ઉકેલી વાત અગર થૈ જશે નજર ભીની,-ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’

ઉકેલી વાત અગર થૈ જશે નજર ભીની,
કવરમાં આજ રવાના કરી ખબર ભીની.

નજીક કોઈ સ્વજન શક્ય છે કે આવ્યું હો,
નહીં તો આમ અચાનક ન હો કબર ભીની.

જનમજનમનો મને શાપ કોઈએ દીધો,
જનમજનમથી નયનમાં અવરજવર ભીની.

કહી શકાયું ન કોઈને કોઈ કારણસર,
રહ્યા કરે છે મને કાયમી અસર ભીની.

નહીં સુકાઈ શકે જો જરાક ભીંજાશે,
અતીત યાદ કરી આંખને ન કર ભીની.

સરળતાથી નહીં ભૂંસી શકો એકેક જણની ચાલ;-અશોક ચાવડા ‘બેદિલ’

સરળતાથી નહીં ભૂંસી શકો એકેક જણની ચાલ;
સતત પગરવ કરીને જાય જીવનમાં સ્મરણની ચાલ.

સમજદારીની ભાગમદોડમાં બસ વસવસો છે એક,
ચમકતાં બૂટનાં તળિયે ઘસાઈ બાળપણની ચાલ.

મુસીબતમાં છું હમણાંથી જરા જાહેર થૈ ગૈ વાત,
બધાંએ વાતવાતે ચાલવા માંડી છે ….પણની ચાલ.

મને ખુદને જ મળવામાં હું અડચણરુપ થઉં છું રોજ,
મને મળવા જ ચાલી આજ મારા અપહરણની ચાલ.

સદાયે ખુશ રહેવાની બતાવી દઉં જડીબુટ્ટી,
“ધરા સાથે જ બદલાતી રહે વ્હેતાં ઝરણની ચાલ.”

થોડોક રહી જાય અહંકાર હૃદયમાં,-અશોક ચાવડા ‘બેદિલ’

થોડોક રહી જાય અહંકાર હૃદયમાં,
એમાંથી જનમ લેય ગુનેગાર હૃદયમાં.

આકાર હજી આંસુઓનો જેને મળ્યો ના,
કૈં દુઃખ દરદ એમ નિરાકાર હૃદયમાં.

બે આંખ મને કોઈ વખત ઓછી પડે છે,
ઊઠેય વલોપાત ઘણીવાર હૃદયમાં.

બે-ચાર હૃદયમાં જ રહો એ ય ઘણું છે,
સંસાર વસાવો ન સમજદાર હૃદયમાં.

એકાદ ગઝલમાં તો સમાવી ન શકું હું,
પીડાઓ પડી કૈંક વિષયવાર હૃદયમાં.

આમ લાગે ન આગ અંદરથી,

આમ લાગે ન આગ અંદરથી,
કોઈ તો છે સજાગ અંદરથી.

હાથ લાગે છતાં ન પકડાતા,
છે અરીસામાં દાગ અંદરથી.

બ્હારથી એકદમ સલામત છું,
માત્ર છે નાસભાગ અંદરથી.

દૃશ્ય સઘળાં થઈ ગયાં છે સ્થિર,
આ જ મોકો છે જાગ અંદરથી.

તાપ-સંતાપ તપ સુધી પ્હોંચે,
તો જ પ્રકટે વિરાગ અંદરથી.

– અશોક ચાવડા ‘બેદિલ’

એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા,

એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા,
હું સતત પ્હેરી શકું છું ચામડીમાં બા.

એ જ અચરજ હોય છે ક્યાં ચાખડીમાં બા?
ખૂબ અથડાઇ છે બાધા-આખડીમાં બા

બાની પૂંજી બાપુજી સમજી શક્યો છું પણ,
હું કદી જોઇ શક્યો ના ચૂંદડીમાં બા.

 એ પછી એકેય અક્ષર ક્યાં લખાયો છે?
મેં જરા શીખી લીધી બારાખડીમાં બા.

ઘાટ આ મારો ઘડાયો એ જ કારણથી,
રોજ વ્હેરાયા કરી છે શારડીમાં બા.

-અશોક ચાવડા ‘બેદિલ’

પ્રસંગોપાત ઊછળી પાઘડી બે-ચારની આગળ;

પ્રસંગોપાત ઊછળી પાઘડી બે-ચારની આગળ;
સતત લાચાર છું સંબંધના વેપારની આગળ.

ચળકતો મંચ, આ સત્કાર, સંબોધન ને તાળીઓ,
ઘણાં ફિક્કાં પડે છે આપણા પરિવારની આગળ.

હવે તો આગ પણ અડકે છતાં બળતું નથી આ અંગ,
ત્વચા પણ કેળવાઈ આખરે અંગારની આગળ.

ન મન લાગે નમન કરવામાં કેવળ લાગતી નાનમ,
નવી પેઢી વધી છે એમ શિષ્ટાચારની આગળ.

હું જેને આંગળી પકડી અહીં ઉંબર સુધી લાવ્યો,
મને ભૂલી ગયા ઘર જોઈને એ દ્વારની આગળ.

– અશોક ચાવડા ‘બેદિલ’ (પગરવ તળાવમાં)