ગાડી આવે જાય બાંકડે બેઠો છું.

ગાડી આવે જાય બાંકડે બેઠો છું.
અંદર કંઇ કંઇ થાય, બાંકડે બેઠો છું.

આમ જુઓ તો એના એ વર્ષોના પાટા,
સીધી સીધા જાય બાંકડે બેઠો છું.

હમણાં આવ્યું કોણ ? અહીંથી કોણ ગયું આ ?
પળમાં તો ભુલાય, બાંકડે બેઠો છું

કોઇ કોઇ ચહેરાની રેખા માંડ ઉકેલું
નામ કેમ પુછાય ? બાંકડે બેઠો છું

તડકા છાયા આગળ પાછળ ફરતા રહેતા,
એ જ વાયરા વાય બાંકડે બેઠો છું.

સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી
દુનિયા અજબ લહાય બાંકડે બેઠો છું.

ઘટ આવે કે નૂર ચડે, નુકશાની લાગે,
એવું તો ભૈ થાય બાંકડો બેઠો છું.

ખુદાબક્ષ છે કોઇ છે ઇજ્જત વાળા,
બાકી શું કહેવાય ? બાંકડે બેઠો છું.

ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાવાં ભરતી,
ભોંય સરકતી જાય બાંકડે બેઠું છું.

ઝાંઝુ ના સમજાય. બાંકડે બેઠો છું.
ગાડી આવે જાય, બાંકડે બેઠો છું.

હરિકૃષ્ણ પાઠક

%d bloggers like this: