બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ,
બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ.
ઘણાય લાગણી ઉઘરાવતા ફરે કાયમ,
સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ.
કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું,
બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ.
ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ,
સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ.
ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ.
રહ્યો ન ભાર કશો, હળવા ફરાયું ‘મિસ્કીન’,
મુસાફરીમાં નીકળ્યો’તો બે જ જોડી લઈ.
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ, રાજેશ વ્યાસ- મિસ્કીન, ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal | Leave a comment »