધારા થાશે
ધમરોળશે વિનાશના ઓળા
ભાગ્યા કવિ સૌની આગળ
અંતરિયાળ થયા કલ્પન ખટોલા
સૌની સાથે છૂપાયા ખુણે
વિચારે કેમ જીવશે પંખી રુપાળા
શરમ મૂકીને સૌને ગજબ દોડાવે તું કિરતાર
કુદરત તાંડવ આગળ દીઠા સૌને રે લાચાર
કવિ કહે ઓ નિષ્ઠુર વિધાતા
આ બાળા પંખી શું જાણે
ચેતવણીથી અમે ખૂણે ભરાણા
દિધા પંખીને ઘર ,વૃક્ષ ટોચે શું અજાણે?
સુણી સંવેદના મારી જાગ્યો ભગવંત દૂર ગગને
તાંડવ લીલા સંકેલી હાલી નીકળ્યો સાગર વાટે
ખુમારીથી કવિએ કલમ ઉપાડી
ખુશ થયા ટોર્નેડોને ભગાડી
ધીરે ધીરે છાયાં ગગને મસ્ત ઘટાથી વાદળ
બાળા પંખી નાનાં બે ઘૂમતાં કેવાં માની પાછળ

રમેશ પટેલ(આકાશદીપ)

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12

– નરસિંહ મહેતા

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો
પાગલ ના બનીએ ભેરુ, કોઈના રંગ રાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

અવિનાશ વ્યાસ

ઊંચી તલાવડીની કોર

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજર્યું ઢાળી હાલું તો ય લાગી નજર્યું કોની
વગડે ગાજે મુરલીના શોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ભિંજે ભિંજે જાય મારા સાળુડાની કોર
આંખ મદિલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર
છાનો મારે આ સુનો દોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

અજ્ઞાત

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ધીમી ધીમી પગલી તારી ધીમી કૈંક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

વેણીભાઇ પુરોહિત

ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
નવી ફેશનની ધૂન બધે લાગી,
નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
વરણાગી વીરાની વરણાગી વહુ બનો,
થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાણી લલનાઓ જાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
તમે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

અવિનાશ વ્યાસ

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

અજ્ઞાત

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હે સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયામાં છૂટથી રે
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી ચૂડલી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હવે સાસરિયે જાવું રે
પિયરીયામાં મહાલી રહ્યાં
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

અજ્ઞાત

આ વગડાનો છોડ

આ વગડાનો છોડ
ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,હરખે અંતર અપાર
પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને, થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને, કેવો હું વધાવું

જોડાયા તારને થયો ઝણઝણાટ ,અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,કેમકરી ખીલવ્યાં ફૂલો?

ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે, બહું થંડી બહું તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,આ ફૂલડાં આવ્યાં પાસ

બોલ હવે મોટો તું છે કે આ વગડાનો છોડ?
ને હાથ જોડી હું શરમાયો, સુણી પ્રભુનો તોડ

જય જવાન જય કિસાનને આજ વંદતો દાસ
મહેંકાવી જીવનચર્યાથી જઈશ પ્રભુની પાસ

દિધી દાતાએ શક્તિ તનમને, ઉપકારી બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ સુગંધ ,થાશું પ્રભુ ચરણે યશભાગી

રમેશ પટેલ(આકાશદીપ)

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે

છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે

ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે
શુ તાસીર છે આ ભુમી ની હજી રાજા
જનક જેવા હ્ળ હાકે તો સીતા નીકળે

-કવિ દાદ

સાત સમન્દર તરવા ચાલી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

ઝંઝા બોલી ખમ્મા ખમ્મા
હિમ્મત બોલી અલ્લાબેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

એવા પણ છે પ્રેમી અધૂરા
વાતોમાં જે શૂરા પૂરા
શીર દેવામાં આનાકાની
દિલ દેવાની તાલાવેલી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

કોનો સાથ જીવનમાં સારો
શૂન્ય તમે પોતે જ વિચારો
મહેનત પાછળ બબ્બે બાહુ
કિસ્મત પાછળ માત્ર હથેળી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

આપખુદીનું શાસન ડોલ્યું
પાખંડીનું આસન ડોલ્યું
હાશ કહી હરખાયો ઈશ્વર
‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

ઝંઝા બોલી ખમ્મા ખમ્મા
હિમ્મત બોલી અલ્લાબેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

‘શૂન્ય’ પાલનપુરી

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ

-ઝવેરચંદ કાળીદાસ મેઘાણી

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

બરકત વિરાણી ‘બેફામ’

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

કૈલાસ પંડિત

બહેન એટલે

બહેન એટલે
ભાઈને લીલોછમ રાખતી
નિર્મળ પ્રેમની નદી

બહેન એટલે
ભાઈને સંગીતથી ભીંજવતો
કોયલનો ટહુકો

બહેન એટલે
માઁની મમતા-મૂર્તિમાંથી પ્રગટેલું
સ્નેહનું મનોહર શિલ્પ

બહેન એટલે
ભાઈના અંતરને અજવાળતી
ઝળહળ દીવાની જ્યોત

બહેન એટલે
ભાઈના કોયડા ઊકેલતી
કુદરતી બોલતી-ચાલતી કવિતા

ચંદ્રેશ શાહ

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

 

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી !
વાળી ગોંદરેથી ગાય રે,
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે !-એમ જેસલ કહે છે જી..

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી !
પાદર લૂંટી પાણિયાર રે,
વનના મોરલા મારિયા, તોરલ દે રે !—એમ જેસલ કહે છે જી0

ફોડી સરોવર પાળ, તોળી રાણી !
ફોડી સરોવર પાળ રે,
વનકેરા મૃગલા મારિયા તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

લૂંટી કુંવારી જાન, તોળી રાણી !
લૂંટી કુંવારી જાન રે,
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

હરણ હર્યાં લખચાર, તોળી રાણી !
હરણ હર્યાં લખચાર રે,
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહએ છે જી

જેટલા મથેજા વાળ, તોળી રાણી,
જેટલા મથેજા વાળ રે,
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી

પુણ્યે પાપ ઠેલાય, જાડેજા !પુણ્યે પાપ ઠેલાય રે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે !—એમ તોરલ કહે છે જી

પનબાઇ
PANBAI

ગુજરાતી છોગાળા

ગુજરાતી છોગાળા
અમે તમારા તમે અમારા
વિશ્વે રમીએ થઈ રુપાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
દીધું દાતાએ ભરી તિજોરી
હરખે કરીએ મહેમાન નવાજી
વહે દાન પૂણ્યની ધારા
છીએ અમે ભાઈ ગુજરાર્તી છોગાળા
રાષ્ટ્ર પ્રેમથી ધરણી છલકે
વલ્લભ ગાંધી વદતાં મલકે
સિંહની ધરણીના અમે લાલા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
પૂણ્ય ભુમિ સુખ દુખના સંગાથી

સપ્ત સમંદર સવારી અમારી

આયખે સાહસના સથવારા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
ધરતી મેઘના મિલન મધુરાં
એવા સ્નેહના બંધન અમારા
ફતેહના ડંકા સદાએ દેતા
જન્મ ભૂમિના રતન રુપાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

રમેશ પટેલ(આકાશદીપ)

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

– અરદેશર ફરામજી ખબરદાર

તરુ આપણું સહિયારું

તરુ આપણું સહિયારું
ડાળે બેસી પંખી ટહૂંક્યું
ધરતી તારી ગગન અમારું
પણ ભલું તરુ આપણું સહિયારું

ફરફર ફરકે પર્ણ સજીલાં
છેડંત અનીલ ગીત મજાંનાં
શોભે રતુંબલ લઈ હીંચોળાં
ભૂલશું કહેવાનું ભલા મારુંતારું
મહાદાતા તરુ આપણું સહિયારું

અમ વનપંખીનો આશરો મોટો
બાંધ હવેલી,તું મળે ના જોટો
ભરી હરખ, ગહે સંતાનો પલશું
લીલુંડું નવલું અનઘ રુપાળું
માવતર તરુ આપણું સહિયારું

ૠતુઋતુ ના કામણ ખીલતા
ખાટા મીઠા ફળો મ્હેંકતા
આવ નીરખ મંગલ રુંપાળું
અર્પે વિસામો કરુણાથી છલકતું
અન્નકૂટ તરુ આપણું સહિયારું

ગગન ગોખથી વહેતી ધારા
લીલાછમ હરખે ડુંગર ક્યારા
શોભંત વનમાળે રુપલું સુંવાળું
સવાયા સંતસા ધરે નઝરાણું
જગદાધાર તરુ આપણું સહિયારું

રમેશ પટેલ(આકાશદીપ)

યશવંતી ગુજરાત

GUJગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન , ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ
જનમ્યા ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડ્મે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મલ્યો અવતાર
રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
ગરબે ઝગમગે જીવન દીપને, જગત જનની નો સાથ
ધરતી મારી કુબેર ભંડારી,ભરશું પ્રગતિ સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ
રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
માત મહિસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત
પાવન તીર્થ ,તીર્થંકરની કરુણા,અર્પે ગ્યાન અમાપ
અનુપમ તારી શાખ ઝગમગે,જાણે તારલિયાની ભાત
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર
વહાલો વલ્લભ સરદાર ,ગજવે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ
ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
ધન્ય ધીંગી ધરા સલૂણી, પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વંદે ગિરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
તારે ચરણે નમીએ માત,આશિષ માગે તારાં બાળ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

નરસિંહ મહેતા

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો
જરા ઊભા રહો, જરા ઊભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો
મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફૂલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

થઈને પૂનમની રાત તમે આવ્યાં હતા
થઈને જીવન પ્રભાત તમે આવ્યાં હતા
તમે આવ્યાં હતા, તમે આવ્યાં હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

બરકત વિરાણી ‘બેફામ’

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

નરસિંહ મહેતા

સજા…

ત્યાં જઇ ને તમને ભ્રૂલી જવાની મજા,
આપો છો શાને આટલી મોટી સજા.

કર્યો હતો એક પ્રયત્ન, તમને પામવાનો,
મળ્યાં પણ મૃગજળ બની, આ તે કેવી સજા.

શોધી ને થાકયો સ્નેહ વનમાં,કસ્તુરી મૃગ બની,
સૂગંધ બનીને સંતાયા નાભી માં,આ તે કેવી સજા.

ધાયુર્ં હતું કે આપીશ હૃદય, તો મળશે હૃદય,
પણ, મળ્યું એક પાષાણ વન, આ તે કેવી સજા.

એક મોટો ખાલીપો સાથે લઇ ને જીવું છું,
આવ્યાં, તો શુન્યાવકાશ બની, આ તે કેવી સજા.

ચૈતન્ય મારૂ

અમી ભરેલી નજરુ રાખો મેવાડ ના શ્રીનાથજી

અમી ભરેલી નજરુ રાખો મેવાડ ના શ્રીનાથજી

ચરણ કમળ મા શીશ નમાવી વંદન કરૂ શ્રીનાથજી

દયા કરિને ભક્તિ દેજો મેવાડ ના શ્રીનાથજી

તમારા ભરોસે જીવનનૈયા બની શુકાની પાર ઉતારો

ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી

અમી ભરેલી નજરુ રાખો મેવાડ ના શ્રીનાથજી

-unknown

પાંખી પરિસ્થિતિ

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.

અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.

કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.

ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.

પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.

‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.

– ગની દહીંવાલા