રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

 – શોભિત દેસાઇ

શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,

શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,
મૌન જ્યારે તારાથી સહેવાય ત્યારે આવજે.

છે તું હમણાં વ્યસ્ત તારી જાતના શ્રૂંગારમાં,
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે.

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશીશ જરૂર,
પણ એ કોશીશમાં નયન છલકાય ત્યારે આવજે.

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ,
કાળ સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.

તું નહીં આવી શકે તારા અહમ ને છોડીને,
મારો ખાલીપો તને વરતાય ત્યારે આવજે.

શોભિત દેસાઈ

શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,-શોભિત દેસાઈ

શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે

હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

ભડભાંખળું પુરબમાં ઢોળે લગાર તડકો,

ભડભાંખળું પુરબમાં ઢોળે લગાર તડકો,
મોંસૂઝણું ઝીલી લે ત્યાં પારાવાર તડકો.

ગઈ સાંજથી સતત એ માળા જપ્યા કરે છે,
સુરજમુખીનાં હોઠે એક જ પુકાર-તડકો.

પથરાતું એ…ય ચાલ્યું સર્વત્ર સોનું સોનું
રજકણથી ઘર ભરેલું ઘરની બહાર તડકો.

પ્રિયતમને પામવાની આ કેવી ઘેલી લગની!
જીવન સમર્પી અંતે જીવતાં તુષાર તડકો

બન્ને મળીને પુરે છે લાલિમા તારા ચહેરે
આ પોષની બપોરો,આ ઠંડો ગાર તડકો

પર્વતની ટોચ પરથી તાક્યા કરું ક્ષિતિજને
તડકો બધે છવાયો તડકો અપાર તડકો

બાનીમાં કાલી વીનવું ગોરંભાયેલા નભને
‘સુરજ ને છોડી દો ને! આપોને યાર તડકો!’

શોભિત દેસાઈ

શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,

શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,
મૌન જ્યારે તારાથી સહેવાય ત્યારે આવજે.

છે તું હમણાં વ્યસ્ત તારી જાતના શ્રૂંગારમાં,
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે.

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશીશ જરૂર,
પણ એ કોશીશમાં નયન છલકાય ત્યારે આવજે.

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ,
કાળ સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.

તું નહીં આવી શકે તારા અહમ ને છોડીને,
મારો ખાલીપો તને વરતાય ત્યારે આવજે.

શોભિત દેસાઈ

કોણ મારા હોવાનો ભ્રમ દે મને ? હું કોણ છું ?

કોણ મારા હોવાનો ભ્રમ દે મને ? હું કોણ છું ?
કોણ મારા બદલે જીવે છે મને ? હું કોણ છું ?

કેમ હળવો થઇ રહ્યો છે મારા આ દુ:ખનો સમય ?
કોણ મનગમતાં દરદ આપે મને ? હું કોણ છું ?

જે ક્ષણે જનમ્યો છુ એ ક્ષણથી લઇ આ ક્ષણ સુધી
આભમાંથી કોણ બોલાવે મને ? હું કોણ છું ?

કાળ માયાવી, હું વારસ અંધનો, સ્થળ જળ બને ;
ઘાસ, થઇને લીલ, કયાં ખેંચે મને ? હું કોણ છું ?

આ બધા પ્રશ્નોના ઉત્તર એને માટે છે સહજ,
એ તો કૈં સદીઓથી જાણે છે મને હું કોણ છું ?

– શોભિત દેસાઇ