તલ તિલક લટ તખત મુગટ શું છે !-અમૃત ઘાયલ

તલ તિલક લટ તખત મુગટ શું છે !
જો નથી કૈં ગુપત, પ્રગટ શું છે !

હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે – પટ શું છે !

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે !

ડૂબવાની ન છૂટ તરવાની,
તો પછી સિંધુ શું છે તટ શું છે !

જૂઠને પણ હું સાચ સમજું છું,
મારી જાણે બલા કપટ શું છે !

વ્હેલા મોડું જવું જ છે તો રામ,
શી ઉતાવળ છે એવી ઝટ શું છે !

કોઈ પણ વેશ ભજવે છે માનવ
એ નથી જો મહાન નટ શું છે !

અંત વેળા ખબર પડી ‘ઘાયલ’
તત્ત્વત: દીપ શું છે ઘર શું છે !

-અમૃત ઘાયલ

Leave a comment