મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,

મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાંતેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘયાત્રાની જરૂરતથી સજ્જ થઇ જઇને,
એક મંજિલની લગન આંખે ઊતરવા દઇને,
ભાનને ક્ષણને કાળજીથી સમેટી લઇને,
‘આવજો’ કહીને કોઇ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા,
દ્રષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઇ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

-હરીન્દ્ર દવે

One Response

  1. `Je agochar che e astitwane hardam malwa`…Mahekma mahek or tejma tej mali jai taw ene mrutyu na kaho.. late poet Harindra dave e mrutyunu arthghatan sari rite shabdoma lakhiu che. `nainam chidranti shastrani….

Leave a comment