ખુશખુશાલ થઈ ગઈ હતી એ વૃક્ષની ડાળો;

ખુશખુશાલ થઈ ગઈ હતી એ વૃક્ષની ડાળો;
જ્યારે બાંધ્યો હતો ત્યાં પંખીએ એક માળો.

તડકો તપી તપી સુવર્ણ બની અહિં છવાયો.
દોસ્ત! કેવો ખીલી ઊઠ્યો તાપમાં ગરમાળો.

તું જો સાથ આપશે તો પુષ્પો પથરાય જશે;
પ્રેમપંથ આપણો ભલેને હશે ભારે પથરાળો.

દાખલો લાગણીનો સાવ ખોટો ગણતો રહ્યો;
કરવાની હતી બાદબાકી, કર્યો મેં સરવાળો.

મેળવે બે દિલને ને કરી દે અલગ તડપવા;
પ્રભુ! તું પણ કરે છે કેમ આવો અટકચાળો?

કંઈ થયું નથી,એક અમસ્તું દિલ તૂટ્યું મારું;
શેને થયો દુનિયામાં એનો આટલો હોબાળો?

કફન ઓઢી સૂતો ત્યારે મળવા આવી મને;
કેમ સુઈ ગયા?કર્યો સવાલ મને અણિયાળો.

કોણ કોનું ક્યારે છે એ ક્યારે ય ન સમજાય;
લાગણીનાં તાણાવાણામાં છે ભારે ગુંચવાળો.

એ જ સંબંધ આ દુનિયાને કેમ ખૂંચે છે વધારે?
દોસ્ત હોય છે જે સંબંધ લીસ્સો, સાવ સુંવાળો.

હું તો ખુદને માનતો રહ્યો નટવર જિંદગીભર;
ભવની ભવાઈ ભજવતા થઈ ગયો તરગાળો

નટવર મહેતા

Leave a comment