છોકરી સમણાંમાં આવીને છોકરાની નીંદર બગાડે,-સાજીદ સૈયદ

છોકરી સમણાંમાં આવીને છોકરાની નીંદર બગાડે,

પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે?

હાવ સાચી હકીકત છે ના છોકરીયુ માઠું લગાડે.

સ્માઈલમાં સળગી ગયાના છોકરાંના કેટલાય દાખલા,

બિચ્ચારા ગાય બની જાય છે જુઓને ભૂરાંટા આખલા.

આંખોને પાથરીને ઉભા રહે છે એતો છોકરીને આવતી ભાળે,

પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે?

ઈમ્પ્રેસ પેલીને કરવા કેવા કરતબ કરે છે એતો જુઓ,

બાઈક રમાડે છે એમ જાણે હો બાપાનો પેટ્રોલનો કૂવો.

ભાઈ કોણે અંદરથી જોઈ છે, કોણ ઘુસ્યું છે ક્યારેય નિશાળે?

પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે?

આપણે રેડી શીએ બસ ખાલી છોકરી હોવી જોઈ’ રેડી,

આપણે ક્યાં ટેન્સન છે બેસીશું સધ્ધર છે બાપાની પેઢી

બીજું બધુ તો હમજ્યા ભાઈ જીત ઘણી અઘરી પ્રેમને અખાડે,

પેલા શિક્ષણવિદ બેઠાં વિચારે,કેમ શિક્ષણ ગયું છે સાવ ખાડે?

માં નું ઉધાર

જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,

લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે. … …

તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,

ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે.

તારા આ કાળિયાને એવો શણગારતી,

જાણે સજીને સાજ આખી સરકાર નીકળે. …

પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો,

એની આંખોમાંથી ય આંસુ ચોધાર નીકળે.

મારી સફળતાને એક’ દિ ફંફોસી જોઈ મે,

મારી માવલડીના સપના સાકાર નીકળે.

દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,

તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,

તોય મારી માવડી મારી લેણદાર નીકળે.

-સાજીદ સૈયદ

%d bloggers like this: