આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી

આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી
અને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી

દુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છે
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી

કોઇપણ વાત કહી શકીયે છીએ એક્મેકને
મિત્રના દુઃખો દુર કરવાની કેવી સત્તા આપી

નહિ છોડી શકીયે આ મિત્રતાને કોઇપણ કાળે
અમારા સંબંધમાં પ્રભુએ કેવી અખંડતા આપી

“રાજીવ” અપુર્ણ હતો તમારી મિત્રતા વગર
તમે બધાએ સાથે મળી કેવી પુર્ણતા આપી

– રાજીવ ગોહિલ

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.

કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !

બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.

વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.

એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.

– વિવેક મનહર ટેલર