હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક
હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક
હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

– વિનોદ જોષી

Leave a comment