પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું,

પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું,
અજનબી અંદાઝ મારો તરબતર રાખું છું હું.

ઓળખાણોનાં વિનિમયની ઉંમર લંબાય છે,
ને નવોદિત સખ્શ નાં જેવી અસર રાખું છું હું.

જ્યારથી ખારાશ માફક આવતી ગઈ છે મને,
ત્યારથી સાગર કિનારે એક ઘર રાખું છું હું.

વાસ્તવિક્તાનો જ વિશ્વાસુ બનું એવો નથી,
સ્વપ્નનાં વિષયો વિષે પાકી ખબર રાખું છું હું.

પાડશો પગલા નહીં મિત્રો મધુશાળા તરફ,
દર ગઝલ માં કેફનાં તત્વો પ્રખર રાખું છું હું.

ચિન્મય શાસ્ત્રી “વિપ્લવ”

આપની ખુશ્બુ ભળે જ્યારે પવનમાં,

આપની ખુશ્બુ ભળે જ્યારે પવનમાં,
ફેરફારો થઇ પડે ત્યારે શ્વસનમાં.

શબ્દ ને વાક્યો વગરની મેહ્ફીલોમાં,
ગુઢ સાંકેતીકરણ હોતું નયનમાં.

મન પ્રવાહી થઇ ઢળી જાશે કદીક તો?
કાળજી રાખી નથી દિલના જતનમાં.

ભેજ કાગળને નરમ કરતો રહે છે,
એટલે લખતો થયો છું હું અગનમાં.

લાગણીનાં “વિપ્લાવો”નું સત્ય છે આ,
કે ગઝલ માં પ્રાણ આવે છે પતનમાં.

-ચિન્મય શાસ્ત્રી “વિપ્લવ”