ભુલ

ભુલને એનો ભરમ ના સમજાય રે કદી;

ભુલને એનો મરમ ના સમજાય રે કદી.

ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ?

પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.

 ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો,

મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી.

 મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે

હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.

 ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે,

ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !

 ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી,

આપણી તો એ શરમ, ના સમજાય રે કદી.

 આંગળી ચીંધી એક, બતાવી ભુલ બીજાની;

આપણી સામે ત્રયમ્, ના સમજાય રે કદી !

 – જુગલકીશોર.

https://jjkishor.wordpress.com/

 

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

– હેમંત

ટચલી આંગલડીનો નખ

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ

– વિનોદ જોશી

મજા જિંદગી છે હસો ને હસાવો,

મજા જિંદગી છે હસો ને હસાવો,
પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,
લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
બધાં બંધનો એહ દૂરે ફગાવો.

જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
જિગર-બીન એવું તમેયે બજાવો.

ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
અરે મોતને પણ હસીને હસાવો.

–  ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,- અવિનાશ વ્યાસ

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,

મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

 

તડકી બુજાણી ને વાદળી દેખાણી

તડકી બુજાણી ને વાદળી દેખાણી
ભરબપોરે જાણે મધરાત ફેલાણી

ચારેકોર કાળી રાત ફેલાણી
પ્રકાશની ગેરહાજરી જણાણી

હૃદય ફાટ ગજ વીજ છવાણી
ચૌ દશ એક રંગ મહી ફેલાણી

પાણી, પવન, પ્રકાશ સાથે
ભોમ પલ મા બની છાવણી

આજ ધરા ની પ્યાસ બુજાણી
કુદરતે કરી પ્રેમ ની વાવણી

એકલા સમુદ્રે કરી સરિતાની માંગણી
સરિતાએ બતાવી પ્રેમની લાગણી

-આશિષ કરકર –અંશ

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં-યુગ શાહ

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં
હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં

જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન
હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં

ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને
આંખોથી ધીરે ધીરે દલડુ મારું તે છોલે છેં

સજનીના સ્નેહનો આ તો કેવો છેં ચમત્કાર
અમારી આંખો પણ મદનાં પ્યાલા ઢોળે છે

તને ખોટું જો લાગે તો હું શું કરું?- હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

 

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !- કૃષ્ણ દવે

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમૂ થાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યેાલ મને તારામાં ગોતી દે એકાદી લીલીછમૂ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….

 

તું નાનો, હું મોટો

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો….

પ્રેમશંકર ભટ્ટ.

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. કૃષ્ણને

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને

દયારામ

હરિ, જેવો તેવો હું દાસ તમારો

હરિ, જેવો તેવો હું દાસ તમારો
કરુણાસિંધુ ગ્રહો કર મારો ..

સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી,
શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ..

નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ,
શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ ..

અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાય હારી,
અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી ..

વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો,
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો ..

વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,
આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો ..

સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયા પ્રીતમ ગિરિધારી,
શરણાગત-વત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી ..

દયારામ

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !
મૂલક ઘણા જોયા રે ! મુસાફરી થઈ છે ઘણી !

સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ !
ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ,
સમઝીને ચાલો સૂધા રે ! ના જાશો ડાબા કે જમણી. મનજી !

વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બે ચાર,
માટે, વળવા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર,
મળ્યો છે એક ભેદુ રે ! બતાવી ગતિ સહુ તે તણી. મનજી !

માલ વહોરો તો વહોરો શેઠના નામનો, થાય ના ક્યહું અટકાવ,
આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ,
એટલા સારું રે ! ના થાવું વહોતરના ધણી. મનજી !

જોજો, જગતથકી જાવું છે, કરજો સંભાળીને કામ,
દાસ દયાને એમ ગમે છે – હાંવા જઈએ પોતાને ધામ,
સૂઝે છે હાંવા એવું રે ! અવધ થઈ છે આપણી ! મનજી !

દયારામ

મારા મનડાનો મોર થનગનાટ કર્યા કરે ને ,

મારા મનડાનો મોર થનગનાટ કર્યા કરે ને ,
તારા દલડા ની ઢેલ ને એ તરસાવ્યા કરે .

મારા દિલ ના તાતણા ઓ સુર છેડ્યા કરે ને ,
તારા દિલ ના ગીતો ને એ ગણગણ્યા કરે .

મારા દિલ ની ધડકનો ધક ધક ધડક્યા કરે ને ,
તારા દિલ ની ધડકનો ને એ ધડ્કાવ્યા કરે.

મારી આંખ ને કાજળો રોજ રેળાયા કરે ને ,
તારી આંખો ના સપના ને રાતે ઢંઢોળ્યા કરે .

મારા હાથ ની રેખાઓ જો ગુચવાયા કરે ને ,
તારી હથેળી ની લકીરો ને જોને સુલજાવ્યા કરે.

દુર બેઠી” કૃતિ ” તારી રાહ માં કેવી મુંજાયા કરે ને ,
સપના માં આવી ને તું જો ને મને કેવું રીજાવ્યા કરે

કૃતિ રાવલ

વાદળ થઇ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનુ નામ લેતા ?

વાદળ થઇ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનુ નામ લેતા ?
આકાશે ખાલી શું રખડ્યા કરો છો ? જેમ ચુંટણીમાં રખડે છે નેતા .

આંખ્યુંમાં આંસુના વાવેતર થઇ ગ્યા છે તમને જરાય એનો ખ્યાલ છે ?
નહીતર ચોમાસું આવું મોંઘુ ના થાય, મને લાગે છે વચ્ચે દલાલ છે.
ઈશ્વર પણ રાષ્ટ્રપતિ જેવા થઇ ગ્યા છે કાન પકડીને કંઈ જ નથી કહેતા.

કાળા ડીબાંગ સુટ પ્હેરી પ્હેરીને જાણે આવ્યા છો સંસદમાં ઊંઘવા !
તરસ્યા ખેતરને જઇ પૂછો જરાક એક છાંટો મળ્યો છે એને સુંઘવા ?
રીઢા મીનીસ્ટરની જેવા લાગો છો નથી ઉત્તરમાં ટીપું ‘યે દેતા .

– કૃષ્ણ દવે

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !
તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ !

જહાં જેને મરી મુર્દું કબરમાં મોકલી દેતી,
હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ !

જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ !
હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ !

જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઇશ્કનાં દર્દો બધાં એ વ્હોરનારાઓ !

હમે જાહેરખબરો સૌ જીગરની છે લખી નાંખી,
ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનારાઓ !

ગરજ જો ઇશ્કબાજીની, હમોને પૂછતા આવો,
બધાં ખાલી ફિતૂરથી તો સદા એ નાસનારાઓ !

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં,
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ !

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે,
હમે આરામમાં કયાંયે સુખેથી ઊંઘનારાઓ !

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતા,
હમે જાણ્યું, હમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ !

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !

બની ઉસ્તાદ આવો તો થશો આંહીં તમે ચેલા,
મગર મુરશિદ* કરો તો તો હમે ચેલા થનારાઓ !

હમારાં આંસુથી આંસુ મિલાવો; આપશું ચાવી;
પછી ખંજર ભલે દેતાં; નહીં ગણકારનારાઓ !

* મુરશિદ – ધર્મોપદેશક

દિન એક ગયો, પછી લાખ ગયા,

દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? ૧

દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહુ ?
સહશું રડશું, જળશું, મરશું,
સહુ માલિકને રુચતું કરશુ ! ૨

કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું,
પણ તે દિલને વિસરાવીશ ના,
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! ૩

– ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.

કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત-કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો,
ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે!

કવિ રાજા થયો છે,- શી પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં* ‘બાલ‘-મસ્તી*માં મઝા લેજે !

-બાલાશંકર કંથારીયા

બંધ બારી બારણે બેઠા હતા,– ફિલિપ કલાર્ક

બંધ બારી બારણે બેઠા હતા,
કે અનોખા તારણે બેઠા હતા.
ના કદી જેનું નિવારણ થૈ શક્યું,
એક એવા કારણે બેઠા હતા.

જોત જોતામાં થયું મોં સૂઝણું,
સ્વપ્નના સંભારણે બેઠા હતાં,
પથ્થરો ક્યારેક તો ગાતા થશે,
એમ સમજી બારણે બેઠા હતા.

કોક કોમળ કંઠથી ગઝલો સરે,
રંગ ભીના ફાગણે બેઠા હતા.
હૂંફ જેવું વિશ્વમાં વ્યાપી ગયું,
પાસ પાસે આપણે બેઠા હતા,

છે હવાના હોઠ પર ખામોશીઓ,
શબ્દના ઉચ્ચારણે બેઠા હતા.

જીવનચાકડે ઘુમી ઘુમીને,

જીવનચાકડે ઘુમી ઘુમીને,
રોજ થોડું ઘડાતી આવી.

કાચી માટીનું કલેવર જુનું,
ટપ ટપ નીત ટિપાતી આવી.

ટક ટક ટક ટક પડે ટકોરાં,
નિભાડે તપતી તવાતી આવી.

પોત નવુંને ભાત પાડવાં,
રોજ જીણું કંતાતી આવી.

મોહ-માયાનાં જાળાં ગુંથ્યાં,
જાળ રોજ ગુંથાતી આવી.

પિંડદાનનાં પાનેતરને,
ચારેકોર વણાતી આવી.

માટી છું ને માટી થઈ જઈશ.
જીંદગી આખી વચ્ચે આવી.

ગોપાલી બુચ.

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,

કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો

વનેવન ઘૂમ્યો.

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,

શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો

ઘૂમટો તાણ્યો.

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,

નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી

આવી દિગનારી.

તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,

જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે

ફરી દ્વારે દ્વારે.

રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,

કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં

સમણાં ઢોળ્યાં.

~ નિનુ મઝુમદાર

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

-કવિ શ્રી મણિલાલ દેસાઇ

કલમને લાગ્યો કાટ બાલમા

કલમને લાગ્યો કાટ બાલમા
લાગણી વાળે દાટ બાલમા

ઊભી રહીને ભિજાવું રસ્તે
ભાવો જુવે ત્યાં વાટ બાલમા

મનડુ મુંજાય કરતું ધખારા
કોણ સમજે સીધું સાટ બાલમા

દઈને બેઠા એને દિલના દાન
હવે કહેતું’કે પડો પાટ બાલમા

કેમ રે કરવું ને કેમ રહેવું મારે
વાંછું પ્રેમની એક છાંટ બાલમા

હેમલ દવે

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

– નર્મદ

મારું મારું કરતો માનવ,જગતમાં એફરતો જ જાય

મારું મારું કરતો માનવ,જગતમાં એફરતો જ જાય
મળી જાય જ્યાં અપંગતા,ત્યાં એ તારું કહેતો થાય
……….મારું મારું કરતો માનવ.

નિર્ધનતાને પામતા જગતમાં,સમય શોધવાને જાય
મહેનતને જ્યાં નેવેમુકે,ત્યાં નાકોઇ મારું એને દેખાય
અહંકારની ઓટલી મળતાંતો,ઉંમરાઓ એ ચુકી જાય
સ્વાર્થમોહને લોભ છોડતાં,કંઇક કંઇક મારુંએ સમજાય
………..મારું મારું કરતો માનવ.

સકળ સૃષ્ટિના કર્તારે દેહને,દીધો જન્મ મરણનો સાર
સફળ જન્મની એકજ લકીર,જ્યાં ભક્તિ થાય અપાર
મારું તારું ના બંધન તુટતાં,થઇજાય જીવનો ઉધ્ધાર
આંગણેઆવી પ્રભુ કહે,દઇદે તારા જીવનનો સહવાસ
………..મારું મારું કરતો માનવ.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમરો મત્ર ભલો નવકાર એ છે-જૈન સ્તવન,

ભક્તિ કરતા છુટૅ મારા પ્રભુ એવુ માગુ છુ-જૈન સ્તવન,

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?-રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

હતો હું સૂતો પારણે પુત્ર નાનો-દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રડું છેક તો રાખતું કોણ છાનો

મને દુખી દેખી દુખી કોણ થાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે

પીડા પામું પંડે તજે સ્વાદ તો તે

મને સુખ માટે કટુ કોણ ખાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

લઈ છાતી સાથે બચી કોણ લેતું

તજી તાજું ખાજું મને કોણ દેતું

મને કોણ મીઠા મુખે ગીત ગાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી

પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી

પછી કોણ પોતાતણું દૂધ પાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

ઉત્સાહનો એક શબ્દ કહેતાં

ઉત્સાહનો એક શબ્દ કહેતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

ઝરતા આંસુને લૂછવા માટે
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મદદ માટે હાથ લંબાવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

સમજવાનો પ્રયત્ન કરવા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

મિત્ર મેળવતાં ને તેને જાળવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇ ભાંગેલા હૈયાને સાંધતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;

કોઇનો દિવસ ઉજાળતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;

તો પછી, આ જ ક્ષણને જડી દ્યો
… તે સરકી જાય તે પહેલાં.

– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)

હું રોજ તોડું છું પત્તું વધી જતી વયનું, દુ:સ્વપન તોય નિવારી શકું નહિ …… એસ. એસ. રાહી

હું રોજ તોડું છું પત્તું વધી જતી વયનું,
દુ:સ્વપન તોય નિવારી શકું નહિ ક્ષયનું.

હા, એમાં રઝ્ળું છું ભૂલો પડું છું ભટ્કું છું,
ઘણું ફળ્યું છે મને આ નગર પરિચયનું.

ધધખતી રેત પરે એ વિચારે નિંદ કરું,
કદાચ આવે સપન સોનેરી જળાશયનું.

રખે સૂકાઈ જશે તારી પ્રતિક્ષાની નદી,
કિનારે કેમ વસે ગામ કોઇ આશયનું.

એસ. એસ. રાહી

કોઈક તો એવું જોઈએ-રેણુકા દવે

કોઈક તો એવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ
આમ તો નર્યાં સપનાંઓને આંબવા લાગી હોડ
એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ
સપનાંઓને બાજુએ મૂકી
શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી,
તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું
કોઈક તો હોવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ

આમ તો નર્યાં ઝાંઝવાભર્યું રણ છે જીવનવાટ
પ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય આરો ના ઘાટ
ઝાંઝવાઓમાં નેજવાં જેવું
મઝધારે એક નાવનું હોવું
આમ ન કોઈ નામ ને તોયે મનમાં તો ભગવાનના જેવું
કોઈક તો હોવું જોઈએ
જેની સાવ અડોઅડ હોઈએ

પ્રિયતમ તું નાહક આમ તેમ ફર્યા કરે છે,

પ્રિયતમ તું નાહક આમ તેમ ફર્યા કરે છે,
યાદમાં તું અશ્રુ બની સદા સર્યા કરે છે.

દુર છો મારા થી હજારો જોજન વાલમ તું,
મૃગજળ બની આંખ સમક્ષ તર્યા કરે છે.

દિલની લાગણીથી નખશીખ ભીંજાણી આથી,
સદાય મન નું ધાર્યું તારું જ કર્યાં કરે છે.

આંખોમાં તારી સમાણી સદાય ફક્ત હું,
વાલમના નભ માંથી તારા ખર્યા કરે છે.

તમારા પ્રેમ નું મારે શું કહેવું પ્રિયતમ?
અવિરત સ્નેહ નું ઝરણું ઝર્યા કરે છે.

પ્રશાંત સોમાણી

દુખના ગાભામાંથી શોધ્યુ સુખનુ ચીંદરડૂ

દુખના ગાભામાંથી શોધ્યુ સુખનુ ચીંદરડૂ
હતૂ નાનકુ લીરુ પણ મહેક્તુ હતુ ચીંદરડુ

ક્યારેક હતુ એ જાહોજહાલીમાં ઉછરેલુ
હતા સારાવાના ત્યારે પુજાતુ’તુ ચીંદરડુ

સુખદુખથી દુર જોજનો સુધી ફેંકાયેલુ
તાણાવાણામાં ગુંથાઇ ભટ્કેલુ’તુ ચીદરડુ

ગમોના વાયરાઓ થકી હતુ ફંટાયેલુ
રાખીને મલાજો જગતનો બેઠુ’તુ ચીંદરડુ

નાની જીંદગીમા અનેક હાથોમા ફરેલુ
ક્યાક્યા કેવા હાથોમાંચુંથાયેલુ’તુ ચીંદરડુ

ધુંરધરોના મનના મેલોથી અભડાયેલુ
ક્યાંક હશે કોઇને શરમ માનતુ’તુ ચીંદરડુ

હશે હવે આવુ જ નસીબમાં મંડાયેલુ
તકદીરની રમતને સ્વીકારતુ’તુ ચીંદરડુ

એના ક્ષ્વાસોની કીંમતની રાહે બેઠેલુ
દેશે કોઇ હિંમત ચાહ લઇ બેઠુ’તુ ચીંદરડુ

હેમલ દવે

હું હિમાલય જેવો અડગ છું

હું હિમાલય જેવો અડગ છું
એમ કઈ હું કોઈથી ડગું નહિ.
સુરજ ના કિરણો થી હું કદી
બરફ બની પીગળું નહિ.
સમય ની થપાટ ઉર પર લઇ
હું કદી રતીભાર પણ બટકું નહિ.
નદીયું છે મારા પર જ નિર્ભર
રડીને કદી એને છલકાવું નહિ.
ભડભાદર થઇ ને પડ્યો છું
અંતર ને કદી ગણકારું નહિ.
હું સફેદ ને દુધે મઢેલો
રંગો ને કદી પહેચાનું નહિ.
પવન માથા પછાડે કેટલા
તસુભાર પણ હું હલું નહિ.
હું છું પ્રકૃતિ નો આધાર
કોઈ ને નિરાધાર કરું નહિ.
કાવાદાવા જોયા નજરું સામે
માનવ કદી હું થાવ નહિ.
એકલો છું પણ અખૂટ છું
તાબે કોઈ ના થાવ નહિ.
સંત જેવો જીવ છે મારો
મોહતાજ કોઈ નો થાવ નહિ.
મહાદેવ નો વાસ છે જ્યાં
નહિ તો હું કદી નમું નહિ.
-કુશ

અળગી રહી કઈક સળગી રહી

અળગી રહી કઈક સળગી રહી
પણ ઝીંદગી મને વળગી રહી

સુકી ધરતી પર મહોરતી રહી
ઝીંદગી મારી ધીરી કોરતી રહી

સ્થિર હવા થોડી વિસ્તરતી રહી
ઝીંદગી મારી જરી પમરતી રહી

ખુશી જીવન માં ફરી ભળતી રહી
ઝીંદગી અશ્રુઓ ને સંઘરતી રહી

ઉગી ખરી અને આથમતી રહી
ઝીંદગી અવતાર રૂપે મળતી રહી
 

-કુશ

વિના મસાણે લીધી મેં આગ અંજલી

વિના મસાણે લીધી મેં આગ અંજલી
આજ મારી મને જ આપું શ્રદ્ધાંજલિ

દુખિયો ના દુખ હું કદી જોઈ ના શકું
રોઈ રોઈ આંખ થઇ છે મારી સૂજેલી

ઈચ્છું છતાં જરાપણ દુર ના કરી શકું
આ તો કેવી બની રહી છે જીદ્દી પહેલી

માણસ છું માણસની મદદ ના કરી શકું
પૂજાવા ખુદ પ્રભુએ બાજી કેવી છે રમેલી

વાંઝિયું વ્રુક્ષ ખુદને ફળદ્રુપ ના કરી શકું
જન્મજાત ડાળિયું મારી છે બધી કાપેલી
 

-કુશ

થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,

થોડા સફેદ વાળ પ્રિયે ! આજે તારા જોયા,
અફસોસ થયો એવો, કેટલા વર્ષો ખોયા !

થોડા વીખરાયા, થોડી જાતને સંભાળી,
લડતાં-ઝધડતાં આપણે કેટલાં સપના જોયા !

મુકામો કેટલાં ને વિસામા પણ કેટલાં?
નીતરતી આંખોએ કેટલા અવગુણ ધોયા !

ચાલ આજથી ક્ષણો બધી ભરી દઉં-
તારી સુગંધથી, કાળના લેખ કોણે જોયા?

ઉજ્જવલ ધોળકીયા

શ્રી દામોદરના ગુણલા ગાતા-નરસિંહ મહેતા

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ એ દુઃખિયો ના હોઈ રે ..
શ્રી દામોદરના ગુણલા ગાતા …

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ દુઃખિયો ના હોઈ રે
દામોદરના ગુણલા ગાતા …

સદા શામળિયો શરણે રાખે
સન્મુખ આવી જોઈ રે ..
દામોદરના ગુણલા ગાતા … (૨)

મૂરખ મૂંઢ હીંડે રખડતો … હો …જી ..
ના જાણે હરિ નો મર્મ રે .. (૨)

સ્મરણ કરતાં તરત જ આવે ..
સમરણ કરતાં તરત જ્ આવે
પરિ પૂરણ બ્રહ્મ રે ..
દામોદરના ગુલા ગાતા …

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ એ દુઃખિયો ના હોઈ રે ..
સદા શામળિયો શરણે રાખે ..

સદા શામળિયો શરણે રાખે
સન્મુખ આવી જોઈ રે
દામોદરના ગુણલા ગાતા …

છેલ્ છબીલો ને છોગાળો … જી.. જી . જી ..
નિત નિત તેને ભજીએ રે .. (૨)

મંડળિકનું એ માન ઉતાર્યું ..

મંડળિકનું તેણે માન ઉતાર્યું

કહો કેમ તેને તજીએ રે ..
દામોદરના ગુણલા ગાતા …

શ્રી દામોદરના ગુણલા ગાતા
નર કોઈ એ દુઃખિયો ના હોઈ રે ..

સદા શામળિયો શરણે રાખે
સન્મુખ આવી જોઈ રે
દામોદરના ગુણલા ગાતા …

સુખ દાતાની પૂરણ કૃપાથી
અવિચળ પદ હું પામ્યો રે .. (૨)

નરસૈયાનાસ્વામીને જોતાં
એ..જી .. ભવ બાહ્ય સઘળો ભામ્યો રે .. (૨)
દામોદરના ગુણલા ગાતા …

દામોદરના ગુણલા ગાતા
એ કોઈ દુઃખિયો ન જોયો રે
દામોદરના ગુણલા ગાતા … (૨)

દામોદરના ગુણલા ગાતા
નર કોઈ દુઃખિયો ન જોયો રે ..
દામોદરના ગુલા ગાતા …

દામોદરના ગુણલા ગાતા .. (૨)

યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો

યુગો પછી જોવા મળશે ચિર-પરિચિત ચહેરો

સંભાળજે ઓ દિલ મારા ! એ આવે છે.

ગંભીરતા તો એને લગીરેય ગમતી નથી

બની જા ઓ દિલ આવારા ! એ આવે છે.

ઝરણ બની ફૂટી નિકળશે સમય-શીલા પરથી

નદી, સંકોચી લે ધારા ! એ આવે છે.

પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો ?

ચિંતા ન કરો સિતારા ! એ આવે છે.

ક્ષણ માટે આવશે ક્ષણમાં ચાલી જશે

થંભી જાઓ પલકારા ! એ આવે છે.

પદરવ સાંભળતી વખતે ખલેલ ન જોઇએ કોઇ

બંધ થઇ જા ધબકારા ! એ આવે છે.

– વિશાલ મોણપરા

મરતા નથી હોતા બધા લોકો મોતથી,

મરતા નથી હોતા બધા લોકો મોતથી,
કોઈને જિંદગીનો માર લાગે છે.
અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.
લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,
નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.
ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,
તકદીરની તલવાર ધારદાર લાગે છે.
મુશ્કેલ બને છે જીવવું જ્યારે,
મોત સહેલું, જીવન પડકાર લાગે છે.
માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,
એને તો આવતાય કેટલી વાર લાગે છે.

– અજ્ઞાત

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?-દુલા ભાયા કાગ

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
-નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી

મુરારિ કહે છે મુખથી માજી…
તારે હુકમે ભણે છે હાજી હાજી…
બાપુ બધાનો તારો બેટો રે…
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક

ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણી… રે.માતાજી0 1

કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રે…માતાજી0 2

જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે …માતાજી0 3

બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે …માતાજી0 4

’કાગ’ તારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રે…માતાજી0 5

ભૃણ હત્યા-એષા દાદાવાળા

મા બોલ
હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?

તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
પહેલાં તો આપ્યો’તો આધાર,
તારામાં શ્વસતો એ જીવ હું છું,
એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?

તમારું પણ કેવુ પહેલાં તો
પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
પેટમાં દિકરો નથી એવી ખબર પડે
પછી ભગવાનને કહી દો, તમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?

છૂટાં પડતા રડવું આવે,
એવો આપણો ક્યાં હતો સંબંધ?
તારાં ય જીવતરની પડી ગઈ સાંજ
આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને?

-એષા દાદાવાળા

દીકરી નથી સાપ નો ભારો

દીકરી નથી સાપ નો ભારો
દીકરી તો છે તુલસી નો ક્યારો
દીકરી થકી અજવાળુ
દીકરી વિના સઘળુ કાળુ
દીકરી બાપ નુ ઊર
દીકરી આંખ નુ નૂર
દીકરી તાત નુ અરમાન
દીકરી માત નુ ઉડાન
દીકરી વિના બાપ પાંગળો
છતી વસ્તુએ સાવ આંધળો
ઉધરસ નો જરી ઠણકો આવે
દીકરી દોડી ને પાણી લાવે
મા-બાપ ને કશુક થાય
દીકરી નુ દીલ વલોવાઈ જાય
મા-દીકરી-બહેની
એના પ્રેમ માં ન આવે કમી
દીકરી પ્યાર નુ સમસ્ત શાસ્ત્ર
ત્યાગ સમર્પણ નુ અક્ષયપાત્ર
સ્વાર્થ નુ સગપણ એવુ , એ તો તડ પડે કે તૂટે
દીકરી તો સ્નેહ ની સરવાણી, એ તો નિત્ય નિરંતર ફૂટે
દીકરી નાં પગલે તો લાગે બધુ મનોહર
દીકરી વિના નુ ઘર, જાણે વાગ્યા વિનાનું ઝાંઝર
દીકરો તારે ને બુઢાપા માં પાળે, એ નાહક નો ભ્રમ
દીકરી જ ઠારે, આંસુ સારે ભવ તારે એ સૃષ્ટિ નો ક્રમ
દીકરી અવતરતા મોઢુ ફેરવે મા-બાપ
કયા ભવે છૂટશે કરી ને આવા પાપ
દીકરી ને શુ ભણવાનુ? એને તો ઘર માં રહેવાનુ
એ ખયાલ પુરાણા છોડો, દીકરી ને ના તરછોડો
દીકરી-દુહિતા ને ના દુભાવશો
વિધાતા ને વેરી કરશો
દીકરી જશે જે ઘરથી, ત્યાં ફરી વળશે અંધારુ
દીકરી વિનાનુ જાણે મીઠુ જળ પણ ખારુ
દીકરી જતા લાગશે સૂનુ
જગત આખુ ભાસશે જૂનુ
દીકરી જતા સાસરે
મા-બાપ ભગવાન નાં આશરે.
– અજ્ઞાત

પ્રભુજી તારા બાના ની પત્ રાખ -નરસિંહ મહેતા

પ્રભુજી તારા બાના ની પત્ રાખ ..(૨)

બાના ને માટે જો દુઃખ થશે તો .. (૨)
કોણ જપે તારા જાપ …

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા બાના ની પત્ રાખ ..

રોહિદાસની તમે રાબડી પીધી
નવ જોઈ નાત કે જાત ..

હે … નવ જોઈ નાત કે જાત ..

રોહિદાસની તમે રાબડી પીધી
નવ જોઈ નાત કે જાત .. (૨)

શાને માટે સન્મુખ રહી ને …

શાને માટે … સન્મુખ રહી ને ..
નાઈ કે’વાણા નાથ ..

નાઈ કે’વાણા નાથ ..

બાના ની પત્ રાખ
પ્રભુ તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે જો દુઃખ થશે તો
કોણ જપે તારા જાપ ..

બાના ની પત્ રાખ …

પ્રહલાદ ની તમે …. પ્રતિ પાલણા પાળીને
થંભ માં પૂર્યો વાસ ..

