સખી રે, મારી તું તો પતંગ ને હું દોર-રમેશ પટેલ (પ્રેમોર્મિ)

સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
કાપી ના કાપે એવી જોડ.
તારે તો જાવું પેલા, અંબરને આંજવાને
મારી રે સાથે જોડાજોડ
તું તો પતંગ રંગ ધેરો ગુલાબી ને
મારો રે રંગ છે અજોડ.
તારો રે ઘાટ મને મનગમતો મળીયો ને
તુંથી બંધાયો “હું” અજોડ.
તેં તો તારે માથે ફૂમતાં લટકાબવીયાંને
મારો એ “માંજો” અજોડ.
તું તો અનંત આભ ઊડતી ને ઊડતી
છોડે ના “સંગ” તું અજોડ.

છેલાજી રે…..- અવિનાશ વ્યાસ

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

કંકોતરી

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

ફક્ત પ્રિયે તારા નામની આગળ લખું, -એક (કોરો) (પ્રેમ) પત્ર

ફક્ત પ્રિયે તારા નામની આગળ લખું,
બસ એમજ સાવ કોરો કાગળ લખું.

ખબર અંતર પૂછું પહેલા સમયના,
પછી પોરો ખાઈ થોડો, અંજળ લખું.

કેમ કરી અશ્રુઓ મોકલી શકાય પત્રમાં,
કહે તો વાદળ કહે તો ઝાકળ લખું.

ના, નથી સ્થિતિ કોઈને કહેવા જેવી,
છતાં શુભ-શુભ મંગળ મંગળ લખું.

ફુલોનો માર ખાઈ ખાઈ કોહવાઈ ગયો છું,
થોર છું થોર બીજું શું બાવળ લખું.

નિશ્ચિત નથી કંઈ હવે તારું મળવું,
છતાં તું મળે એવી અટકળ લખું.

હાલક ડોલક છે દિલો-દિમાગ બન્ને,
એકજ શબ્દમાં લખું તો વિહવળ લખું.

વચ્ચેનો સમય જો દોહરાવી શકે તો,
એજ લી.-પહેલી અને છેલ્લી પળ લખું

– ફકત તરુણ

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ- – મુકુલ ચોક્સી

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

મારા ભોળા દિલનો

મારા ભોળા દિલનો

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કોઈ ભૂલ હો મારી તો એને માફ કરી દ્યો
કોઈ ભૂલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી ના હા કહી મુખ મૌન ધરી ને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

એક બોલ પર એના મેં મારી જીન્દગી વારી
એક બોલ પર એના મેં મારી જીન્દગી વારી
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી
આ જોઈને ને રોઈને દિલ મારું કહે છે
આ જોઈને ને રોઈને દિલ મારું કહે છે
શું પામ્યું કહો જીન્દગીભર આહ ભરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમનો ઝણકાર બાકી છે
સંસારના વહેવારનો વેપાર બાકી છે
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે
અભિમાનમાં ફુલઈ ગયા જોયું ના ફરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને
મારા ભોળા દિલનો

રમેશ ગુપ્તા

ના તને ખબર પડી, ના મને ખબર પડી,

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.

-તુષાર શુક્લ

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

તારા રે નામનો છેડ્યો એકતારો,
હું તારી મીરાં હું ગિરધર મારો.
આજ મારે પીવો છે પ્રીતીનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

આપણ બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી.
જો જો વીંખાય નહી સમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

દોરંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલો સંભાળી.
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો.

– અવિનાશ વ્યાસ

કોઈ જોડે કોઈ તોડે

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,
કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…

કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…

કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,
કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે…

-ઉમાશંકર જોશી

પ્રીતડી બાંધતા રે બંધાય ના

પ્રીતડી બાંધતા રે     બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું લલાટનું ના ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું    લલાટનું   ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

સપનાં રોળાઈ ગયા
કાળજ  કોરાઈ ગયા
સપનાં રોળાઈ ગયા
કાળજ  કોરાઈ ગયા
તારી જુદાઈમાં મનથી રુંધાઈ ગયા

ઓ વ્હાલમા…હાય
ઓ વ્હાલમા…
તડકો ને છાંયો જીવન છે
નાહક    મૂંઝાઈ    ગયા

કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું    લલાટનું   ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

નૈને    નીંદર  નથી
હો નૈને નીંદર  નથી
ક્યાં છું  ખબર નથી
દિલડાને  જંપ  હવે
તારા   વગર  નથી

ઓ વ્હાલમા…હાય
ઓ વ્હાલમા…
સંસારી ઘુઘવતા સાગરે
ડુબવાનો    ડર   નથી

કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું    લલાટનું   ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

તારી  લગન  લાગી
અંગે  અગન  જાગી
વિયોગી   તારલીનું
ગયું  રે મન  ભાંગી

ઓ વ્હાલમા…હાય
ઓ વ્હાલમા…
વસમી વિયોગની વાટમાં
લેજો    મિલન    માંગી

કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના
બંધન જનમોજનમના ભૂલાય ના
લખ્યું    લલાટનું   ના   ભૂંસાય
કે પ્રીતડી બાંધતા રે   બંધાય ના

-ધીરજ વોરા

ધીરે ધીરે ઝાલી તે આંગળીઓ કીધી પહોળી-ભાનુપ્રસાદ પંડ્યા

ધીરે ધીરે ઝાલી તે આંગળીઓ કીધી પહોળી

ઉદર મહીંની  મુઠ્ઠીને મા, ફૂલ  સમાણી ખોલી

 

પડખે સુતા  આંગળીઓથી લઉં તુજ છાતી ખોળી

બંધ આંખની બાળક લીલા તું સંભારે ભોળી

 

આંગળીઓના વેઢા ગણતા ટુચકા કહી રમાડી

બીજી વાતે ધ્યાન પરોવી ઝાઝું દિયે જમાડી

 

આંગળીઓ સાહી લઇ ગઈ તું અક્ષરની દુનિયામાં

પેન પાટીનો નાતો જગવ્યો તે નાના મુનીયામાં

 

આંગળીઓમાં લાલ બીજી આંગળીઓ મૂકી દઈ

આંગળીઓની સરહદથી તું ક્યા છેટેરી ગઈ ?

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
લગ્ન ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડા ના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે;
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે,
તમેજ કહો મિત્રો શું આનેજ જિંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછસે સંસ્કૃતી કોને કહેવાય છે?
ઍક વાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.

– પ્રેમ

“પ્રેમ” કાવ્ય સ્પર્ધા

પ્રિય સભ્યો,
આપ સૌનું ગુજરાતીઓ-સ્પર્ધા પર હાર્દિક સ્વાગત છે. સહર્ષ જણાવવાનું છે કે ગુરુપુર્ણીમા નાં શુભદિવસથી આપણી આ વેબસાઈટમાં માસિક સ્પર્ધા નું આયોજન કરવામા આવ્યું હતું તે માટે નો વાચકમિત્રો એ જે ઉત્સાહભર્યો અને અતિ સુંદર પ્રતિભાવ દાખવ્યો તે માટે આપ સૌ નો ખુબ ખુબ આભાર .
હવેથી આ સ્પર્ધા દર વખતે અલગ અલગ વિષય આધારિત રાખવાનું નક્કી કર્યું છે , તો આપ સૌ મિત્રો ને તેમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ખાસ કરીને આ સ્પર્ધાનો હેતુ નવોદિત સર્જકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે .
ગુજરાતી ભાષાના પ્રચાર માટે હવેથી નિયમિત રીતે સ્પર્ધાનું આયોજન કરવામા આવશે આથી, જેઓ લેખન ક્ષેત્રે પ્રથમ પગલું ભરી રહ્યાં હોય તેમને માટે આ સ્પર્ધા સુવર્ણતક સમાન છે.આ સ્પર્ધા આજના તારીખ ૧ ૬ જાન્યુઆરી … પોષ સુદ અગિયારસ ના શુભદિવસથી શરુ થાય છે.
આ વખતની સ્પર્ધાનો વિષય છે પદ્ય અને “પ્રેમ” ….પ્રેમ કાવ્ય / ગઝલ / ગીત / સોનેટ …. કે પ્રેમ અંગેની આપ કોઈ પણ પદ્ય રચના મૂકી શકો છો.
પ્રેમ નો પ્રકાર કોઈ પણ હોઈ શકે …. માતૃ પ્રેમ, પિતૃ પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, મિત્ર કે સખી નો પ્રેમ , દામ્પત્ય પ્રેમ , કે પ્રેમીજનો નો પ્રેમ !
પ્રેમની ના કોઈ પરિસીમા,
પ્રેમપંથમાં ના કાંઈ પારાવાર.
પ્રેમ પરસ્તીનો, પરવશ પરવરદિગાર,
પ્રેમપંથનો પ્રણેતા જ પ્રભુ પરમેશ્વર!
પારૂ કૃષ્ણકાંત “પિયુની”
આપ સૌ આપની પોતાની રચના આજના શુભ દિવસથી નીચેની લીંક ક્લિક કરીને બ્લોગ

પર મૂકી શકો છો અને ઇનામ જીતી શકો છો.

http://www.gujaratio.com/profiles/blog/new
પ્રથમ ઇનામ રૂ. ૫૦૧, દ્રીતિય ઇનામ રૂ. ૨૫૦,ત્રીજું ઇનામ રૂ.૧૦૧ આપવામાં આવશે
(આ ઇનામ”પરાર્થે સમર્પણ “ની રકમ માતૃશ્રી “સુરજબા” ના સ્મરણાર્થે …” સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ જેસરવા “મુ. જેસરવા. તા. પેટલાદ , જીલ્લો આણંદ – ૩૮૮૪૫૦ દ્વારા “સ્વપ્ન ” જેસરવાકર અને ચીમનભાઈ પટેલ તેમજ પરીવારનાસહયોગથી ………..)

આ સ્પર્ધાના નિયમોઃ
બધાજ સભ્યોને વિનતી છે કે નિયમ વાંચીને જ રચના બ્લોગ પર મુકે. તમારી રચનાનાં અંતમાં તમારૂ પુરુ નામ , સરનામું , કોન્ટેક્ટ નંબર અને રચના લખ્યાની તારીખ લખવી જરૂરી છે.

૧) રચના સ્વરચિત હોવી જોઇએ.અને સ્પર્ધામાં ભાગ લેવા તમે તમારી રચના સીધી બ્લોગ પર મૂકી શકશો જે આ સ્પર્ધાના નિયમ મુજબની હોવી જરૂરી છે (તમને બ્લોગ પોસ્ટ મુકતા તકલીફ પડે તો આ લીંક ક્લિક કરાવી
http://gujaratikavitaanegazal.ning.com/group/Help
૨) વધુ માં વધુ ૫ રચનાઓ બ્લોગ પર મૂકી તમે સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.
૩) તમે તમારી રચનાનાં અંતમાં તમારૂ પુરુ નામ, સરનામું , કોન્ટેક્ટ નંબર અને અને રચના લખ્યાની તારીખ લખવી જરૂરી છે .
૪) રચના આ અગાઉ ક્યાંય પ્રસિધ્ધ થઇ હોવી ના જોઇએ.બીજે પ્રસિધ્ધ થયેલી રચના અહી મુકવી નહિ.
૫) અહી પોસ્ટ કરેલ બધી યોગ્ય રચના ગુજરાતી ગ્રુપની વેબસાઈટ પર મુકવામાં આવશે અને તેને પુસ્તક સ્વરૂપે પણ મુકવાનો વિચાર છે.
૬)આ સ્પર્ધાની આખરી તારીખ ૨૮.૨.૨૦૧૧
૭)સ્પર્ધાના નિર્ણાયકો ટુંક સમય માં જાહેર કરવામાં આવશે.
૮)સ્પર્ધામાં મુકેલ રચના ૩ મહિના સુધી બીજા બ્લોગો કે વેબસાઈટ કે બીજા કોઈ માંધ્યમમાં મુકવી (પબ્લીશ) કરવી નહિ
વિશેષમાં કોઇ સલાહ-સુચન કે સુધારા કરવા જેવુ લાગે તો જરુર કહેજો. તમારો અભિપ્રાય અમારે માટે બહુ કિમતી છે.

જય જય ગરવી ગુજરાતી

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

તન છે કેવું મઝાનું

આ ગીત સાંભળો, શબ્દ સુમન,સ્વર શ્રી ભાર્તેન્દુ માંકડ, સંગીત શ્રી નિરંજન અંતાણી,મ્યુઝીક અ.વાય ભટ્ટી,ચિરાગ વોરા લિન્ક http://gujaratikavitaanegazal.ning.com/music/playlist/edit?id=3499594%3APlaylist%3A251373
તન છે કેવું મઝાનું,મન છે કેવું મઝાનું.

સાથી બને તું એનું જીવન કેવું મઝાનું.
નાનકડી આંખડીમાં છે કૈફ દુનિયાભરનો,

મલકે તો ગાલે પડતું ખંજન કેવું મઝાનું.
સૂરત ભુલે ન તારી,જકડે છે યાદ તારી,

ચહું છુટવા કદી ના,બંધન કેવું મઝાનું.
દર્પણને દોસ્ત સમઝી વાતો કરું પ્રણયની,

મારા જ ગાલે દીધું ચુંબન કેવું મઝાનું.
દુનિયાના રંજોગમનાં અંધારાં ઓગળી ગ્યાં,

તુજ પ્રીતડીનું આંજ્યું અંજન કેવું મઝાનું.
પોતાનાં.પારકાં સૌ મળવા કદી ન દેતાં,

સપનામાં રોજ થાતું મિલન કેવું મઝાનું.
હરપળ દિદાર તારા,હરપળ કૃપાઓ તારી,

દિલમાં જમાવ્યું ‘સુમન’ આસન કેવું મઝાનું.

જયસુખ પારેખ ‘સુમન’

ગણિત એટલે શુ ? જયકાંત જાની (USA)

પરસ્પર પ્રેમ ના ગુણાકાર થી પ્રેમ બેવડાય છે ?
કે ગેર સમજણ ના સરવાળા થી પ્રેમ ગુચવાય છે

શ્ંકા કુશ્ંકા ની નિશાની થી જીવન નથી પૂરું થતું
હરક્ષણે ભય ના ભાંગાકા થી કાળજે શુળ ભોંકાય છે

ચાલ, પ્રેમ સંબંધોનું કોઇ અંક ગણિત શોધીએ
કે, હ્ર્દય માથી પ્રેમ ની બાદબાકીથી શુ થાય છે

સ્વાર્થ ના બીજગણિત થી સ્ંબધ તૂટી જતા વાર શી
મિત્રતાના અપુર્ણાક પછી દુશમની સુધી લંબાય છે

શરીરમાથી જીવ ની બાદબાકી મોત ની શેષ છે,
મોક્ષનુ સમીકરણ ભાવ શૂન્યતાથી બંધાય છે

સનમ

સનમ અમારી કેવી છે !

બદલાતી મૌસમ જેવી છે .

ઉનાળા જેમ તે તપતપે ,

ને પ્રેમવર્ષાની હેલી છે .

સનમ અમારી કેવી છે !

નાજૂક ફૂલડાં જેવી છે .

દિવસે ગુલાબ ને રાતરાણી ,

પારિજાત સમી તે મહેકી છે .

સનમ અમારી કેવી છે !

સકળ બ્રહ્માંડ જેવી છે .

ચાંદ ધરા સમી શ્વેત શીતળ ,

ને છોડ લજામણી જેવી છે .

સનમ અમારી કેવી છે !

દાદીમાની વાર્તા જેવી છે .

નટખટ મોહક સુંદર શાંત ,

આકાશની પરી જેવી છે

………..રમેશ ચૌહાણ

લાગણી લાચાર છે,હું શું કરું?

આ રચના નો વિડિયો જુવો.

http://gujaratikavitaanegazal.ning.com/video/3499594:Video:248066

 લાગણી લાચાર છે,હું શું કરું?

એકતરફી પ્યાર છે,હું શું કરું?


સાફ કહી દઉં આપનાથી પ્યાર છે,

પણ ભર્યો દરબાર છે,હું શું કરું?


એક મરે ને એકને કંઇ જાણ ના,

ફક્ત અત્યાચાર છે,હું શું કરું?


જિંદગી પળવારમાં પુરી થશે,

હમસફરને વાર છે,હું શું કરું?


અબઘડી આંસુંના દરિયા વહી જશે,

દર્દ પારાવાર છે,હું શું કરું?

 જયસુખ પારેખ ‘સુમન’

સો વાતોની એક જ વાત,

સો વાતોની એક જ વાત,

દિલને ગમતી તારી વાત.
સારૂં-નરસું ક્યાં છે ભાન,

તું જે આપે તે સૌગાત.
કોઇ મરે ના કોઇ વિના,

ખાલી કાગળ ઉપર વાત.
પ્રીત કદી ના થાય ખતમ,

પ્રેમ તો છે હરદમ શરુઆત.
સમજાવે છે લોક ભલે,

કોણે માની કોની વાત?
કોને ખપતી કાલ સવાર,

સપનાંમાં જો તારો સાથ!
લીધા છે સમ,જાન દઈશ,

તારી મરજી તારે હાથ.
કાતિલ પર એતબાર કર્યો,

દિલ દઈ દીધું હાથોહાથ.
ભોળા’સુમન’જલ્દી ભાગ,

દિલ લૂંટે સૌ લઈને બાથ.

તો તમે પ્રેમ મા પડો- જયકાંત જાની (USA)

તો તમે પ્રેમ મા પડો- જયકાંત જાની (USA)

હસતા હોઠ રાખી મનમા રડતા આવડે છે ?

ઉઘં ઉડે, આકાશ ના તારા ગણતા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

પ્રેમીની આંખ મા ખોવાઇ જઇ

દિલમાથી નિકળતા આવડે છે ?

વેલી જેમ વ્રુક્ષ ને ભીસે તેમ

પ્રેમી ને ભીંસ્તા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

કંકુ વિટિની રમત મા

વિટિ જીતતા આવડે છે ?

રાઘા ક્રુષ્ણ જેવા રિસામણા અને

મનામણા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

કાચ સામે ઉભારહી

જાત સાથે લડતા આવડે છે ?

ટેરવાના સ્પર્શથી પ્રેમી ના પ્રેમની

બારખડી ઉકેલતા આવડે છે

લૈલા ની જેમ ઝુરી ઝુરી

જીવતા આવડે છે ?

તો તમે પ્રેમ મા પડો

સુંવાળા પ્રેમના અવશેષ ને આધાર લઈ જાશું,

સુંવાળા પ્રેમના અવશેષ ને આધાર લઈ જાશું,

જતી વખતે જગતથી એક મુઠ્ઠી પ્યાર લઈ જાશું.
નવા ભવમાં ફરીથી પ્રીતનાં પુષ્પો ખીલવવાને,

સનમનાં આંગણાંની ધૂળ ચપટીભાર લઈ જાશું.
સદેહે તો નહીં ચાલે પરંતુ એક યુક્તિ છે,

ભરીને શ્વાસમાં ખુશ્બૂ તણી ગુલનાર લઈ જાશું.
તમન્નાઓ ગલી ને ગામમાં શોધે થઈ પાગલ,

ગળામાં ઘંટ બાંધીને હ્રુદયને દ્વાર લઈ જાશું.
કર્યા’તા લાખ સજદા પણ કદિ એ દ્વાર ના ઉઘડ્યાં,

અમારી ઝંખનાના ઘર સમો પડથાર લઈ જાશું.
સનમથી આંખ મળતાંવેંત મારી આંખ મિંચાશે,

જીવનના અર્ક જેવો આખરી ધબકાર લઈ જાશું.
જીવનભર જે થઈને ભીંત નડતા’તા,બધા બોલ્યા,
‘સુમન’ની લાશ શણગારી,સનમને દ્વાર લઈજાશું!

જયસુખ પારેખ ‘સુમન’

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે
રાખનાં રમકડાં, રમકડાં …

એઈ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો આવી એવી ગઈ
રાખનાં રમકડાં, રમકડાં …

-અવિનાશ વ્યાસ

હેલે ચઢી તમારી યાદ – રમેશ પટેલ ‘આકાશદીપ’

હેલે ચઢી તમારી યાદ

સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહૂંક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
લઈ દિલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દિવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા ,આજ હેલે ચઢી તમારી યાદ

રંગીલી રંગોળીથી શોભે આંગણિયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ

રમેશ પટેલ ‘આકાશદીપ’

કરોના, કેલિફોર્નીયા
વતન: મહીસા જિ. ખેડા

ઊંચી તલાવડીની કોર

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજર્યું ઢાળી હાલું તો ય લાગી નજર્યું કોની
વગડે ગાજે મુરલીના શોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ભિંજે ભિંજે જાય મારા સાળુડાની કોર
આંખ મદિલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર
છાનો મારે આ સુનો દોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો

અજ્ઞાત

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ધીમી ધીમી પગલી તારી ધીમી કૈંક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

વેણીભાઇ પુરોહિત

ઊંચી મેડી તે મારા સંતની રે,

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે

છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે

ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે
શુ તાસીર છે આ ભુમી ની હજી રાજા
જનક જેવા હ્ળ હાકે તો સીતા નીકળે

-કવિ દાદ

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

બરકત વિરાણી ‘બેફામ’

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

કૈલાસ પંડિત

શ્રાવણી પૂનમ

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ
આંખ ધરે પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ફૂલ હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
સ્નેહે છલક્યા સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ઝરમર વરસે મેઘ આભલે
બહેનનાં હૈયાં હરખે હેતે
મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા
રેશમનો દોરો સ્નેહનો ગોટો
ભાલે તીલક કરી હેતે બાંધ્યો
આરતી કરે સ્નેહ ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
મંગલ જોડી ભાઈ બહેનની
વીરો પૂરસે આશડી તારી
છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

રમેશ પટેલ ‘આકાશદીપ’

મોહતાજ ના કશાનો હતો . – કોણ માનશે?

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?

મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,

એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,

આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,

ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,

આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,

માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

– ‘રૂસવા’

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો
જરા ઊભા રહો, જરા ઊભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો
મેં તો આપ્યા છે ફૂલ, મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફૂલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

થઈને પૂનમની રાત તમે આવ્યાં હતા
થઈને જીવન પ્રભાત તમે આવ્યાં હતા
તમે આવ્યાં હતા, તમે આવ્યાં હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે

બરકત વિરાણી ‘બેફામ’

વાળ નો વૈભવ

જેમને નથી અને જેમને જઈ રહ્યા છે,એમને માટે ની કવિતા….

પી.એસ.; મારે પણ નથી…!!!!!!!!

           

                       વાળ નો વૈભવ
જે નથી દેખાતું તે જોવા ની મજા ઓર છે, અને…
પામ્યા પછી ગુમાવવા ની મજા કઇં ઓર છે.

હતા, ત્યારે  વૈભવ માણી લીધો, પણ…હવે,
મહા-અભિનિષ્ક્રમણ ક ર્યા ની મજા ઓર છે.

હોય, તો, વાળે વાળ પાપ થી ભરેલ છે એમ કહેવાય,
ન હોવા થી, પૂર્ણશાળી કહેવાવા ની મજા ઓર છે.

હોય, અને અડપલું કરો, તો તમાચો પડે,
          ન હોવા ને કારણે …
“કાકા” બની, અડપલું કરી લેવા ની મજા ઓર છે.

ચૈતન્ય મારુ.

શરદપૂનમ…

તમારી યાદો એ બાંધ્યાં છે તોરણ મારી પાંપણો પર,
વધાવવા તલસી રહી છે આંખો, આવો ને તમે અભિસારિકા.

શિરાઓ માં લોહી થયું છે ઉતાવળું તમને પોંખવા,
આવોને  એનો ચાંદલો કરવા તમે, અભિસારિકા.

ઢોલ ધડુકે  છે હૃદયમાં સતત તમારા નામનો,
આવોને  એની ઉપર થાપ દેવા તમે,અભિસારિકા.
ચંદ્ર પણ પડી ગયો છે એકલો તમારા વગર,
ચાલોને ઉજવીએ આ શરદપુનમ સાથે,અભિસારિકા.

ચૈતન્ય મારુ

મારી મુંઝવણો……

મારી મુંઝવણો……

થયું, લાવ,થોડું પાછળ જોઇ લઉં,
અવકાશ હોય, તો,ક્ષણોને મુલવી લઉં.

ઘણી વાર એમ થાય છે કે,શું ઉણપ છે
અળગો અળગો કેમ લાગું છું લોકોથી
આવડતું નથી મને ચહેરો પહેરતાંકે,
પારદર્શક બનવાથી દેખાતો નથી

મને પણ ઉ ત્સાહ એટલો જ હોય,
કદાચ લોકોને બીજાનો વધારે લાગતો હશે,
કે, દેખાડો નથી કરી શકતો એટલે

મને સીન્થેટિક બનતાં નથી આવડતું,
કદાચ,માતા-પિતા હશે જવાબદાર એને માટે,
હોય એવા દેખાવું,એવું હમેશાં કહેતા બન્ને,
પણ,આ જમાનામાં, કોટન કોણ પહેરે છે

હા,ગુસ્સો છે મારી મોટી નબળાઇ,
પણ,
ખોટી ખુશામત કરવા અસમર્થ છું.

હાં…….હવે મળ્યું કારણ, મારી મુંઝવણનું,
મારી પાસે મુખવટાઓ નો સ્ટોક જ નથી !!!!

-ચૈતન્ય મારુ

મુક્તક-તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો

તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો
અશોક બાદ જેમ શિલાલેખ રહી ગયો

-હરેશલાલ

મુક્તક

ગુલાબ સાથે રહીનેય એ રહ્યો કંટક,
કહે છે કોણ કે સોબતનો રંગ લાગે છે?
-આમીન આઝદ

મુક્તક

ગુન્હેગાર છું,ચુંબન અચાનક મેં તમારું લઇ લીધુ,

પાછું લઇ લો,ત્યાં જ છે જ્યાંથી લીધું જ્યાંથી કીધું,

-અવિનાશ વ્યાસ

ગઝલ બઝલ

અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો,
પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ?

કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ,
અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો.

માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી,
ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો.

ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ,
ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો.

સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં,
ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો.

ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો,
વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો.

શ્વાસબાસમાં વાસ ભૂંજાતા માંસની આવે,
સમયબમયનો ખાધોબાધો ફટકોબટકો.

-ભગવતીકુમાર શર્મા

ગુલાબ માંગે છે.

દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.

હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.

આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.

શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.

મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.

યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
__આદિલ મન્સૂરી

સમય

 સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે

સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,

સમય ને આમ ન જવા દે સમયને સાચવી લે

સમયે તક જે મલી તેને સમય સર જડ પી લે,

સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,

સમય જો સારો ન હોય તો ધીરજ થી કામ લે,

સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,

સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

સમય ની વાત તુ ના કર,સમયથી કામ તુ કર,

ભરત સુચક

 

%d bloggers like this: