આ હાથીભાઇ ને મોજ- કિરીટ ગોસ્વામી

આ બધી યે લાગણી આખર તો દુઃખનું મૂળ છે,-કિરીટ ગોસ્વામી

આ બધી યે લાગણી આખર તો દુઃખનું મૂળ છે,
સર્વ ઈચ્છા આપણી આખર તો દુઃખનું મૂળ છે;

તૂટશે ત્યારે કણાની જેમ પલ-પલ ખૂંચશે,
સ્વપ્ન કેરી વાવણી આખર તો દુઃખનું મૂળ છે;

એક ટીપું ગેર-સમજણનું પડ્યે થઇ જાય ઝેર,
સગપણોની ચાસણી આખર તો દુઃખનું મૂળ છે;

હોય છે માટી જ કાચ સાવ મનની મૂળ તો,

જે થતી તે બાંધણી આખર તો દુઃખનું મૂળ છે;

મોત સામે હાર એની છે જ છે નક્કી “કિરીટ”;
શ્વાસની આ છાવણી આખર તો દુઃખનું મૂળ છે.

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં-યુગ શાહ

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં
હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં

જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન
હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં

ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને
આંખોથી ધીરે ધીરે દલડુ મારું તે છોલે છેં

સજનીના સ્નેહનો આ તો કેવો છેં ચમત્કાર
અમારી આંખો પણ મદનાં પ્યાલા ઢોળે છે

તને ખોટું જો લાગે તો હું શું કરું?- હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

 

વિધાતાથી ઘણી રકઝક કરી, એક જ રટણ માગ્યું,- ભીખુભાઈ ચાવડા ‘નાદાન’

વિધાતાથી ઘણી રકઝક કરી, એક જ રટણ માગ્યું,
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું…

યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું,
યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું…

બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું,
વિના સંકોચ જે દેખાય તે અંત:કરણ માગ્યું…

પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માગ્યું,
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માગ્યું…

જગત આ હો, અગર જન્નત, અગર દોઝખ, ગમે તે હો,
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માગ્યું…

પછી સોડહમ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા,
પરમ-આત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માગ્યું…

અમે ‘નાદાન’ રહીને વાત કહેવા માણસાઈની,
ગણો તો શાણપણ માગ્યું, ગણો તો ગાંડપણ માગ્યું…

 

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,- મનોજ ખંડેરીયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ…

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને,
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ…

નિંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી,
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ…

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે,
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ…

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ…

 

નામ તારું કોઈ વારંવાર લે,- ચિનુ મોદી ‘ઈર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે…

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
તું કહે તો થાઉં ખુશ્બોદાર લે…

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં?
તું મરણ છે, હાથમાં તલવાર લે…

હાથ જોડી શિર નમાવ્યું, ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર લે…

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર?
તું કરે છે ઠીક શિષ્ટાચાર લે…

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર લે…

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’,
ને હતો હું કેવો બેદરકાર લે…

 

બીક છે બન્ને તરફ, બન્ને તરફ નુકશાન છે,- બરકત વિરાણી ‘બેફામ’

બીક છે બન્ને તરફ, બન્ને તરફ નુકશાન છે,
દોસ્ત છે દાના બધા, દુશ્મન બધા નાદાન છે…

એ ભલે જોતાં નથી, પણ સાંભળે તો છે મને,
એટલે તો મારા પ્રત્યે આંખ આડા કાન છે…

શી ગરજ સાકીની મારે શી મદિરાની જરૂર?
આમ પણ મારા જીવનનું ક્યાં મને કંઇ ભાન છે?

જે ગુલામી માથું ઊંચકવા નથી દેતી કદી,
નામ એનું સભ્ય ભાષામાં કહું? અહેસાન છે…

જુલ્મ કરનારા મળ્યા છે એટલા નાસ્તિક મને,
કહી નથી શકતો કે મારો પણ અહીં ભગવાન છે…

સર્વમાં ઇન્સાનિયતની શોધ ના કરશો કોઇ,
આ જમાનામાં ફક્ત એકાદ-બે ઇન્સાન છે…

માફ કરજો ઓ મનુષ્યો, હું નહીં માગું મદદ,
એ મહીં તો મારા પાલનહારનું અપમાન છે…

હોય સાગર કે કોઇ રણ, છે બધે સરી હવા,
નીર હો કે રાત, અહિંયા તો બધે તૂફાન છે…

કંઇ બધાં રડતાં નથી બેફામ મારા મોત પર,
કંઇક છે એવાય જેના હોઠ પર મુસ્કાન છે…

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !- કૃષ્ણ દવે

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમૂ થાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યેાલ મને તારામાં ગોતી દે એકાદી લીલીછમૂ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….

 

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,- મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

 

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,- મરીઝ

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો.

જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યા છો,માનવી ન શક્યો.

ઝાડ તો રોપી શક્યો મારા જીવન-ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો.

જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો.

સામે મંઝિલ હતી જોયા કીધી,જોયા જ કીધી;
હતી હિંમતમાં ઊણપ,પગ હું ઉઠાવી ન શક્યો.

એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો.

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,- મરીઝ

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા,
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી.

વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા,
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી.

રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.

તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.

ભૂલી જાઓ તમે એને તો સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.

 

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,- કૈલાશ પંડિત

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

– કૈલાશ પંડિત

સાંજના ડૂબી જતાં સૂર્યને- કૈલાશ પંડીત

સાંજના ડૂબી જતાં સૂર્યને
કે પછી જોયા કરું છું તને.

હું જવા નીકળું તમારે ઘેર ને
બારણાં ખુલ્લા મળી આવે મને … સાંજના

દૂરતા છે એટલી તારી હવે
આવવા છે જ ક્યાં રસ્તા મને … સાંજના

જીવતાં તો હાથ ના દીધો કદી,
ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?

સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?

અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?

મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?

– શૂન્ય પાલનપુરી

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,– આદિલ મન્સુરી

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા

કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

 

તું નાનો, હું મોટો

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો….

પ્રેમશંકર ભટ્ટ.

મારી નિત્ય પ્રાર્થના…

મારી નિત્ય પ્રાર્થના…

હે પૃથ્વીના પાલક પિતા તુજને નમું વરદાન દે;

નીરખું તને કણકણ મહી એવું મને તું જ્ઞાન દે ,

હું સત્યના પંથે સદા નીડર થઇ ચાલ્યા કરું

હો વિકટ પણ તુજને મળે એ રાહની પહેચાન દે ,

પરિશ્રમ મહી શ્રધા રહે , હિંમત તણી હો સંપતિ
મનના અટલ વિશ્વાસ પર આગળ વધુ ; ઉડાન દે,

કોઈ પીડીતજનની પીડ ને હરવાને મન ઝંખ્યા કરે
કોઈ આત્મા દુભે નહી મુજ કારણે, ઈમાન દે,

”આતુર” જગે રહું ધૂપ થઇ, જાતે બળી વહેંચું સુગંધ ;
મૃત્યુ પછીયે અમર રહું એવી મને તું શાન દે ….

 અજીત પરમાર “આતુર”

ઘૂંટ કડવા તે છતાં પણ જામ જેવી જીંદગી ;

ઘૂંટ કડવા તે છતાં પણ જામ જેવી જીંદગી ;
લિફાફા માં બંધ કો’ ઇનામ જેવી જીંદગી ,

સાચવી ને એકઠું કરજો જે અહિયાં રહી જશે ;
સિકંદર ના આખરી અંજામ જેવી જીંદગી ,

એમને મળવા તણી કાયમ રહી છે ઝંખના ;
એ મળે તો થાય બસ આરામ જેવી જીંદગી

તોય શું લોકો પછી પુષ્પો ચડાવે પ્રેમ થી

એ સતત અહિયાં જીવ્યો ગુમનામ જેવી જીંદગી

અજીત પરમાર “આતુર”

તારો અભાવ ત્યારે મને સાલશે સજન

તારો અભાવ ત્યારે મને સાલશે સજન
કોઈ હાથ બે પરોવી મેળે મ્હાલશે સજન

તારો અભાવ આંખ ની ઝરમર બની જશે
આંબે અષાઢી ટહુકા જયારે ફાલશે સજન

તારો અભાવ એ ક્ષણે મુજ શ્વાસ રૂંધશે
નીશીગંધની સુગંધે પવન ચાલશે સજન

તારો અભાવ રોજ ના દેશે ઉજાગરા
અંધારું ઓરડામાં ખાટ ઢાળશે સજન

તારો અભાવ ઓઢણીની ભાત લઇ જશે
ને સુરજ થઇ મહેંદીના રંગ બાળશે સજન

અજીત પરમાર “આતુર”

કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !

કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !
પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું !

છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી ઝંખના
દરશ કાજે મુજ નયન બે કોતરીને મોકલું ?

ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી દીધું
તું કહે તો શીશ આ , કલમ કરીને મોકલું ,

શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા
શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરી ને મોકલું !!

– અજીત પરમાર ”આતુર”

એ નહીં આવે કદી વરસાદમાં,

એ નહીં આવે કદી વરસાદમાં,
આગ લાગી ગઈ સખી વરસાદમાં…

કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં…

એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં…

દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં…

છે તગ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’,
શાયરી દુલ્હન બની વરસાદમાં…

-‘અદી’ મિરઝા

સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,-અમૃત ઘાયલ

સ્વર:- મનહર ઉધાસ
રચના:- અમૃત “ઘાયલ”

સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,
નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી.

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.

‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,
જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી.

સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,

સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી,
કે વહી ગઈ દૂર મારાથી નદી.

અશ્રુથી ભરવા મથે છે રાત-દી,
એક માણસ, એક કાણી બાલદી.

વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં,
તરફડે પંચાગમાં આખી સદી.

જિંદગી નામે ગઝલ જન્મી શકે,
શ્વાસ ક્ષણ સાથે કરે છે ફિલબદી.

– મુકુલ ચોકસી

દય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;

દય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

– શયદા

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;-શયદા

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

વાદળો ઉતર્યા બધા, હડતાળ પર

વાદળો ઉતર્યા બધા, હડતાળ પર
માનવી આવી ગયો છે, ગાળ પર

“વાહનો”, અ-વૃક્ષતા”, ને “પાપ” સૌ
કેટલા લેબલ લગાવ્યા આળ પર

જે હતી, ફર્નીચરોમાં લુપ્ત થઈ
કોયલો ટહુકે હવે કઈ ડાળ પર..??

જંગલે કોંક્રીટ, ટિટોડી ઝુરતી
બાંધવો માળો રે ક્યા ક્યા માળ પર..!!

બહુ હવે દોડ્યા કર્યું, બિંદાસ થઈ
ચાલ, ચડવાનુ હવે છે ઢાળ પર….

’મેઘલી કાળી ઘટા’, કોરે મુકી
માંડજે લખવા ગઝલ દુષ્કાળ પર

-ડૉ. જગદીપભાઈ નાણાવટી

શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે,

શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે,
આગમનની શક્યતાનો બારણે વરસાદ છે.

એ હશે કેવી મિલનની તાજગી વરસો જૂની,
એક છાંટો થાય ને મન સાંભરે, વરસાદ છે.

જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે,
ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે.

એક-બે આંસુ છુપાવી ના શક્યા વાદળ જરી,
હર્ષથી બોલી ઉઠ્યા સૌ, ‘આવ રે વરસાદ’ છે.

રેતના દરિયા ઉલેચીને છુપાઈ લાગણી,
શી ખબર એને બધાની ભીતરે વરસાદ છે.

તગતગે એની સ્મૃતિ ‘ચાતક’ હજીયે આંખમાં,
લોક છો કહેતા ફરે કે આંગણે વરસાદ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

અજવાળું ખભ્ભે નાખીને ફાનસ ભાગે,

અજવાળું ખભ્ભે નાખીને ફાનસ ભાગે,
મૃત્યુના ચશ્મા પ્હેરીને માણસ ભાગે !

શૂન્યોના સરવાળા કરતા રાત પડે છે ,
દીવો સળગવા બેસો ત્યાં બાકસ ભાગે !

દિગંતોની વાટ પકડવા સંધ્યાટાણે,
ઢળતા સૂરજનું ઓઠું લઇ સારસ ભાગે !

એક ફરાળી શમણું વ્હેંચી દો મંદિરે
કોરા ઉપવાસીઓની અગિયારસ ભાગે !

સારા – નરસાનાં લેખાંજોખાં કયાં સુધી ?
સંસ્કૃતિની ખંડણી ભરતા વારસ ભાગે !

એની સામે બાળક જેવા થઇ જાઓ તો,
તીણા તીણા પોકાર કરી રાક્ષસ ભાગે !

