કમળ જેવું કશુંક વાવી દીધું છે,

કમળ જેવું કશુંક વાવી દીધું છે,
નર્યા રણને છલકાવી દીધું છે.

પવન ને ફૂલનો સંબંધ શું છે ?
સ્મરણનું નામ બદલાવી દીધું છે.

નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,
તમે એક નામ ત્રોફાવી દીધું છે.

તમારી ખોટ સાલે છે તિમિરને,
અમે તો મૌનને બહેલાવી દીધું છે.

પ્રવાસી હું ય પળનો છું અહીં પણ,
સમયનું વ્હેણ થંભાવી દીધું છે.

– શ્યામ સાધુ

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

– શ્યામ સાધુ

આપની પાંપણ ઝૂકી ઝિલાઈ ગઈ,

આપની પાંપણ ઝૂકી ઝિલાઈ ગઈ,
મૌનની લિપી મને સમજાઈ ગઈ.

એક ઉંબર, એક પગલું, એક હું,
જિંદગી પણ જબરી ઠોકર ખાઈ ગઈ.

દોસ્ત, ભાષા યાદની આંસુ બની,
આંખ મારી આ જુઓ ભીંજાઈ ગઈ.

બારીના પડદાનો મહિમાં ક્યાં રહ્યો,
દ્ર્શ્યની આખી નદી સૂકાઈ ગઈ.

મહેક માફક આવીને ચાલ્યા ગયાં,
અમથી અમથી લાગણી અટવાઈ ગઈ.

—શ્યામ સાધુ

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !

ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?

ક્યાં જઈ હવે એ સ્મિતની મીઠાશ માણશું ?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો !

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !

  – શ્યામ સાધુ

તારી યાદની મોસમ – શ્યામ સાધુ

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?           

%d bloggers like this: