સત્ય સાથે બાથ પાછી ભિડવાની વાત છે

સત્ય સાથે બાથ પાછી ભિડવાની વાત છે
હોલિકા ના ખોળે જૈને બેસવાની વાત છે

વાત પાણી ભરવાની ચંડાળ ના આવાસે જૈ
જાત ને ઉભી બજારે વેચવાની વાત છે

વાત છે પાતાળ માં પંહોચી જવાની છેવટે
ત્રીજું પગલું શશી ઉપર ઝીલવાની વાત છે

વાત છે પહેલાં કે સામે ચાલીને જુગટું રમો
ને પછી વરસો વરસ વન વેઠવાની વાત છે

છાતી માં ગોળી ને “હે રામ” નાં શબ્દો પ્રથમ
ટ્રેઇન માં થી બહાર ફેંકાઇ જવાની વાત છે

– શૈલેશ દેસાઇ

%d bloggers like this: