દૂર સાગરમાં અવશ સરતા, સખી !

દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા, સખી !

આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !

હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !

જાગતી રાતે જગત ઊંઘે તદા –
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !

પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !

– રાજેન્દ્ર શુક્લ

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?

ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?

– રાજેન્દ્ર શુકલ

આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,

આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું.

માત્ર મૌન છે સરળ, ન શબ્દની અલંકૃતિ,
એ બધા ય એશમાંથી નીકળી ગયો છું હું.

સાન ભાન ઓગળી જે લેશ કૈં રહ્યું હતું,
લો, હવે એ લેશમાંથી નીકળી ગયો છું હું.

દૃષ્ટિ નિષ્પલક અને હો આંખ આ નિરંજના,
અંજનોની મેશમાંથી નીકળી ગયો છું હું.

વાદ્ય આ વિરાટતાલ વાજતું, ભલે બજે,
એ ઠમક, એ ઠેશમાંથી નીકળી ગયો છું હું.

– રાજેન્દ્ર શુક્લ

તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,

તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં !

ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં !

મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !

પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !

ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,
વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં !

– રાજેન્દ્ર શુક્લ

બધાંય જાણે, ગઝલ કહું છું,

બધાંય જાણે, ગઝલ કહું છું,
ગજા પ્રમાણે ગઝલ કહું છું!

કથા બધાંની પછી કહીશું,
હું તો અટાણે ગઝલ કહું છું!

નથી ખબર તો મનેય એની,
અલખ ઉખાણે ગઝલ કહું છું!

ભર્યા બજારે ન કૈજ લાધ્યું,
વગર હટાણે ગઝલ કહું છું!

સમય પ્રમાણે રહું છું સાવધ,
હું ક્યાં કટાણે ગઝલ કહું છું!

મૂડીના નામે બચું છે જે કૈં,
મૂકી અડાણે ગઝલ કહું છું!

ગુનો અમારો કબૂલ અમને,
લે જાવ થાણે ગઝલ કહું છું!

ભૂખ્યા દૂખ્યાના નથી ભડાકા,
ભરેલ ભાણે ગઝલ કહું છું!

ન કોઈ જાણે, ન હું ય જાણું,
કયા ગુંઠાણે ગઝલ કહું છું!

– રાજેન્દ્ર શુક્લ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!

કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું!           

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત શ્વસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

 – રાજેન્દ્ર શુકલ

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં !’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

– રાજેન્દ્ર શુકલ