શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?-રમેશ પારેખ

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?

આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુ બહુ તો શ્ર્વાસ ભરીએ શ્ર્વાસમાં, શું બોલીએ ?

ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા
શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?

બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

Advertisements

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,-રમેશ પારેખ

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

-રમેશ પારેખ

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર
જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર

છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે
સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર

પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે
તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર

રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક
મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું
તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ! ન કર

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

– રમેશ પારેખ

શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,

શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.

વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,
દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.

ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?

જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,
રોશન કરે છે આજ એ પસ્તીબજારને.

ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….

— રમેશ પારેખ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને

બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પહોંચો પણ

સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને

ખજૂરી જેટલો છાંયો મળે – એ સિક્કાની

બીજી બાજુય છે એવી કે, રણ મળે તમને

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે

સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે

પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો

અહીં અભાવનું વાતાવરણ મળે તમને

જાવ,નિર્વીર્ય હે શબ્દો,તમોને આશિષ છે

તમારા કલૈબ્યનું વાજીકરણ મળે તમને

રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

– રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

– રમેશ પારેખ

%d bloggers like this: