ચહેરા ઉપર પૂનમ ‘ને આંખોમાં અમાસ છે,

ચહેરા ઉપર પૂનમ ‘ને આંખોમાં અમાસ છે,
ત્યાં સુદ અને વદ બેઉનો અદભૂત સમાસ છે.

જ્યારે મળે બોલે નહીં, એવી રીતે જુએ,
જાણે કે મારા જીવની, ઉલટતપાસ છે.

બેસી રહ્યો પીધા વગર, મયખાને રાતભર,
વાંધો હતો બસ એ જ કે, અડધો ગિલાસ છે.

આ જિદગી માટે, કોઈ કારણ નહીં જડે,
‘ને મોતના એકાદ નહિ, બ્હાનાં પચાસ છે.

એના કસીદા જ્યારથી ગાયા કરે છે ‘સૂર’,
બસ ત્યારથી હોવાપણું એકદમ ઝકાસ છે.

-સુરેશ પરમાર ‘સૂર’

ભાવ ચાહે ઓછો-વત્તો, રાખજે;

ભાવ ચાહે ઓછો-વત્તો, રાખજે;
પણ હૃદયમાં, સ્હેજ ખટકો રાખજે.

જો લખે તારી કથા કે વારતા;
મારો પણ એકાદ ફકરો, રાખજે.

જન્મ છે ઉલા, ‘ને સાની મોત છે;
ખ્યાલમાં બસ આજ, મિસરો રાખજે.

ભીતરે પણ થઈ શકે, મોંસૂઝણું;
એક દીવો ત્યાંય, બળતો રાખજે.

સાંભળે ના સાંભળે, કોઈ ભલે;
’સૂર’ ગઝલોચ્ચાર, વહેતો રાખજે.

-સુરેશ પરમાર ‘સૂર’

મને એક શાયર, નવોદિત ગણી લો;-સુરેશ પરમાર ‘સૂર’

મને એક શાયર, નવોદિત ગણી લો;
ચલો એમ નહીં તો, યથોચિત ગણી લો.

ઋચાઓ સમા, શેરનાં ગાન કરતો;
કોઈ શબ્દ-કાંડી-પુરોહિત, ગણી લો.

શબદમાંય અજવાસ, જોવાનો હો ત્યાં;
પ્રથમથી તમસને, તિરોહિત ગણી લો.

દીસે સાથિયા જેવું, જો કાફિયામાં;
ગઝલની હવેલી, સુશોભિત ગણી લો.

કરે મુગ્ધ-ભાવે, કશી વાત જ્યારે;
તમે ‘સૂર’ને ત્યાં, સંમોહિત ગણી લો.

%d bloggers like this: