કોઇ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી,

કોઇ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી,
સુતો’તો ચેનથી નિશ્ચિંત પથ્થરની પથારીમાં,

મજાનું એક સપનું એના અંતર-ઓરડામાં જઈ,
વિહરતું’તું પ્રવેશીને નયનની બંધ બારીમાં.

મજાનું સ્વપ્ન એ, એ માનવીની આંખમાં ઉઘડ્યું,
સુશોભિત, ભવ્ય સુંદર ને મનોહર એક મહાલય થઈ;

મહાલયના બગીચાનાં મહકતાં ફૂલની વચ્ચે,
એ ફરતો’તો બધીયે મુશ્કિલોથી સાવ નિર્ભય થઈ.

મહાલયનો હતો પોતે જ માલિક, એટલા ભાને-
સમજતો’તો કે ધરતી પર મળ્યું છે નાનું રાજ એને;

એ જોતો’તો કે આવી જોઈ પોતાની શ્રીમંતાઈ,
સલામી આપવાને આવતો આખો સમાજ એને.

મગર ત્યાં તો અમાસી રાતના જલતા દીવા જેવા,
સિતારાને ઉષાની ઓઢણીની ફૂંક લાગી ગઈ;

ભટકતા કોઈ એકલ ને નિરાશ્રિત માનવી જેવો,
સળગતો સૂર્ય જાગ્યો સ્વપ્નશીલ આંખોય જાગી ગઈ.

અને એ મુફલિસે જોયું-હતી ફૂટપાથ એની એ,
થયું એને જગતમાં સત્ય છે એક જ જીવન મારૂં;

અને આ મહેલવાળાં માનવી જેને જીવન સમજી,
વીતાવે છે સદાયે, એ તો છે ખાલી સ્વપન મારૂં.

– બરકત વિરાણી ‘બેફામ’