જીવન હો તો હો એવું !

બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! .

અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું!

પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી રે’વું …

( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ ‘પ્રસાદ’ માંથી)