મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

– કરસનદાસ માણેક

એવું જ માગું મોત,- કરસનદાસ માણેક

એવું જ માગું મોત,
હરિ, હું એવું જ માગું મોત !
આ થયું હોત ને તે થયું હોત ને
જો પેલું થયું હોત …
અન્ત સમે એવા ઓરતડાની
હોય ન ગોતાગોત ! – હરિ, હું

કાયાની કણીકણીથી પ્રગટે
એક જ શાન્ત સરોદ:
જો જે રખે પાતળું કદી યે
આતમ કેરું પોત ! – હરિ, હું

અન્તિમ શ્વાસ લગી આતમની
અવિરત ચલવું ગોત:
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે
ઊડે પ્રાણ-કપોત ! હરિ, હું

ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં,
તરતાં સરિતા-સ્નોત.
સન્મુખ સાથી જનમજનમનો
અંતર ઝળહળ જ્યોત !
હરિ, હું તો એવું જ માગું મોત !

– કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીન-દુ:ખિયાના આંસુ લો’તો અંતર કદી ન ધરાજો ! મારું જીવન …
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમ્રુઅત ઉરનાં પાજો ! મારું જીવન …
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો:
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો  ! મારું જીવન …
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો:
શ્રદ્રા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો  ! મારું જીવન …

  – કરસનદાસ માણેક