સુખને શોધવું પડે

સુખને શોધવું પડે
શોધવા જવું પડે
એથી વધું મોટું દુઃખ શું?

શિશુના સ્મિતમાં, રમતા અતીતમાં
નયન મંદિરમાં, યૌવન રંગીનમાં
સુખ નથી શું?

ધરતીના ગીતમાં, આકાશ અસીમમાં
પ્રેમની રીતમાં ને પ્રિયની સમીપમાં
સુખ નથી શું?

સ્પંદિત અનિલમાં, નિર્મલ સલિલમાં
કુટુંબ – પરિઘમાં, બ્રહ્માંડ અખિલમાં
સુખ નથી શું?

માટીની સુગંધમાં, વાદળ અનંગમાં
વિજળી મૃદંગમાં, વર્ષા તરંગમાં
સુખ નથી શું?

માતાના અંકમાં, દોસ્તોના સંગમાં
વડીલના ચરણમાં, ઇશ્વર શરણમાં
સુખ નથી શું?

રંકની દુઆમાં, રબની દયામાં
પરના ભલામાં ને હરેક કલામાં
સુખ નથી શું?

અહીં તો સર્વત્ર સુખ જ સુખ છે
કેમ કે
સૃષ્ટિનો સર્જનહાર
ઇશ્વર ખુદ આનંદ સ્વરૂપ છે
હજીયે તમને લાગે છે કે
સુખને શોધવું પડે
કે શોધવા જવું પડે?

વિશાખા જ.વેદ           

%d bloggers like this: