હોય ઈચ્છા પ્હોંચવા કણકણ સુધી

હોય ઈચ્છા પ્હોંચવા કણકણ સુધી
તો પ્રથમ જાવું પડે દર્પણ સુધી

એ ઊડ્યાં ખેતર બધું લઈ ચાંચમાં
હાથ મારો ના ગયો ગોફણ સુધી

જે તરસ છીપી નહીં કોઈ તટે
એ તરસ પથરાઈ છેવટે રણ સુધી

કમનસીબે નીંદ પણ આવી નહીં
સ્વપ્ન તો આવ્યું હતું પાંપણ સુધી

કેટલી અહીં અટકળો ટોળે વળી
લાગણી પ્હોંચી ગઈ સમજણ સુધી

કાષ્ઠમાંથી મોક્ષદાતા થઈ ગયું
શર ગયું જે રામથી રાવણ સુધી

આ અજાણ્યા માર્ગ પર જાશું પછી
ચાલ પહેલાં દોડીએ બચપણ સુધી

આશ્લેષ ત્રિવેદી