બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ,-રાજેશ વ્યાસ ‘મિસ્કીન

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ,
બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ.

ઘણાય લાગણી ઉઘરાવતા ફરે કાયમ,
સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ.

કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું,
બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ.

ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ,
સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ.

ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ.

રહ્યો ન ભાર કશો, હળવા ફરાયું ‘મિસ્કીન’,
મુસાફરીમાં નીકળ્યો’તો બે જ જોડી લઈ.

રસ ઊડે છે કઈ રીતે ? સમજાય તો સમજાવજે,

રસ ઊડે છે કઈ રીતે ? સમજાય તો સમજાવજે,
કોયડો અઘરો છે, ઊકલી જાય તો સમજાવજે.

સાંભળેલું, ક્યાંક વાંચેલું સતત ના બોલ તું,
આંખ મીંચીને કશું દેખાય તો સમજાવજે.

ક્યાં લગી શબ્દો જ શબ્દો ? આમ સમજાવ્યા કરીશ,
આંખથી ક્યારેક જો બોલાય તો સમજાવજે.

વેદકાલીન હોય, પણ લાગે તરોતાજા નવું,
કૈંક સમજણ બ્હારનું સમજાય તો સમજાવજે.

સાવ બાવન બ્હારનું ને ગીત હર ધબકારનું,
કાન પર એવું કશું અથડાય તો સમજાવજે.

આંધળો જોઈ શકે ને સાંભળી બ્હેરો શકે,
જો પકડમાં એ પરમ પકડાય તો સમજાવજે.

પ્રેમની વ્યાખ્યાઓ મિસ્કીન મેંય વાંચી છે ઘણી,
આંખથી-દિલથી કશું સ્પર્શાય તો સમજાવજે.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તારું કશું ન હોય તો છોડીને આવ તું,

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ભળતા માણસ ભળતી વાત,

ભળતા માણસ ભળતી વાત,
લોહીમાં ખળભળતી વાત.

રણની રેતી કૈંજ નથી,
આંસુની ફળફળતી વાત.

એ તો વાંચીલે અંતર,
આંખ નથી સાંભળતી વાત.

દરિયાદિલ તેથી લાગ્યા,
એક હતી ખળખળતી વાત.

શબ્દ ગમે ના દીઠા તોય,
શબ્દ વગર ટળવળતી વાત.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.

થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે

કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે.

છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.

ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું’તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.

જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાતદિવસ કૈ લાગે હરપળ એ પણ સાચું આ પણ સાચું

રાતદિવસ  કૈ  લાગે  હરપળ એ પણ સાચું  આ પણ સાચું

અંધારે આ  કેવી ઝળહળ !  એ  પણ સાચું  આ પણ સાચું

ભીતર શું  ય ગયું દેખાઇ ?  ભણતર સઘળું  ગયું ભુલાઇ

કહેતો ફરું છું સૌ ને આગળ  એ પણ સાચું  આ પણ સાચું

અપમાનિત  કે  સમ્માનિત  હો  બેઉ  ખેલ છે  બંને ખોટાં

કાં તો સ્વીકારી લે   હરપળ  એ પણ  સાચું આ પણ સાચું

સપના માંથી જાગ્યો જ્યારે  એ પળમાં મૂંઝાયો   ભારે

અંદર- બાહર  આગળ પાછળ  એ પણ સાચું આ પણ સાચું

કોઇ  ’કાલ’  મા  શું  બંધાવું ?  કેવળ  ખળખળ વહેતા  જાવું

‘મિસ્કીન’ આનું નામ છે અંજળ..  એ પણ સાચું આપણ સાચું

કોણ અંહી કોનું ને ક્યાં લગ ? સઘળું નિશ્ચિત છંતાય લગભગ

’મિસ્કીન’ એનું નામ છે  અંજળ.. એ પણ સાચું આપણ  સાચું

રાજેશ વ્યાસ- મિસ્કીન

%d bloggers like this: