વસંતના વ્હાલ…..

આ મ્હેંક્યા વસંતના વ્હાલ
કે સહિયર શું કરીએ
આ મ્હેંદી મૂકી હાથ
કે સહિયર શું કરીએ

આ નીકળ્યાં ઝરણાં તોડી પહાડ
ને વાગી વાંસલડી રે વાટ
કે સહિયર શું કરીએ

આ ફૂલે મઢ્યા ગાલ
કે સહિયર શું કરીએ
આ આભે ખીલ્યો ચાંદ
ને ફાગણ ખેલે ફાગ
કે સહિયર શું રમીએ

આ કોટે વળગ્યા વહાલ
કે સહિયર શું કરીએ
આ યૌવનનો ઉભરાટ
ને કોયલ બોલે ઊંચે ડાળ
કે સહિયર શું કરીએ

આ મ્હેંદી મૂકી હાથ
ને ખૂલ્યાં પ્રેમનાં દ્વાર
કે સહિયર સાથ રમીએ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

તારા વિના શ્યામ મને એકલડું લાગે,

image002

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

લોક્ગીત

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર જામનગર જાજો રે મારવાડા
તમે જામનગરથી લેરિયું લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની બંગડી લાવજો રે મારવાડા

તમે એક વાર ઘોઘા જાજો રે મારવાડા
તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની ડાબલી લાવજો રે મારવાડા

તમે એક વાર પાટણ જાજો રે મારવાડા
તમે પાટણથી પટોળા લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની કાંસકી લાવજો રે મારવાડા

તમે એક વાર ચિત્તળ જાજો રે મારવાડા
તમે ચિત્તળથી ચૂંદડી લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા

અજ્ઞાત

વા વાયા ને વાદળ ઊમટ્યા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે મળવા ન આવો શા માટે
તમે મળવા ન આવો શા માટે
ન આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓના ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

મેતા નરશીના સ્વામી શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદિરવર શામળિયા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

અજ્ઞાત

ખરાં છો તમે.

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

કૈલાસ પંડિત

રહું છું યાદમાં

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .
સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !
અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.

મરીઝ

ચક્રવાત

.તાજેતરમાં અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એટલન્ટા અને જેક્શનવીલની
આસપાસ ટોર્નેડોની ચેતવણી વેધર ચેનલો પર ધમધમી ઉઠી.અંધારપટ
વૃક્ષોનું ધરાસાયી અને ઉડતાં છાપરાનાં દૃશ્યો જાણે વિનાશની આંધી.
અમારા ધરની પાછળ,તળાવ કિનારે નવજાત બચ્ચાંને લઈને
કુદરતના કોપથી અજાણ માતા ફરી રહી હતી.
અમને સૌને દૂરદર્શન ઘરના સૌથી નીચેના ભાગમાં ઈમર્જીન્સી
કીટ સાથે આશ્રય લેવા માહિતી આપી રહ્યું હ્તું….શું થશે? પણ
વ્યથાનો સારો અંત એટલે ‘ચક્રવાત’

ચક્રવાત
કલમ ઉપાડી કવિ નીકળ્યા
બસ કુદરત ખોળે રમશું
નર્તન કરતી જોઈ વનરાજી
ટહૂંકે ટહૂંકે ભમશું
જળચર પંખી સરવર ર્તીરે,
ચણ દઈ બોલાવશું
રેશમ પીંછે સ્પર્શ કરીને,
બાળા પંખી રમાડશું
મસ્ત ઘટાઓ છાયી ગગને
હરખે કવિ મસ્તાના
વાહ! કુદરત તારી કરીશ્મા
પાવન તારા શરણા
ત્યાંતો ચેતવણીના સૂરો ગૂંજ્યા
ચક્રવાત ધાયે વિકરાળા
ઉડશે છાપરા અંધારા થાશે
ધમરોળશે વિનાશના ઓળા
ભાગ્યા કવિ સૌની આગળ
અંતરિયાળ થયા કલ્પન ખટોલા
સૌની સાથે છૂપાયા ખુણે
વિચારે કેમ જીવશે પંખી રુપાળા
શરમ મૂકીને સૌને ગજબ દોડાવે તું કિરતાર
કુદરત તાંડવ આગળ દીઠા સૌને રે લાચાર
કવિ કહે ઓ નિષ્ઠુર વિધાતા
આ બાળા પંખી શું જાણે
ચેતવણીથી અમે ખૂણે ભરાણા
દિધા પંખીને ઘર ,વૃક્ષ ટોચે શું અજાણે?
સુણી સંવેદના મારી જાગ્યો ભગવંત દૂર ગગને
તાંડવ લીલા સંકેલી હાલી નીકળ્યો સાગર વાટે
ખુમારીથી કવિએ કલમ ઉપાડી
ખુશ થયા ટોર્નેડોને ભગાડી
ધીરે ધીરે છાયાં ગગને મસ્ત ઘટાથી વાદળ
બાળા પંખી નાનાં બે ઘૂમતાં કેવાં માની પાછળ

રમેશ પટેલ(આકાશદીપ)

ઊંચી તલાવડીની કોર

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજર્યું ઢાળી હાલું તો ય લાગી નજર્યું કોની
વગડે ગાજે મુરલીના શોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ભિંજે ભિંજે જાય મારા સાળુડાની કોર
આંખ મદિલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર
છાનો મારે આ સુનો દોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

અજ્ઞાત

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ધીમી ધીમી પગલી તારી ધીમી કૈંક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

વેણીભાઇ પુરોહિત

ઊંચી મેડી તે મારા સંતની રે,

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

આ વગડાનો છોડ

આ વગડાનો છોડ
ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,હરખે અંતર અપાર
પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને, થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને, કેવો હું વધાવું

જોડાયા તારને થયો ઝણઝણાટ ,અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,કેમકરી ખીલવ્યાં ફૂલો?

ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે, બહું થંડી બહું તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,આ ફૂલડાં આવ્યાં પાસ

બોલ હવે મોટો તું છે કે આ વગડાનો છોડ?
ને હાથ જોડી હું શરમાયો, સુણી પ્રભુનો તોડ

જય જવાન જય કિસાનને આજ વંદતો દાસ
મહેંકાવી જીવનચર્યાથી જઈશ પ્રભુની પાસ

દિધી દાતાએ શક્તિ તનમને, ઉપકારી બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ સુગંધ ,થાશું પ્રભુ ચરણે યશભાગી

રમેશ પટેલ(આકાશદીપ)

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે

છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે

ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે
શુ તાસીર છે આ ભુમી ની હજી રાજા
જનક જેવા હ્ળ હાકે તો સીતા નીકળે

-કવિ દાદ

રહેશે અમને મારી મુસીબતની દશા યાદ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ

સાત સમન્દર તરવા ચાલી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

ઝંઝા બોલી ખમ્મા ખમ્મા
હિમ્મત બોલી અલ્લાબેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

એવા પણ છે પ્રેમી અધૂરા
વાતોમાં જે શૂરા પૂરા
શીર દેવામાં આનાકાની
દિલ દેવાની તાલાવેલી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

કોનો સાથ જીવનમાં સારો
શૂન્ય તમે પોતે જ વિચારો
મહેનત પાછળ બબ્બે બાહુ
કિસ્મત પાછળ માત્ર હથેળી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

આપખુદીનું શાસન ડોલ્યું
પાખંડીનું આસન ડોલ્યું
હાશ કહી હરખાયો ઈશ્વર
‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી

સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

ઝંઝા બોલી ખમ્મા ખમ્મા
હિમ્મત બોલી અલ્લાબેલી
સાત સમન્દર તરવા ચાલી
જ્યારે કોઈ નાવ અકેલી

‘શૂન્ય’ પાલનપુરી

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

બરકત વિરાણી ‘બેફામ’

ગુજરાતી છોગાળા

ગુજરાતી છોગાળા
અમે તમારા તમે અમારા
વિશ્વે રમીએ થઈ રુપાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
દીધું દાતાએ ભરી તિજોરી
હરખે કરીએ મહેમાન નવાજી
વહે દાન પૂણ્યની ધારા
છીએ અમે ભાઈ ગુજરાર્તી છોગાળા
રાષ્ટ્ર પ્રેમથી ધરણી છલકે
વલ્લભ ગાંધી વદતાં મલકે
સિંહની ધરણીના અમે લાલા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
પૂણ્ય ભુમિ સુખ દુખના સંગાથી

સપ્ત સમંદર સવારી અમારી

આયખે સાહસના સથવારા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
ધરતી મેઘના મિલન મધુરાં
એવા સ્નેહના બંધન અમારા
ફતેહના ડંકા સદાએ દેતા
જન્મ ભૂમિના રતન રુપાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

રમેશ પટેલ(આકાશદીપ)

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

– અરદેશર ફરામજી ખબરદાર

દિવસો જુદાઈના જાય છે

દિવસો જુદાઈના જાય છે
એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે
મુજ શત્રુઓ જ સ્વજન સુધી

ન ધરા સુધી ન ગગન સુધી
નહિ ઉન્નતિ ન પતન સુધી
ફકત આપણે તો જવું હતું
હર એક મેકના મન સુધી

તમે રાંકના છો રતન સમા
ન મળો હે આંસુઓ ધૂળમાં
જો અરજ કબૂલ હો આટલી
તો હ્રદયથી જાઓ નયન સુધી

તમે રાજરાણીના ચીર સમ
અમે રંક નારની ચુંદડી
તમે તન પર રહો ઘડી બેઘડી
અમે સાથ દઈએ કફન સુધી

જો હ્રદયની આગ વધી ‘ગની’
તો ખૂદ ઈશ્વરે જ કૃપા કરી
કોઈ શ્વાસ જ બંધ કરી ગયું
કે પવન ન જાય અગન સુધી

‘ગની’ દહીંવાલા

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

નરસિંહ મહેતા

સજા…

ત્યાં જઇ ને તમને ભ્રૂલી જવાની મજા,
આપો છો શાને આટલી મોટી સજા.

કર્યો હતો એક પ્રયત્ન, તમને પામવાનો,
મળ્યાં પણ મૃગજળ બની, આ તે કેવી સજા.

શોધી ને થાકયો સ્નેહ વનમાં,કસ્તુરી મૃગ બની,
સૂગંધ બનીને સંતાયા નાભી માં,આ તે કેવી સજા.

ધાયુર્ં હતું કે આપીશ હૃદય, તો મળશે હૃદય,
પણ, મળ્યું એક પાષાણ વન, આ તે કેવી સજા.

એક મોટો ખાલીપો સાથે લઇ ને જીવું છું,
આવ્યાં, તો શુન્યાવકાશ બની, આ તે કેવી સજા.

ચૈતન્ય મારૂ

ગેરહાજરી

તમારી ગેરહાજરી માં તમારી હાજરી ની નોંધ લેવાય છે,
તમે નથી, તો પણ,હવે, તમારા નામ ના ગીતો ગવાય છે.

હાજર હો અને તમારો ઉલ્લેખ થાય, એ  સ્વાભાવિક છે,
અહીં તો, તમારી ગેરહાજરી વિષે કવિતા ઓ લખાય છે.

હાજર હો તો, તમે પણ “ઘણા બધા” માં ગણાઇ જાવ,
ગેરહાજરી ને કારણે,હવે, તમારી કિંમત સમજાય છે.

તમે હાજર હો તો, ઘણી વાર યાદ પણ ના આવો,
ગેરહાજરી ને કારણે,૧૦૮ મણકાઓ બની જવાય છે.

ચૈતન્ય મારુ

મારી મુંઝવણો……

મારી મુંઝવણો……

થયું, લાવ,થોડું પાછળ જોઇ લઉં,
અવકાશ હોય, તો,ક્ષણોને મુલવી લઉં.

ઘણી વાર એમ થાય છે કે,શું ઉણપ છે
અળગો અળગો કેમ લાગું છું લોકોથી
આવડતું નથી મને ચહેરો પહેરતાંકે,
પારદર્શક બનવાથી દેખાતો નથી

મને પણ ઉ ત્સાહ એટલો જ હોય,
કદાચ લોકોને બીજાનો વધારે લાગતો હશે,
કે, દેખાડો નથી કરી શકતો એટલે

મને સીન્થેટિક બનતાં નથી આવડતું,
કદાચ,માતા-પિતા હશે જવાબદાર એને માટે,
હોય એવા દેખાવું,એવું હમેશાં કહેતા બન્ને,
પણ,આ જમાનામાં, કોટન કોણ પહેરે છે

હા,ગુસ્સો છે મારી મોટી નબળાઇ,
પણ,
ખોટી ખુશામત કરવા અસમર્થ છું.

હાં…….હવે મળ્યું કારણ, મારી મુંઝવણનું,
મારી પાસે મુખવટાઓ નો સ્ટોક જ નથી !!!!

-ચૈતન્ય મારુ

ધણી ખમ્મા, ધણી ખમ્મા, ધણી રે ખમ્મા

ધણી ખમ્મા, ધણી ખમ્મા, ધણી રે ખમ્મા
મારા શ્રીજી બાવાને ધણી ખમ્મા …

નંદ નો દુલારો કાન્હો
જશોદા નો લાલો

વ્રજ નો વ્રજેશ કાન્હો
મેવાડનો રાણો

મેવાડના રાય ને ઝાંઝી રે ખમ્મા..

ખમ્મા વ્રજધામ ને, ગોકુળીયા ધામને
નંદગામ બરસાના ગોપાળપુર ગામને

ગાયોના ગોવાળને ઝાંઝી રે ખમ્મા…

રંગે રુપે શ્યામ છે, મુરલીધર નામ છે
મુરલીના સુર મા સુંદર રાધાજી નુ નામ છે

હે મુરલીધર શ્યામ ને ધણી રે ખમ્મા..
-unknown

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરુપ

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરુપ
શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના ભૂપ

કેસરી તિલક સોહામણાં નાસિકા વિશ્વાધાર
ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર

હડપચીએ હીરલો ઝગમગે એના તેજ તણો નહીં પાર
અધર બીંબ એ રસિક છે ઝળકે છે જ્યોત પ્રકાશ

બાંહે બાજુબંધ બેરખા હરિના ખિટકીયાળા કેશ
નીરખ્યાં ને વળી નીરખીશું એનો પાર ન પામે શેષ

ડાબી બાજુએ ગિરિવર ધર્યો જેમણે કટિ મધ્યમ ભાગ
કૃપા કરો શ્રીનાથજી મારાં હૈયાં ટાઢાં થાય

પાયે ઘૂઘરી રણઝણે મોજડીએ મોતીનો હાર
કૃપા કરો શ્રીનાથજી બલિહારી માધવદાસ

માધવદાસ કહે હરિ મારું માંગ્યું આપો મહારાજ
લળી લળીને કરું વિનંતિ મુને દેજો વ્રજમાં વાસ
-unknown

કહોને એમને……

 કહોને એમને……

                   કહોને એમને, સનમ બની ને આવે,
                   આંખો છે કોરી ભઠ્ઠ,આંસુ બની ને આવે.

                   શરદ ગઈ હવે,હ્રદય બાગ છે ઉજ્જડ,
                   કહોને એમને, વસંત બની ને આવે.

                   હ્રદય ભરાઈ ગયું છે છલોછલ……
                   કહોને એમને,ડુસકું બની ને આવે.

                   નયનો હવે મીંચાય છે જ્યારે……
                   કહોને એમને,છેલ્લો શ્વાસ બની ને આવે…

                          ચૈતન્ય મારુ…

મને એવી રીતે કઝા યાદ આવી,

ને એવી રીતે કઝા યાદ આવી,

કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,

હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,

શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,

મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,

મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,

બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે

-મરીઝ

આ અંજામ છે

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– મરીઝ

પાંખી પરિસ્થિતિ

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.

અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.

કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.

ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.

પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.

‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.

– ગની દહીંવાલા

ગઝલ બઝલ

અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો,
પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ?

કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ,
અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો.

માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી,
ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો.

ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ,
ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો.

સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં,
ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો.

ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો,
વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો.

શ્વાસબાસમાં વાસ ભૂંજાતા માંસની આવે,
સમયબમયનો ખાધોબાધો ફટકોબટકો.

-ભગવતીકુમાર શર્મા

પ્રેમ અમારે કરવો

પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.

તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું,

અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી
સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,

પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી

– સુરેશ દલાલ

કમાણી

ભોજો ભરવાડ રોજેરોજ છેતરાય,

કિયે : હાલ્યા કરે, હોય;

દલો શેઠ રોજેરોજ બમણું કમાય,

અને કરે હાયવોય.

રાત પડ્યે ભોજો કાં તો ભજન ઉપાડે,

કાં તો ગણ્યા કરે તારા;

ઝીણી વાટે દલો કાં તો ચોપડો ઉઘાડે,

કાં તો ગોખ્યા કરે ધારા.

એક દી ઉલાડિયો કરીને આયખાનો,

સુખે હાલ્યો ગયો ભોજો;

દલા શેઠ માથે પડ્યો એક દી નફાનો

જાણે મણ મણ બોજો.

– મકરંદ દવે

ગુલાબ માંગે છે.

દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.

હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.

આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.

શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.

મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.

યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
__આદિલ મન્સૂરી

પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
– આદિલ મન્સૂરી

%d bloggers like this: