લઉં છું વિદાય દોસ્તો ! છેલ્લા સલામ છે,-હિમલ પંડ્યા

લઉં છું વિદાય દોસ્તો ! છેલ્લા સલામ છે,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે;

ઓગળવા જઈ રહ્યો છે પત્થરનો દેહ આ,
સરકી રહેલા શ્વાસની છોડી લગામ છે;

એણે ધર્યો’તો વિષનો પ્યાલો ય એ રીતે,
મહેફિલમાં સૌને એમ કે છલકાતો જામ છે;

પૂછો ના દિલને કોણ દુભાવે છે હરઘડી,
અંગત ગણી શકાય બધા એવા નામ છે;

ઓળખ ખરી મળી છે આ દુનિયા તણી હવે,
ખંજર ધર્યા છે હાથ, ને હોઠોમાં રામ છે;

લાગે છે એટલે આ ગઝલ તીર્થસ્થાન પણ;
છે શબ્દ જ્યાં, અમારે મન ત્યાં ચારધામ છે.

જખ્મને લીલા સદાયે રાખજો,-હિમલ પંડ્યા

જખ્મને લીલા સદાયે રાખજો,
દર્દની ભાષા તમે પણ વાંચજો;

જિંદગી ઘેરાઈ છે અંધારમાં,
સ્નેહકેરા દીપથી અજવાળજો;

દોસ્ત છે, ક્યારેક દિલ દુ:ભાવશે!
દુશ્મનો સાથે ઘરોબો રાખજો;

સ્મિત આપો તો સમર્પણ માગશે,
રીત છે દુનિયા તણી, સ્વીકારજો;

છે અનોખા આ જગતના ધોરણો;
જીવવું પડશે છતાં, સંભાળજો.

શ્વાસથી ક્યારેક છુટકારો મળે,-હિમલ પંડ્યા

શ્વાસથી ક્યારેક છુટકારો મળે,
આ પીડાનો કોઈ તો આરો મળે;

પ્રેમના અમૃતની હો આશ ને-
એ જ દરિયો આંસુનો ખારો મળે;

આજ હૈયું ઠાલવી દઈએ અમે,
આદમી એકાદ જો સારો મળે!

સ્નેહના પાણી ઊલેચી જોઈ લો!
શક્ય છે કે સ્વાર્થનો ગારો મળે;

દિલ મહીં જેની છુપાવી છે છબી,
આંખમાં એનો જ વરતારો મળે;

હા, ખુશીથી જિંદગી જીવી શકું!
સાથ જો મુજને સતત તારો મળે.

હકીકતમાં જીવન સબડયા કરે છે,-હિમલ પંડ્યા

હકીકતમાં જીવન સબડયા કરે છે,
અને તો ય શમણાઓ ઘડ્યા કરે છે;

ન મળતું કશું યે અહી માંગવાથી,
નથી શોધતા એ જ જડ્યા કરે છે;

નથી કાઈ મારું-તમારું છતાં યે,
ઇચ્છા તણું કૈક નડ્યા કરે છે;

બધા અશ્વ હાંફી ગયા લાગણીના,
છતાં પ્રેમ-ગાડું ગબડ્યા કરે છે!

હશે ભીતરે નક્કી ગામનો ખજાનો,
જુઓ, આંખથી મોતી દડ્યા કરે છે;

કહ્યો કોઈએ જ્યારથી સારો શાયર;
ગઝલ પર ગઝલ એ ઢસડયા કરે છે.

દિલ હવે દર્દને વરેલું છે,-હિમલ પંડ્યા

દિલ હવે દર્દને વરેલું છે,
શું કરું? કોઈ સાંભરેલું છે;

જર્જરિત છે મકાન આખું યે,
યાદનું પોપડું ખરેલું છે;

એક ઉમ્મીદનું તણખલું પણ,
હાથથી આખરે સરેલું છે;

કોણ પામી શક્યું છે ઈશ્વરને?
એનું હોવું ય છળ ભરેલું છે;

એમનો પ્રેમ પામવા હૈયું,
કેટલીવાર કરગરેલું છે;

મોત શું લઇ જશે? અમે જીવન-
એમના નામ પર કરેલું છે.

તું છોડ હકીકત બધી, શમણાની વાત કર,-હિમલ પંડ્યા

તું છોડ હકીકત બધી, શમણાની વાત કર,
પૂર્વાનુમાન, કલ્પના, ભ્રમણાની વાત કર;

વીતી ગઈ જે રાત એ વીતી ગઈ હવે,
અત્યારની ને આજની, હમણાની વાત કર;

તારી તરસ ને ઝંખના સમજી જશે બધા,
મૃગજળને દેખી દોડતા હરણાની વાત કર;

ખંજર બન્યા એ પીઠનું એમાં નવાઈ શી?
ચ્હેરા હતાં જ કેટલાં નમણાં! – ની વાત કર;

ડૂબી ગયાની દોસ્ત, એ ચર્ચામહીં ન પડ!
ઓથે રહ્યો’તો જેની એ તરણાની વાત કર.

દરદ ઘેરું થયું છે, આજ થોડું રોઈ લેવા દો,-હિમલ પંડ્યા

દરદ ઘેરું થયું છે, આજ થોડું રોઈ લેવા દો,
હૃદય ભારે ઘણું છે, આજ થોડું રોઈ લેવા દો ;

નજરમાં કે વિચારોમાં, સમજમાં કે સવાલોમાં,
બધે ખાલીપણું છે, આજ થોડું રોઈ લેવા દો;

અમસ્તી લાગણીના કેફમાં સઘળું ગુમાવ્યું છે,
હવે સંભાળવું છે, આજ થોડું રોઈ લેવા દો;

નથી જાતે કદી દોરી શકાતી હસ્તરેખાઓ,
મુકદ્દરનું મળ્યું છે, આજ થોડું રોઈ લેવા દો;

ધરી બે ફૂલ, જોડી હાથ, એને અંજલિ આપો!
વફાનું બેસણું છે, આજ થોડું રોઈ લેવા દો.

હાથમાંથી લગામ છોડી છે,-હિમલ પંડ્યા

હાથમાંથી લગામ છોડી છે,
ઝંખના વાયુવેગે દોડી છે;

રોજ મારામાં કૈક ખોડાતું!
આ ક્ષણો જાણે કે હથોડી છે;

છેક મઝધારે જાણ થઇ એની,
તળિયેથી તૂટેલ હોડી છે;

જે સતત આપતા’તા સધિયારો,
એમની પણ દશા કફોડી છે!

અર્થ મારા કથનનો આ ન્હોતો,
વાતને એમણે મરોડી છે;

જિંદગીભરનો એ સહારો છે;
આ ગઝલ મારી કાંખ-ઘોડી છે.

કણેકણમાં પ્રસરતી ચેતનાની વાત કરવી છે,-હિમલ પંડ્યા

કણેકણમાં પ્રસરતી ચેતનાની વાત કરવી છે,
નસેનસમાં વિહરતી વેદનાની વાત કરવી છે;

પળેપળ રાહમાં તારી અમે આંખો બિછાવી છે,
તને મળવા તરસતી ઝંખનાની વાત કરવી છે;

મળી છે ઠોકરો સઘળી દિશાએથી સદા મુજને,
કોઈ જો સાંભળે, અવહેલનાની વાત કરવી છે;

જમાનાના રિવાજો, બંધનો, મજબૂરીઓ વચ્ચે,
હ્રદયની લાગણી, સંવેદનાની વાત કરવી છે;

પડ્યાં છે કેટલા શમણાં હજુ યે આંખની અંદર,
હકીકત છોડ, આજે કલ્પનાની વાત કરવી છે;

ઘણું યે પામવાનું જીંદગીમાં ‘પાર્થ’ બાકી છે,
અધુરી છે બધી એ ખેવનાની વાત કરવી છે.

