વાદળ વળી ક્યારે વિચારે કે વતન શું છે,

વાદળ વળી ક્યારે વિચારે કે વતન શું છે,
વરસાદ વરસે, ના ફિકર કરતો પતન શું છે.

વ્હેતી રહે ને હાથ આવ્યું બસ વહેંચી દે,
ક્યારે નદીએ ખેવના રાખી જતન શું છે !

એની ફરજ સમજી જગતને આપતો ઉર્જા,
સૂરજ કિરણ દેતાં વિસારી દે અગન શું છે.

અસ્તિત્વ એનું દષ્ટિ સાથે ના કદી જોડો,
બે આંસુ ના સારે વળી એ મૃગનયન શું છે !

બેટી સમું ઝરણું ગયું મારગ કરી ખુદનો,
જડ પહાડને ક્યાંથી ખબર પડશે નમન શું છે !

બસ ટેવવશ થઇ આમ તો કીધાં કથન પાળ્યાં,
પણ ‘કીર્તિ’ મળતાં જાણ થઇ આખર વચન શું છે.

-કીર્તિકાન્ત પુરોહિત

દેખવું ને દાઝવું તે ક્યાં સુધી,

દેખવું ને દાઝવું તે ક્યાં સુધી,
દૃશ્ય ધૂમર માંજવું તે ક્યાં સુધી.

આયના તો સાવ ચોખલિયા મળે,
નગ્ન રૂપ શણગારવું તે ક્યાં સુધી.

ડાળ પર ખુદ ડગમગે છે જ્યાં સમજ,
લક્ષ્ય એનું સાધવું તે ક્યાં સુધી.

જ્યાં નજર નાખું કશી હલચલ નથી,
ઉંબરા પર થાકવું તે ક્યાં સુધી.

બુદ્ધિવશ દિલ થઈ ગયું છે તે પછી,
આડુઅવળું ભાગવું તે ક્યાં સુધી.

હું જ મારો દોસ્ત જ્યારે ના થયો,
કોઈનું મન તાગવું તે ક્યાં સુધી.

જૂઠના બાઝારથી લાવી ખરલ,
સતનું ફીફું ખાંડવું તે ક્યાં સુધી.

શબ્દના ચરખા પુરાણા થઈ ગયા,
રોજ ઝીણું કાંતવું તે ક્યાં સુધી.

‘કીર્તિ’ના ચરણો સદા ચંચલ મળે,
પુચ્છ ઉપર નાચવું તે ક્યાં સુધી.

– કીર્તિકાન્ત પુરોહિત

સંબંધોમાં ભીંત લઇ ગાળો ન કર,

સંબંધોમાં ભીંત લઇ ગાળો ન કર,
નીરવ જળમાં કાંકરીચાળો ન કર.

સફેદીમાં સાત રંગો ઓગળ્યા,
અધીરાઇમાં અક્ષર કાળો ન કર.

ભજવજે હાલત મુજબના વેષ પણ,
કુશળ નટ થા, ખુદને તરગાળો ન કર.

ભમરડાના ચક્કરો ગણતા રહી,
વછૂટી દોરીનો હોબાળો ન કર.

નિહાળી નભમાં પતાકા ‘કીર્તિ’ની,
ઉછીનો ભાલો અણિયાળો ન કર.

– કીર્તિકાન્ત પુરોહિત

જે છે તે આ છે ને આ જ રહેશે,

જે છે તે આ છે ને આ જ રહેશે,
દુર્દશાનો એક મિજાજ રહેશે.

તું ભલે તોડે રસમની દિવાલો,
જીવવું છે તો સમાજ રહેશે.

ઓળખી ખુદને પ્રણામ કરી લો,
પથ્થરો પથ્થર જેવા જ રહેશે.

પાનીએ કિસ્મત હજાર ઝખમ દે,
ચાલવું પગનો રિવાજ રહેશે.

મૌનના લયની ઇબારત પરખો,
ભીતરે જૂદો અવાજ રહેશે.

સ્થાન તો નક્કી કરીને ઉભો છે,
‘કીર્તિ’નો વટ છે ને ત્યાં જ રહેશે.

…..કીર્તિકાન્ત પુરોહિત