હું ગરવો ગુજરાતી

માતૃભૂમિ પર પ્રેમભાવના જાગે,
રોમ રોમમાં એ જ ભાવના જાગે.

ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

ગાંધીની અહિંસા જેના કણકણમાં,
નરસૈંયાનો કેદારો રજકણમાં;
સરદાર સમી ખુમારી હર નરમાં,
પહોંચી ચંદા પર નારી પલભરમાં…

હૈયામાં જેના મેઘાણી, ઉદ્યમથી ઉજળા અંબાણી,
નર્મદની ગૂંજે સૂરવાણી, વિક્રમની વિજ્ઞાની વાણી…

ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…

હું વિશ્વપ્રવાસી ગરવો ગુજરાતી,
હું પ્રેમીલો ને સાચો ગુજરાતી;
હું દૂર વતનથી તોયે વતનની પ્યાસ,
ગુજરાતીને ગુજરાતી પર વિશ્વાસ…

મીઠું બોલી જગ જીતનારો, જેને રાસ ને રમઝટ શણગારો,
મહેમાનો માટે મરનારો, ગુજરાતીના આ સંસ્કારો…

ગર્વ સાથે સૌ એક શ્વાસમાં ગાઓ,
વિશ્વ ગુર્જરી સ્વર્ણ ગુર્જરી થાઓ…
સાથે સૌ ગાઓ… એક થૈ ગાઓ…
ગુજરાતી… ગુજરાતી… ગુજરાતી… હું ગરવો ગુજરાતી…
શબ્દો: અંકિત ત્રિવેદી, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ

Gujarati_Mix_Final_10_08_08MP3.mp3