શોધવાથી ના જડે એ ચીજ છું,-હિમલ પંડ્યા

શોધવાથી ના જડે એ ચીજ છું,
માંગવાથી ના મળે એ ચીજ છું;

કો’ક દિ, ક્યારેક કોઈ હાથમાં,
સાવ ઓચિંતી પડે એ ચીજ છું;

લાગણી ને પ્રેમનો સેતુ થઇ,
જે બધાને સાંકળે એ ચીજ છું,

દામ મારા માત્ર મીઠા વેણ છે,
હું બધાને પરવડે એ ચીજ છું;

દૂર મુજને રાખવા છો ને મથો!
હું ફરી આવી ચડે એ ચીજ છું;

‘પાર્થ’ જે જીતી શકે આ જગતને,
શબ્દના શસ્ત્રો વડે એ ચીજ છું.

હવે આ વ્યથાઓ ટળે તો ય શું?-હિમલ પંડ્યા

હવે આ વ્યથાઓ ટળે તો ય શું?
ખુશી બે ઘડીની મળે તો ય શું?

ગયું નૂર આંખોનું સાવ જ પછી,
હજારો દીવા ઝળહળે તો ય શું?

અમારી જ શ્રદ્ધા ગઈ થાકી-હારી,
દુઆઓ તમારી ફળે તો ય શું?

જુઓ, દેહ પત્થર સમો થઇ ઊભો છે!
કશું ભીતરે સળવળે તો ય શું?

અમારે જે કહેવું હતું – કહી દીધું છે,
ન એ વાતને સાંભળે તો ય શું?

ચલો અંત પામી સફર આ ગઝલની;
નવા કાફિયાઓ ભળે તો ય શું?

તું જાણે છે બધા દુઃખની દવા છે આ કવિતામાં,

તું જાણે છે બધા દુઃખની દવા છે આ કવિતામાં,
વીતેલા હર જમાનાની હવા છે આ કવિતામાં;

ખુશી-ઉન્માદ, આંસુ-દર્દ, વાતો પ્રેમ-વિરહની,
પ્રવાહો લાગણીના અવનવાં છે આ કવિતામાં;

પ્રતિકો-કલ્પનો, સંવેદનાઓ, સ્વપ્નની સાથે,
વિચારો પણ કવિના આગવાં છે આ કવિતામાં;

એ કરશે ન્યાય ને દેશે ચૂકાદો સ્પષ્ટ ને સાચો,
ધરમકાંટા સમા સો ત્રાજવા છે આ કવિતામાં;

અગર રાખી શકે તો રાખ શ્રધ્ધા શબ્દની ઉપર;
નર્યા કંકુ ને ચોખા, શ્રી સવા છે આ કવિતામાં.   

-હિમલ પંડ્યા    

ચહેરો બેનકાબ લઈ આવો,-હિમલ પંડ્યા

ચહેરો બેનકાબ લઈ આવો,
કે છલકતું શબાબ લઈ આવો;

આખું આકાશ છે હથેળીમાં,
રુપનો આફતાબ લઈ આવો;

જીન્દગીની કથા લખી લઈએ,
એક કોરી કિતાબ લઈ આવો;

જોઈએ, ખોટ કોણે ખાધી છે?
લાગણીનો હિસાબ લઈ આવો;

માણવો છે ફરી નશો એવો,
એ જ જૂનો શરાબ લઈ આવો;

વાત મેં તો પૂરી કરી લીધી,
એમનો પણ જવાબ લઈ આવો;

જે હતો “પાર્થ”ની ગઝલમાંહે;
એ ફરીથી રુઆબ લઈ આવો

અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી,-હિમલ પંડ્યા

અજાણી છે તમારાથી ભલે આજે કથા મારી,
વખત આવ્યે સુણાવી દઈશ હું સઘળી વ્યથા મારી;

ઊભો છું હું અડીખમ કેટલાં જખ્મોના પાયા પર,
તમે ક્યાં જોઈ છે મિત્રો હજુ એ દુર્દશા મારી?

ગણો ના પ્રેમની ક્ષણને દવા પ્રત્યેક રોગોની,
અરે, એના થકી તો છે હજુ માઠી દશા મારી;

ફૂલોના ડંખથી તો જિન્દગીભર હું ઘવાયો છું,
ચમન, તું રાખજે એકાદ કંટકમાં જગા મારી;

કરો એવું તમે કે આ ગઝલ એના સુધી પહોંચે,
પીડા એની દીધેલી છે, બીજું શું છે કલા મારી?

ઊઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે;
હ્રદય જાણી ગયું છે, રોજની છે આ પ્રથા મારી.      

 હિમલ પંડ્યા    

તળિયું તૂટેલ નાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?-હિમલ પંડ્યા

તળિયું તૂટેલ નાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
આ આંખમાં અભાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?

મનમાં ઉદાસી સાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
ને ખિન્ન હાવભાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?

સદીઓથી પીડતા, સતત દુઝ્યા કર્યા છે જે,
રુઝ્યા વગરના ઘાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?

ત્યાં પણ કોઈની લાગણી છંછેડશો તમે,
તરડાયેલો સ્વભાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?

જુઓ, રમત-રમતમાં એ વેંચાઈ પણ ગયાં,
આવો શકુનિદાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?           

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

હોય હરણને મ્રુગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ આટલું અંતર;

જેવો હું , એવો તું યે નક્કી હોવાનો,
ભેદ ભલે હો બ્હાર, બધું સરખું છે ભીતર;

આ અંધારા-અજવાળાની સતત ઊતરચડ,
કોણ યુગોથી ખેલે આવાં જાદૂ – મંતર?

જુઓ, કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું,
ચાલો અહિંય અટકી જઈએ, નાખો લંગર.  

 હિમલ પંડ્યા        

સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું,

સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું,
એ છતાં યે સાંભળી લે – હું જ તારો પ્યાર છું ;

રોજ હું આવીશ તારા ઊંબરા સુધી સનમ,
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;

દોસ્ત જે અંગત હતાં એ હાલ સૌ પૂછી ગયાં,
હું પડ્યો જો પ્રેમમાં, સહુને થયું બીમાર છું;

વ્હેમ આ મારા જ મનનો હોય તો યે છો રહ્યો,
માંગનું સિંદૂર હું, તારા ગળાનો હાર છું;

જિન્દગી તારી ભલે ને વારતા જેવી હશે,
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું

– હિમલ પંડ્યા

મુસીબતને લગાવીને ગળે, પ્યારી નથી કરવી,

મુસીબતને લગાવીને ગળે, પ્યારી નથી કરવી,
જખમને ખોતરીને ચોટ ગોઝારી નથી કરવી;

અમારે હો ભલે નાતો પુરાણો વેદના સાથે,
નવી કોઈ પીડા સંગે હવે યારી નથી કરવી;

ભલે ડૂબી જતી જીવનમહીં ઈચ્છાતણી નૌકા,
અહમ્ ને પોષવા કાજે ય લાચારી નથી કરવી;

કશું ક્યાં સાંભળે છે તું, કશું પણ ક્યાં કરે છે તું?
ખુદા, તારી હવે સહેજે તરફદારી નથી કરવી;

હ્રદય તું ચેતવી દેજે મને થંભી જતા પહેલાં,
મરણની વાત પણ જાહેર અણધારી નથી કરવી;

જરા તું એમના વિશે ખબર લઈ રાખજે પહેલાં,
અરે ઓ દિલ, અમારે પ્રીત પરબારી નથી કરવી;

ભલે ને “પાર્થ”, સહુ નાદાનમાં તુજને ખપાવી દે,
ન એ સમજે તો રહેવા દે, મગજમારી નથી કરવી
હિમલ પંડ્યા

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો,

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો,
વખત આથી ય શું ભારે થવાનો, કો’ક તો બોલો;

જનમ આ માનવીકેરો મળ્યો વરદાનરુપે, કે –
ખુદાએ લાગ ગોત્યો છે સજાનો? કો’ક તો બોલો;

હ્રદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો? કો’ક તો બોલો;

બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું?
અનુભવ છે અહિં કોને નશાનો, કો’ક તો બોલો;

હજારો વેદનાઓ મેં છુપાવી છે હ્રદયમાંહે,
મળે ક્યો આદમી આવા ગજાનો, કો’ક તો બોલો;

અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો’ક તો બોલો;

અમે તો “પાર્થ” હૈયું ઠાલવી બેઠાં ગઝલરુપે,
ન રાખો આજ કોઈ ભેદ છાનો, કો’ક તો બોલો.

હિમલ પંડ્યા

જીન્દગીથી જીન્દગીની વાત કરતો જાઉં છું,

જીન્દગીથી જીન્દગીની વાત કરતો જાઉં છું,
વેરને હું લાગણીથી મ્હાત કરતો જાઉં છું;

સાવ નર્યો દંભ છે જ્યાં સ્વાર્થ, અત્યાચાર છે,
ત્યાં બધે હું શબ્દથી આઘાત કરતો જાઉં છું;

મૌન મારું એકચિત્તે સાંભળે આખી સભા,
દર્દની આંસુથકી રજૂઆત કરતો જાઉં છું;

જે ઊદાસીનું અંધારું ભરબપોરે દઇ ગયાં,
એમના નામે ખુશીની રાત કરતો જાઉં છું;

હું નથી પૂરી કરી શક્તો પ્રણયની વારતા,
અંત જો આવે, ફરી શરુઆત કરતો જાઉં છું;

“પાર્થ” પરવડતી નથી કોઇની ગુલામી એ છતાં,
એક બસ એના હવાલે જાત કરતો જાઉં છું.    

હિમલ પંડ્યા       

જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ,-હિમલ પંડ્યા

જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ,
દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ;

સાચું કહે છે એમની ક્યાં ખેર છે પ્રભુ?
ડામીસને ઘેર જો ને લીલાલ્હેર્ છે પ્રભુ;

દુશ્મનને પ્રેમ આપવાની વાત તેં કરી,
અહિંયાં તો સગા ભાઈઓમાં વેર છે પ્રભુ;

હ્રદય સિવાય જોઈ લો ધબકે છે બધું અહિં,
માણસ વિનાનું જાણે કોઈ શ્હેર છે પ્રભુ;

આવ્યો’તો તારા દર્શને પગભર થવાને
કાજ,શોધું છું ક્યાં પગરખાંની પેર છે પ્રભુ?

આંગળી આપો તો પોંચો ઝાલશે,-હિમલ પંડ્યા

આંગળી આપો તો પોંચો ઝાલશે,
મારશો ડફણાં તો સીધી હાલશે;

ઓળખી લીધી છે દુનિયાને અમે,
ઝખ્મ દેશે ને પછી પંપાળશે;

જોઇને અહી એકની માઠી દશા,
જો, બીજાઓ ફૂલશે ને ફાલશે;

બેવફાઈ હોય જો અંજામ તો,
કોણ દિલમાં પ્રેમની ઘો ઘાલશે?

કોઈ મારગ ચીન્ધનારું ક્યાં રહ્યું?
બસ, હવે જઈશું કદમ જ્યાં ચાલશે;

સૌ ફરે છે એકલા આ શહેરમાં,
ક્યાં સુધી કોઈ હાથ તારો ઝાલશે?

‘પાર્થ’ જે સાથે રહયાં’તા બે ઘડી;
ખોટ એની જિંદગીભર સાલશે.

ભીતરે અંકાય એવું લખ હવે,-હિમલ પંડ્યા

ભીતરે અંકાય એવું લખ હવે,

લાગણી વંચાય એવું લખ હવે;

શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે,

પાંપણો ભીંજાય એવું લખ હવે;

નફરતોની આ નદી પર પ્રેમના-

સેતુઓ સર્જાય એવું લખ હવે;

કોઈ એને સાંભળી ઝૂમી ઊઠે,

કોઈ એને ગાય, એવું લખ હવે;

નામ તારું આપમેળે થઇ જશે,

પાંચમાં પૂછાય એવું લખ હવે;

હો નવી પેઢીનો તું શાયર ભલે;

વારસો સચવાય એવું લખ હવે;

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા;

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા;

ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;

જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.

હિમલ પંડ્યા