સાદ પાડી તને હું બોલાવું

સાદ પાડી તને હું બોલાવું
એટલી ક્યાંથી દૂરતા લાવું ?

બેઉનું એક હોય સરનામું
તું અહીં આવ કે હું ત્યાં આવું !

આ હથેળી ઉપરથી વાંચી દે
કઈ દિશામાં હું હાથ લંબાવું ?

એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ
માર્ગમાં એને કેમ અટકાવું ?

તારી સમજણની હદમાં ઊભો છું
હું તને શું નવીન સમજાવું ?

-ભરત વિંઝુડા

One Response

Leave a comment