– ભરત પટેલ

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

– અનિલ ચાવડા

હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?

હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?

ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?

રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?

એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?

પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?

બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?

– મેગી અસનાની

સોળેસજી શણગાર મારું મનડું મલકાય,

સોળેસજી શણગાર મારું મનડું મલકાય,
આવે જો પ્રિતમ જીવન ધન્ય થઇ જાય.

એ આવ્યાના ભણકારે મારું હૈયું ભરમાય,
ને ઓઢણી નો છેડો મારો સરી સરી જાય.

ચાંદની જેવું ખીલતું મારું યૌવન કરમાય,
સ્પર્શ મળે તારો જો, એ ખીલીખીલી જાય.

વાટ જોતા ઉંબરે મારા નયનો છલકાય,
જોને વિરહની વેદના હવે સહી ના જાય.

મારી વેણીના મોગરા સાદ પાડી શરમાય,
આવ ને મારા પીયુ આ જિંદગી વહી જાય.

-કિરણ ચૌહાણ

આવ્યો ઈશ્વરને વિચાર,કરું સુંદર કંઈ નિર્માણ,

આવ્યો ઈશ્વરને વિચાર,કરું સુંદર કંઈ નિર્માણ,
સપનું સાકાર કરવા,કરી ઈશ્વરે નારી નિર્માણ.

આપી તેજસ્વી આંખો,ને સમદ્રષ્ટિનું નજરાણું,
અપાર સહનશક્તિ સાથે આપ્યું સુકોમળ હૈયું,

બે કુટુંબને ઉજાળવા આપી તેણે ઉદાર વૃત્તિ,
અમાપ ભરી મમતા ને આપી પદવી માતાની.

વહેતો રાખવા વહાલનો દરિયો કરી જાદુગરી,
હૈયે પ્રેમનું ઝરણું વહાવતી અવતારી દીકરી.

આપી ગુણ ત્યાગનો બનાવી ભાર્યા પુરુષની,
સુંદર નારી બનાવી શોભા વધારી પૃથ્વીની.

મૂકી ઈર્ષાનો ગુણ ભગવાન પડ્યો વિચારમાં,
સુંદર સર્જન કર્યા પછી ડાઘ પડ્યો ચાંદમાં.
 

-કિરણ ચૌહાણ

ઉકેલી વાત અગર થૈ જશે નજર ભીની,-ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’

ઉકેલી વાત અગર થૈ જશે નજર ભીની,
કવરમાં આજ રવાના કરી ખબર ભીની.

નજીક કોઈ સ્વજન શક્ય છે કે આવ્યું હો,
નહીં તો આમ અચાનક ન હો કબર ભીની.

જનમજનમનો મને શાપ કોઈએ દીધો,
જનમજનમથી નયનમાં અવરજવર ભીની.

કહી શકાયું ન કોઈને કોઈ કારણસર,
રહ્યા કરે છે મને કાયમી અસર ભીની.

નહીં સુકાઈ શકે જો જરાક ભીંજાશે,
અતીત યાદ કરી આંખને ન કર ભીની.

સરળતાથી નહીં ભૂંસી શકો એકેક જણની ચાલ;-અશોક ચાવડા ‘બેદિલ’

સરળતાથી નહીં ભૂંસી શકો એકેક જણની ચાલ;
સતત પગરવ કરીને જાય જીવનમાં સ્મરણની ચાલ.

સમજદારીની ભાગમદોડમાં બસ વસવસો છે એક,
ચમકતાં બૂટનાં તળિયે ઘસાઈ બાળપણની ચાલ.

મુસીબતમાં છું હમણાંથી જરા જાહેર થૈ ગૈ વાત,
બધાંએ વાતવાતે ચાલવા માંડી છે ….પણની ચાલ.

મને ખુદને જ મળવામાં હું અડચણરુપ થઉં છું રોજ,
મને મળવા જ ચાલી આજ મારા અપહરણની ચાલ.

સદાયે ખુશ રહેવાની બતાવી દઉં જડીબુટ્ટી,
“ધરા સાથે જ બદલાતી રહે વ્હેતાં ઝરણની ચાલ.”

થોડોક રહી જાય અહંકાર હૃદયમાં,-અશોક ચાવડા ‘બેદિલ’

થોડોક રહી જાય અહંકાર હૃદયમાં,
એમાંથી જનમ લેય ગુનેગાર હૃદયમાં.

આકાર હજી આંસુઓનો જેને મળ્યો ના,
કૈં દુઃખ દરદ એમ નિરાકાર હૃદયમાં.

બે આંખ મને કોઈ વખત ઓછી પડે છે,
ઊઠેય વલોપાત ઘણીવાર હૃદયમાં.

બે-ચાર હૃદયમાં જ રહો એ ય ઘણું છે,
સંસાર વસાવો ન સમજદાર હૃદયમાં.

એકાદ ગઝલમાં તો સમાવી ન શકું હું,
પીડાઓ પડી કૈંક વિષયવાર હૃદયમાં.

આમ લાગે ન આગ અંદરથી,

આમ લાગે ન આગ અંદરથી,
કોઈ તો છે સજાગ અંદરથી.

હાથ લાગે છતાં ન પકડાતા,
છે અરીસામાં દાગ અંદરથી.

બ્હારથી એકદમ સલામત છું,
માત્ર છે નાસભાગ અંદરથી.

દૃશ્ય સઘળાં થઈ ગયાં છે સ્થિર,
આ જ મોકો છે જાગ અંદરથી.

તાપ-સંતાપ તપ સુધી પ્હોંચે,
તો જ પ્રકટે વિરાગ અંદરથી.

– અશોક ચાવડા ‘બેદિલ’

એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા,

એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા,
હું સતત પ્હેરી શકું છું ચામડીમાં બા.

એ જ અચરજ હોય છે ક્યાં ચાખડીમાં બા?
ખૂબ અથડાઇ છે બાધા-આખડીમાં બા

બાની પૂંજી બાપુજી સમજી શક્યો છું પણ,
હું કદી જોઇ શક્યો ના ચૂંદડીમાં બા.

 એ પછી એકેય અક્ષર ક્યાં લખાયો છે?
મેં જરા શીખી લીધી બારાખડીમાં બા.

ઘાટ આ મારો ઘડાયો એ જ કારણથી,
રોજ વ્હેરાયા કરી છે શારડીમાં બા.

-અશોક ચાવડા ‘બેદિલ’

પ્રસંગોપાત ઊછળી પાઘડી બે-ચારની આગળ;

પ્રસંગોપાત ઊછળી પાઘડી બે-ચારની આગળ;
સતત લાચાર છું સંબંધના વેપારની આગળ.

ચળકતો મંચ, આ સત્કાર, સંબોધન ને તાળીઓ,
ઘણાં ફિક્કાં પડે છે આપણા પરિવારની આગળ.

હવે તો આગ પણ અડકે છતાં બળતું નથી આ અંગ,
ત્વચા પણ કેળવાઈ આખરે અંગારની આગળ.

ન મન લાગે નમન કરવામાં કેવળ લાગતી નાનમ,
નવી પેઢી વધી છે એમ શિષ્ટાચારની આગળ.

હું જેને આંગળી પકડી અહીં ઉંબર સુધી લાવ્યો,
મને ભૂલી ગયા ઘર જોઈને એ દ્વારની આગળ.

– અશોક ચાવડા ‘બેદિલ’ (પગરવ તળાવમાં)

કાચઘરમા તરફડે છે

હ્રદય એમ ઓછું બળે એ ઘણું છે,

હ્રદય એમ ઓછું બળે એ ઘણું છે,
વસે આંસુ આંખો તળે; એ ઘણું છે.

સ્વજન શોધવાનાં પ્રયત્નો જ ખોટાં,
બધાં માત્ર ખુદને છળે એ ઘણું છે.

બને તો અકારણ દુઆ પણ ન માંગો,
મહેનત મુજબ જે મળે; એ ઘણું છે.

ભલે જીભ બોલે નહીં સત્ય દોસ્તો,
ફકત જૂઠ અટકે ગળે; એ ઘણું છે.

તું,રસ્તા ફરે એમ શાને વિચારે?
જરૂરી સ્થળે; પગ વળે એ ઘણું છે.

– ડૉ.કેતન કારીયા.

હવા સ્પર્શ જ્યારે કરે છે ત્વચાને,

હવા સ્પર્શ જ્યારે કરે છે ત્વચાને,
ત્વચા જેટલું સુખ મળે છે હવાને !

સખત તાપ, વરસાદ, ઠંડક છતાં પણ,
ગગન ખુદ અડી ક્યાં શક્યું છે ધરાને !

ઘણા સાંભળીને મજા પણ કરે છે,
ન સસ્તી બનાવો તમારી વ્યથાને.

ભલે જિંદગીભર તરસતાં રહે પણ,
અહીં સૌ છલોછલ ભરે છે ઘડાને !

અપેક્ષા કરે લોક દુનિયા હું બદલું,
શરત એમ રાખે ન બદલું પ્રથાને !

બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.

– ડૉ. કેતન કારિયા

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,- શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

 

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખથી ઉભરાય છે ખુશી.

તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.

વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.

ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી મલકાય છે ખુશી.

સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.

-વિવેક મનહર ટેલર

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. કૃષ્ણને

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને

દયારામ

હરિ, જેવો તેવો હું દાસ તમારો

હરિ, જેવો તેવો હું દાસ તમારો
કરુણાસિંધુ ગ્રહો કર મારો ..

સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી,
શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ..

નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ,
શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ ..

અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાય હારી,
અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી ..

વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો,
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો ..

વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,
આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો ..

સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયા પ્રીતમ ગિરિધારી,
શરણાગત-વત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી ..

દયારામ

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !
મૂલક ઘણા જોયા રે ! મુસાફરી થઈ છે ઘણી !

સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ !
ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ,
સમઝીને ચાલો સૂધા રે ! ના જાશો ડાબા કે જમણી. મનજી !

વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બે ચાર,
માટે, વળવા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર,
મળ્યો છે એક ભેદુ રે ! બતાવી ગતિ સહુ તે તણી. મનજી !

માલ વહોરો તો વહોરો શેઠના નામનો, થાય ના ક્યહું અટકાવ,
આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ,
એટલા સારું રે ! ના થાવું વહોતરના ધણી. મનજી !

જોજો, જગતથકી જાવું છે, કરજો સંભાળીને કામ,
દાસ દયાને એમ ગમે છે – હાંવા જઈએ પોતાને ધામ,
સૂઝે છે હાંવા એવું રે ! અવધ થઈ છે આપણી ! મનજી !

દયારામ

સ્થિર રહું એવી મને ગતિ આપજે-હર્ષદ ચંદારાણા

સ્થિર રહું એવી મને ગતિ આપજે
અનુસરે દિલને જે, પ્રભુ ! મતિ આપજે

હર સ્થળે હો તારું દર્શન ને સ્મરણ-
માત્ર તારામાં મને રતિ આપજે

દે પ્રતીતિ એટલી, ‘સાથે તું છે’
આધિ-વ્યાધિમાં મને યતિ આપજે

સ્નેહ, સમતા, ધૈર્ય, આસ્થા, સ્વસ્થતા
આટલું તું, ઓ ઉમાપતિ ! આપજે

ધ્યાનથી કરું ને કરાવું પ્રાર્થના-
એટલું બળ, તું તારા વતી આપજે

ના ગમે – હું આદરું તારી સ્પર્ધા
ના બનું સંપૂર્ણ, કૈં ક્ષતિ આપજે

મારા મનડાનો મોર થનગનાટ કર્યા કરે ને ,

મારા મનડાનો મોર થનગનાટ કર્યા કરે ને ,
તારા દલડા ની ઢેલ ને એ તરસાવ્યા કરે .

મારા દિલ ના તાતણા ઓ સુર છેડ્યા કરે ને ,
તારા દિલ ના ગીતો ને એ ગણગણ્યા કરે .

મારા દિલ ની ધડકનો ધક ધક ધડક્યા કરે ને ,
તારા દિલ ની ધડકનો ને એ ધડ્કાવ્યા કરે.

મારી આંખ ને કાજળો રોજ રેળાયા કરે ને ,
તારી આંખો ના સપના ને રાતે ઢંઢોળ્યા કરે .

મારા હાથ ની રેખાઓ જો ગુચવાયા કરે ને ,
તારી હથેળી ની લકીરો ને જોને સુલજાવ્યા કરે.

દુર બેઠી” કૃતિ ” તારી રાહ માં કેવી મુંજાયા કરે ને ,
સપના માં આવી ને તું જો ને મને કેવું રીજાવ્યા કરે

કૃતિ રાવલ