પ્રભુજીએ થંભ માં પૂર્યો વાસ …

સાચી કળા તમે શીતળ કીધી ..
સાચી કળા તમે …. શીતળ કીધી

સુધન વા ને કાજ .. (૨)

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે જો દુઃખ થશે તો
કોણ જપે તારા જાપ ..

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાનાની પત્ રાખ …

હે … પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા

પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા ને
રાખી સભામાં લાજ ..

હે .. રાખી સભામાં લાજ ..

શાયર માંથી બુડતો રાખ્યો … હે … જી …

શાયર માંથી …
શાયર માંથી, બુડતો રાખ્યો ..

રામ કહેતા ગજરાજ …

રામ કહેતા ગજરાજ …

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે દુઃખ થશે તો ..
બાના ને માટે ..

હે … દુઃખ થશે તો
કોણ જપશે તારા જાપ ..

બાના ની પત્ રાખ
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

ઝેર હતા તેના અમૃત કીધાં ને ..
આપ્યાં મીરાં ને હાથ ..

ઝેર હતા તેને અમૃત કીધાં ને
આપ્યાં મીરાં ને હાથ ..

મહેતાને માંડળીક મારવાને આવ્યો ..

મહેતાને માંડળીક …

મારવાને આવ્યો ત્યારે ..
કેદારો લાવ્યા મધરાત ..

બાના ની પત્ રાખ ..
પરભુજી તારા, બાનાની પત્ રાખ …

ભક્તો નાં તમે સંકટ હર્યા ત્યારે ..
દ્રઢ આવ્યો રે વિશ્વાસ ..

પ્રભુજી, દ્રઢ આવ્યો વિશ્વાસ ..

નરસિંહના સ્વામીને કહું કર જોડી
એ … જી .. પૂરો અંતરની આશ ..

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

મરતા નથી હોતા બધા લોકો મોતથી,

મરતા નથી હોતા બધા લોકો મોતથી,
કોઈને જિંદગીનો માર લાગે છે.

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.

લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,
નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.

ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,
તકદીરની તલવાર ધારદાર લાગે છે.

મુશ્કેલ બને છે જીવવું જ્યારે,
મોત સહેલું, જીવન પડકાર લાગે છે.

માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,
એને તો આવતા ય કેટલી વાર લાગે છે.

– અજ્ઞાત

સખી રે, મારી તું તો પતંગ ને હું દોર-રમેશ પટેલ (પ્રેમોર્મિ)

સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.
તારે તો જાવું પેલા, અંબરને આંજવાને
મારી રે સાથે જોડાજોડ
તું તો પતંગ રંગ ધેરો ગુલાબી ને
મારો રે રંગ છે અજોડ.
તારો રે ઘાટ મને મનગમતો મળીયો ને
તુંથી બંધાયો “હું” અજોડ.
તેં તો તારે માથે ફૂમતાં લટકાબવીયાંને
મારો એ “માંજો” અજોડ.
તું તો અનંત આભ ઊડતી ને ઊડતી
છોડે ના “સંગ” તું અજોડ.

મારા સપનાંનું સરનામું ન પૂછ, બતાવીશ નહીં;

મારા સપનાંનું સરનામું ન પૂછ, બતાવીશ નહીં;
તું ના કહે તો તારા સપનાંમાં ય આવીશ નહીં.

મને વીસરવાના તો તું પ્રયત્ન કરતી જ રહે છે;
કરતી રહે, હું એ ય જાણું, તું કદી ફાવીશ નહીં.

યાદ આવી જાય કદી હસતા હસતા તને મારી;
તારી મલાખી આંખોને આંસુથી સજાવીશ નહીં.

જખમો ય ગમવા લાગ્યા છે મને તેં આપ્યા તો;
રહેવા દે દૂઝતા એ, કોઈ મલમ લગાવીશ નહીં.

ભલે તેં ન લખ્યું નામ મારું તારા દિલની દીવાલે;
કોઈ ત્રાહિતનું નામ કદી તું ત્યાં લખાવીશ નહીં.

તું સમજી ગઈ મયંક ના હર શબ્દને ધરમૂળથી;
તું જે સમજી એ કોઈને કદી ય સમજાવીશ નહીં

-મયંક