આંખ મીંચી અને વાત વ્હેતી થઇ,-અંકિત ત્રિવેદી

આંખ મીંચી અને વાત વ્હેતી થઇ,
ગૂંગળાતી હવા શ્વાસ લેતી થઇ.

ખૂબ શોધ્યું છતાં ના કશું નીકળ્યું,
આપણાંમાં જીવ્યું કોણ રેતી થઇ ?

જાવ ઈચ્છા વિશે બોલવું કૈં નથી,
અંત આવ્યા પછી દાદ દેતી થઇ.

બાથ ભીડી અને સામે ઊભું સ્મરણ ,
મોતની ભરબજારે ફજેતી થઇ.

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

-અંકિત ત્રિવેદી

સૂની પડેલી સાંજને આવી સજાવ તું

સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું

જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું

હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું

પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

અંકિત ત્રિવેદી

એ નથી હોતા કોઈ આકારમાં,

એ નથી હોતા કોઈ આકારમાં,
હોય છે તો હોય છે અણસારમાં.

કાલ માટે થોડું બાકી રાખજો,
ના વિચારો આટલું અત્યારમાં.

વાત અંદરની તો જાણે છે બધા,
તોય રહેવાનું ગમે છે ભારમાં.

એકલો ઊગે નહીં તો શું કરે?
આ સુરજને કંઈ નથી ઘરબારમાં.

કાયમી વસવાટ છે મારું સ્મરણ,
લો, પધારો આપના દરબારમાં.

અંકિત ત્રિવેદી

કશું જાહેર કરવાનો વખત ક્યાં છે?

કશું જાહેર કરવાનો વખત ક્યાં છે?
હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે?

મને હારી જવાનો ડર નથી તોય -,
ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે?

તમારી આંખમાં ખોયું હતું મેં જે -,
મને પાછી જરૂરત એ જગત ક્યાં છે?

ખરેખર તો શરૂ તૂટયા પછી થાશે,
અરે!સંબંધ છે આ તો શરત ક્યાં છે?

-અંકિત ત્રિવેદી

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ

હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો

દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ

મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય

અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.

– અંકિત ત્રિવેદી

સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે,

સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે,
ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે.

કૈં એમ તારાથી રહ્યો છું હું નજીક ખુદા,
જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે.

ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને,
અંદર છે એવું કોણ જે કડિયો, મજુર છે.

દરિયાનાં મોજાં એમ કદી ઉછળે નહીં,
ભરતી, નદીના જીવનું ધસમસતું પૂર છે.

લોકો નશાનું નામ એને આપતા રહ્યા,
તમને મળી લીધાનું જ આંખોમાં નૂર છે.

– અંકિત ત્રિવેદી

ખાસ લાગ્યું એ તને કહેવું હતું.

ખાસ લાગ્યું એ તને કહેવું હતું.

ભીની છત ને કોરું કટ નેવું હતું.

ઊડવા માટે જ જે બેઠું હતું,

આપણો સંબંધ પારેવું હતું.

જિંદગી આખી ચૂકવવાનું થશે,

શ્વાસનું માથા પર દેવું હતું.

કાનમાં ફૂલોના ભમરો જે કહે;

તથ્ય મારી વાતનું એવું હતું.

એ જ વાતે સ્વપ્ન મૂંઝાતું રહ્યું,

આંખથી છટકી જવા જેવું હતું.

-અંકિત ત્રિવેદી

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે,

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે,
સાથે ગઝલ લખ્યાની મજા ઓર હોય છે !

સુક્કાં થયેલાં ફૂલ કહે રંગ ક્યાં ગયા ?
સાચ્ચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે.

કાં તો તૂટી જશે ને નહીંતર ખૂટી જશે,
યાદો જૂનીપુરાણી ને કમજોર હોય છે.

દિવસની જેમ રાત પડે આંખમાં ઊગે,
સપનું દઝાડવાનો નવો પ્હોર હોય છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

– અંકિત ત્રિવેદી

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

– અંકિત ત્રિવેદી

હું ગરવો ગુજરાતી

માતૃભૂમિ પર પ્રેમભાવના જાગે,
રોમ રોમમાં એ જ ભાવના જાગે.

ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

ગાંધીની અહિંસા જેના કણકણમાં,
નરસૈંયાનો કેદારો રજકણમાં;
સરદાર સમી ખુમારી હર નરમાં,
પહોંચી ચંદા પર નારી પલભરમાં…

હૈયામાં જેના મેઘાણી, ઉદ્યમથી ઉજળા અંબાણી,
નર્મદની ગૂંજે સૂરવાણી, વિક્રમની વિજ્ઞાની વાણી…

ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

હું વિશ્વપ્રવાસી ગરવો ગુજરાતી,
હું પ્રેમીલો ને સાચો ગુજરાતી;
હું દૂર વતનથી તોયે વતનની પ્યાસ,
ગુજરાતીને ગુજરાતી પર વિશ્વાસ…

મીઠું બોલી જગ જીતનારો, જેને રાસ ને રમઝટ શણગારો,
મહેમાનો માટે મરનારો, ગુજરાતીના આ સંસ્કારો…

ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…
શબ્દો: અંકિત ત્રિવેદી, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ

Gujarati_Mix_Final_10_08_08MP3.mp3