‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.
‘કહ્યા પછી શું ?’ ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા.
દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
આપમેળે સમજાય,
વસંત આવે ત્યારે કોયલ
કેમ રે મૂંગી થાય ?
આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.
-સુરેશ દલાલ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરેશ દલાલ | Tagged: ‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સુરેશ દલાલ, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »